India UN Speech: પાકિસ્તાન દ્વારા રમઝાન મહિનામાં અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈક પર ભારતે સંયુક્ત રાષ્ટ્ર (UN) માં ખુલીને પોતાનો પક્ષ રાખ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પર્વતનેની હરીશે પાકિસ્તાનને ફટકાર લગાવતા કહ્યું કે, એક તરફ આંતરરાષ્ટ્રીય કાયદા અને ઈસ્લામિક એકતાના ઊંચા સિદ્ધાંતોની વાતો કરવી અને બીજી તરફ રમઝાનના પવિત્ર મહિનામાં નિર્દયતાથી એરસ્ટ્રાઈક કરવી એ માત્ર એક દંભ છે. આ સાથે ભારતે સંયુક્ત રાષ્ટ્ર પાસે આતંકવાદી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી.
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં જે પક્ષ રાખ્યો તેને 10 મુદ્દામાં સમજીએ…
ભારતનું યુએન સંબોધન: મહત્વના 10 મુદ્દા
ગાઢ સંબંધો: ભારતે યુએનમાં કહ્યું કે અફઘાનિસ્તાન સાથે તેના લાંબા સમયથી ગાઢ સંબંધો છે અને વર્તમાન મુશ્કેલ સમયમાં અફઘાન જનતાને વૈશ્વિક મદદની જરૂર છે.
વિકાસ પરિયોજનાઓ: ભારતે જણાવ્યું કે તે અફઘાનિસ્તાનના તમામ 34 પ્રાંતોમાં 500 થી વધુ વિકાસ પરિયોજનાઓ દ્વારા આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતા નિર્માણમાં સહયોગ કરી રહ્યું છે.
તબીબી સહાય: પર્વતનેની હરીશે યુએનમાં જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં ભારતે 10 લાખ વેક્સિન ડોઝ અને 9.5 ટન કેન્સર વિરોધી દવાઓ મોકલી છે. સાથે જ ખાદ્ય સુરક્ષા અને ભૂકંપ રાહત પર પણ કામ ચાલુ છે.
પાકિસ્તાનની ટીકા: ભારતે પાકિસ્તાન દ્વારા અફઘાનીઓના જબરદસ્તી વિસ્થાપન અને સીમા પારની હિંસા પર ચિંતા વ્યક્ત કરી અને નાગરિકોના મોત નિપજાવતા હવાઈ હુમલાની સખત નિંદા કરી.
પાકિસ્તાનનો દંભ: ભારતે કહ્યું કે આ હવાઈ હુમલા આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ઉલ્લંઘન છે. 6 માર્ચ 2026 સુધીમાં 185 નિર્દોષ લોકોના મોત થયા છે. રમઝાનમાં આવા હુમલા કરવા એ પાકિસ્તાનનો પાખંડ છે.
વેપારમાં અવરોધ: ભારતે ‘ટ્રેડ એન્ડ ટ્રાન્ઝિટ ટેરરિઝમ’ પર પણ ચિંતા વ્યક્ત કરી. નવી દિલ્હીએ કહ્યું કે લેન્ડલોક (ચારે બાજુથી જમીનથી ઘેરાયેલા) દેશોની નબળાઈનો હથિયાર તરીકે ઉપયોગ ન થવો જોઈએ.
આતંકવાદ વિરોધી એક્શન: ભારતે ISIL, અલ-કાયદા, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે સંકલિત કાર્યવાહીની માંગ કરી.
ક્રિકેટ અને આશા: ભારતે ગર્વ વ્યક્ત કર્યો કે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ ICC વર્લ્ડ કપ 2026 માં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારતે કહ્યું કે તેમને અફઘાન યુવાનોમાં જોશ જોઈને આનંદ થાય છે અને ભારત તેમની આ સફરનો હિસ્સો હોવાનો ગર્વ અનુભવે છે.
નવી નીતિની જરૂરિયાત: ભારતે સૂચવ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે જૂની પદ્ધતિઓ છોડીને લવચીક અને અસરકારક નીતિઓ અપનાવવી જોઈએ જે હકારાત્મક ડગલાંને પ્રોત્સાહન આપે.
અડગ સમર્થન: ભારતે પુનરોચ્ચાર કર્યો કે તે અફઘાન સમાજની પ્રાથમિકતાઓ અને આકાંક્ષાઓ સાથે ઉભું રહેશે અને અફઘાન લોકોનું સમર્થન ચાલુ રાખશે.

