Fake Robbery Green Card Scam: અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહી રહેલા 11 ભારતીય નાગરિકો પર કન્વીનિયન્સ સ્ટોરમાં નકલી લૂંટનું કાવતરું રચવાના આરોપમાં વિઝા છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. અમેરિકી સંઘીય પ્રોસિક્યુટર્સ (અભિયોજકો) ના જણાવ્યા અનુસાર, આ લોકોએ સ્ટોરમાં નકલી સશસ્ત્ર લૂંટની ઘટનાઓ આયોજિત કરી પોતાને ગુનાના ભોગ બનેલા (પીડિત) બતાવવાની યોજના બનાવી હતી, જેથી ગ્રીન કાર્ડ મેળવવા માટે ઇમિગ્રેશન અરજીમાં તેનો ફાયદો ઉઠાવી શકાય.
શુક્રવારે આરોપી જાહેર કરાયેલા 11 શખ્સો પર આરોપ છે કે તેમણે કાં તો આયોજક સાથે મળીને લૂંટની યોજના બનાવી હતી, અથવા પોતાને કે પરિવારના કોઈ સભ્યને પીડિત તરીકે સામેલ કરવા માટે પૈસા ચૂકવ્યા હતા.
અમેરિકી ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર, જિતેન્દ્રકુમાર પટેલ (39), મહેશકુમાર પટેલ (36), સંજયકુમાર પટેલ (45), દીપિકાબેન પટેલ (40), રમેશભાઈ પટેલ (52), અમિતાબેન પટેલ (43), રોનકકુમાર પટેલ (28), સંગીતાબેન પટેલ (36), મિન્કેશ પટેલ (42), સોનલ પટેલ (42) અને મિતુલ પટેલ (40) પર વિઝા છેતરપિંડીનું કાવતરું રચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
દીપિકાબેનને ભારત પાછા મોકલાયા
અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ, આ તમામ આરોપીઓ અમેરિકાના વિવિધ રાજ્યો જેવા કે મેસેચ્યુસેટ્સ, કેન્ટુકી અને ઓહિયોમાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા હતા. જેમાં દીપિકાબેન પટેલને મેસેચ્યુસેટ્સના વેમાઉથમાં ગેરકાયદેસર રીતે રહેવાને કારણે ભારત પાછા મોકલી દેવામાં આવ્યા છે.
અનેક આરોપીઓની ધરપકડ કરાઈ
જિતેન્દ્રકુમાર, મહેશકુમાર, સંજયકુમાર, અમિતાબેન, સંગીતાબેન અને મિતુલની મેસેચ્યુસેટ્સમાં ધરપકડ કરવામાં આવી હતી અને શુક્રવારે બોસ્ટનની ફેડરલ કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. બીજી તરફ રમેશભાઈ, રોનકકુમાર, સોનલ અને મિન્કેશની કેન્ટુકી, મિઝોરી અને ઓહિયોમાં ધરપકડ કરવામાં આવી છે. તેમને બાદમાં બોસ્ટનની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?
અમેરિકી કોર્ટના રેકોર્ડ મુજબ, માર્ચ 2023માં રામભાઈ અને તેના સાથીઓએ મેસેચ્યુસેટ્સ સહિત અન્ય સ્થળોએ ઓછામાં ઓછા છ કન્વીનિયન્સ સ્ટોર, દારૂની દુકાનો અને ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં નકલી સશસ્ત્ર લૂંટની ઘટનાઓ આયોજિત કરી હતી.
બાદમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું કે લૂંટની આ તમામ ઘટનાઓ નકલી હતી, જેના દ્વારા એ બતાવવાનો પ્રયાસ હતો કે દુકાનમાં કામ કરતા લોકો ગુનાનો શિકાર બન્યા છે. જેથી તેઓ ‘યુ-વિઝા’ (U-Visa) માટે અરજી કરી શકે. આ વિઝા એવા લોકોને આપવામાં આવે છે જેઓ અમેરિકામાં કોઈ પ્રકારના ગુનાનો ભોગ બન્યા હોય અને કાયદાકીય એજન્સીઓને મદદ કરતા હોય. આની સાથે જ તેમના માટે ટૂંક સમયમાં ગ્રીન કાર્ડનો રસ્તો પણ ખુલી શકે છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નકલી ઘટનાઓમાં એક વ્યક્તિ બંદૂક જેવી દેખાતી વસ્તુથી દુકાનના કર્મચારીઓને ધમકાવતો, કેશ રજિસ્ટરમાંથી પૈસા લઈને ભાગી જતો અને આ આખી ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થતી. ત્યારબાદ કર્મચારી અથવા માલિક થોડી મિનિટો પછી પોલીસને જાણ કરતા હતા.
તપાસમાં એવો પણ આરોપ છે કે કથિત પીડિતોએ આ યોજનામાં સામેલ થવા માટે આયોજક રામભાઈને પૈસા આપ્યા હતા, જ્યારે રામભાઈ દુકાન માલિકોને સ્ટોરનો ઉપયોગ કરવા માટે ચૂકવણી કરતો હતો.
રામભાઈ, નકલી લૂંટારાઓ અને ફરાર થવામાં મદદ કરનાર ડ્રાઈવર પર પહેલાથી જ મુકદ્દમો ચાલી ચૂક્યો છે અને તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે. જો દોષ સાબિત થાય તો આ આરોપીઓને મહત્તમ 5 વર્ષની જેલ, 3 વર્ષની દેખરેખનો સમયગાળો અને 2.5 લાખ ડોલર સુધીનો દંડ થઈ શકે છે.

