India Nepal Flood Rescue: નેપાળમાં આવેલા પૂરના કારણે થયેલી તબાહી બાદ મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ રેસ્ક્યુ ઓપરેશનમાં ભારત તરફથી પણ અનેક ટીમો નેપાળ પહોંચી ત્યાં અભિયાન ચલાવવામાં મદદ કરી રહી છે. આ દરમિયાન ભારતની એક વિશેષ ટેકનિકલ ટીમે અસરગ્રસ્ત વિસ્તારમાં જળવિદ્યુત સુરંગોનું નિરીક્ષણ કર્યું. એવું માનવામાં આવી રહ્યું છે કે આનાથી ફસાયેલા લોકોને વહેલી તકે શોધવામાં અને બચાવ કાર્યમાં મદદ મળશે.
પહેલા હવાઈ નિરીક્ષણ કર્યું
નેપાળની વિનંતી પર ભારતે ડોક્ટરો, પેરામેડિક્સ અને ટનલ રેસ્ક્યુ ઓપરેશનમાં નિષ્ણાત કર્મચારીઓ ધરાવતી 11 સભ્યોની રેસ્ક્યુ ટીમ મોકલી છે. વિશેષ ટેક્નિકલ ટીમ રસુવા જિલ્લામાં આવેલા ત્રિશૂલી 3એ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પહોંચી છે, જ્યાં અચાનક આવેલા પૂર બાદ સુરંગની અંદર ફસાયેલા લોકો માટે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. નેપાળના પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) અનુસાર, ભારતીય ટીમે આગળની જરૂરિયાત મુજબ બચાવ અભિયાન ચલાવતા પહેલાં હેલિકોપ્ટર દ્વારા ચિલિમે અને લાંગતાંગ વિસ્તારોનું પ્રારંભિક હવાઈ નિરીક્ષણ કરવાની યોજના બનાવી હતી.
બચાવ કાર્ય અત્યંત પડકારજનક
નેપાળના પીએમઓએ જણાવ્યું કે શુક્રવાર રાતથી નેપાળી સેનાના 62 જવાનો અને સશસ્ત્ર પોલીસ દળ નેપાળ તથા નેપાળ પોલીસના 20 જવાનો સહિત 82 નેપાળી સુરક્ષા કર્મચારીઓની સંયુક્ત ટીમ સુરંગના પ્રવેશદ્વારને સાફ કરવા અને શોધ અભિયાનને ઝડપી બનાવવા માટે સતત તૈનાત કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિસ્તારમાં પ્રતિકૂળ હવામાનને કારણે બચાવ કાર્ય અત્યંત પડકારજનક બની ગયું છે.
934 કર્મચારીઓ સંપર્ક બહાર
સ્થાનિક નિષ્ણાતોની મર્યાદિત ક્ષમતાને કારણે બચાવ અભિયાન ધીમી ગતિએ આગળ વધી રહ્યું હોવાથી નેપાળે ભારત અને ચીન પાસેથી સહયોગ માગ્યો છે. દૂતાવાસે જણાવ્યું કે ભારત નેપાળના ચાલી રહેલા રાહત અને બચાવ પ્રયાસોને સમર્થન આપવાનું ચાલુ રાખ્યું છે અને પૂરથી પ્રભાવિત ભારતીય નાગરિકોની શોધ તથા બચાવ માટે નેપાળી અધિકારીઓના સંપર્કમાં છે. નેપાળના ખાનગી વીજળી ઉત્પાદકોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર્સ એસોસિએશન, નેપાળ (આઈપીપીએએન)એ જણાવ્યું કે નેપાળના પૂરથી પ્રભાવિત રસુવા અને નુવાકોટ જિલ્લાઓમાં 11 જળવિદ્યુત યોજનાઓ સાથે જોડાયેલા 934 લોકો હજુ પણ સંપર્ક બહાર છે.
Today, a specialized technical team from India carried out on-site reconnaisaance of hydropower tunnels in the area affected by the flash flood, which will help in facilitating early search and rescue of stranded individuals.@MEAIndia @IndianDiplomacy @NepaliArmyHQ @navsri6619… pic.twitter.com/SmbSQZhfzW
— IndiaInNepal (@IndiaInNepal) August 29, 2026
13 પ્રોજેક્ટ પ્રભાવિત
એસોસિએશન અનુસાર, 26 ઓગસ્ટે ભોટે કોશી નદીમાં આવેલા વિનાશક પૂર બાદ રસુવામાં છ જળવિદ્યુત યોજનાઓ સાથે જોડાયેલા 730 લોકો અને નુવાકોટમાં પાંચ યોજનાઓ સાથે જોડાયેલા 204 લોકો સંપર્ક બહાર છે. પૂરના કારણે બંને જિલ્લાઓમાં જળવિદ્યુત યોજનાઓ અને અન્ય માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન થયું છે. આઈપીપીએએન અનુસાર, 26 ઓગસ્ટના પૂરે રસુવા અને નુવાકોટમાં 675.6 મેગાવોટની સંયુક્ત સ્થાપિત ક્ષમતા ધરાવતી 13 જળવિદ્યુત યોજનાઓને અસર કરી છે.

