કોલકાતાકાંડ : છેલ્લા શ્વાસ સુધી લડી ડોક્ટર પીડિતા

Reena Brahmbhatt
3 Min Read

કોલકાતા, તા. 19 : કોલકાતાની `િનર્ભયા’ને ન્યાય અપાવવા માટે દેશ સડકો ઉપર છે. દરેક તરફથી એક જ અવાજ ઉઠી રહ્યો છે કે ક્યાં સુધી યુવતીઓ આવી હેવાનીયતનો શિકાર બનતી રહેશે. એક મહિલા તબીબ જે પોતાની લાંબી શિફ્ટ બાદ આરામ કરી રહી હતી ત્યારે એક હેવાને હોસ્પિટલમાં જ હુમલો કરી દીધો હતો. પહેલા દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં તેની હત્યા કરી દેવાઈ હતી. કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં આઠ ઓગસ્ટની રાત્રે જુનિયર ડોક્ટર સાથે થયેલી હેવાનીયતની તમામ હકીકત એટોપ્સી રિપોર્ટમાં સામે આવી છે. રિપોર્ટથી સામે આવ્યું છે કે જુનિયર ડોક્ટરે અંતિમ શ્વાસ સુધી આરોપીનો પ્રતિકાર કર્યો હતો. બીજી તરફ સોમવારે સીબીઆઈની ટીમ મૃતક ડોક્ટરના માતાપિતાના નિવેદન નોંધવા તેના ઘરે પહોંચી હતી. કોલકાતા આરજી કર હોસ્પિટલમાં 31 વર્ષીય મહિલા ડોક્ટરની હત્યા અને દુષ્કર્મના મામલામાં અટોપ્સી રિપોર્ટમાં ભયાનક ખુલાસા થયા છે.

રિપોર્ટ અનુસાર પીડિતાનાં શરીર ઉપર 14થી વધારે ઈજાના નિશાન મળ્યા છે. ગળું દબાવીને હત્યા કરતા પહેલાં મહિલા ડોક્ટર સાથે મારપીટ કરાઈ હતી અને યૌન હિંસા થઈ હતી. અટોપ્સી રિપોર્ટમાં પીડિતાના માથા, ચહેરા, ગળું, હાથ અને ગુપ્તાંગ સહિત શરીર ઉપર 14થી વધુ ઈજાના નિશાન છે. સીનિયર ઓફિસરના કહેવા પ્રમાણે પીડિતા અડધી ઉંધમાં હોવા છતા પૂરી તાકાતથી આરોપીનો વિરોધ કર્યો હતો. આ સંઘર્ષના કારણે જ તપાસ કરી રહેલી ટીમને મહત્ત્વના પુરાવા મળ્યા છે. પીડિતાના સંઘર્ષમાં આરોપીના હાથમાં નખના નિશાન અને ઉજરડા બન્યા છે. મેડિકલ તપાસમાં આરોપી સંજયના શરીર ઉપર નિશાન પીડિતાના નખમાંથી મળેલી ચામડી અને લોહીના નમૂના સાથે મેચ થયા છે.

- Advertisement -

rape

જુનિયર ડોક્ટરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ ગળું દબાવવાનું બતાવવામાં આવ્યું છે. પીડિતાના શરીર ઉપર યૌન હુમલાના સ્પષ્ટ નિશાન છે. પીડિતાના નાક, જડબા, ડાબા હાથ અને ખભા ઉપર ગંભીર ઈજા મળી છે. જે બતાવે છે કે વિરોધ કરવામાં આવતા તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. આ ઉપરાંત ફેફસામાં પણ લોહી મળી આવ્યું છે. એટલે કે પીડિતા સાથે ક્રૂરતાની તમામ હદો પાર કરી દેવામાં આવી હતી. આ દરમિયાન કોલકાતા કાંડમાં સીબીઆઈની ટીમ પીડિતાના ઘરે પહોંચી હતી. કહેવાય છે કે સીબીઆઈ પીડિતાના માતા પિતાનું નિવેદન નોંધશે. સોમવારે પીડિતાના ઘરે જતા પહેલા સીબીઆઈએ મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલને પૂછપરછ માટે બોલાવ્યા હતા. સીબીઆઈ કેસમાં તમામ સાક્ષી અને પુરાવાની ફરીથી તપાસ કરી રહી છે.

- Advertisement -

આ અગાઉ પીડિતાના માતાપિતાએ એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જે રીતે બંગાળ પોલીસે કેસમાં ભૂમિકા ભજવી છે તેનાથી મુખ્યમંત્રી મમતા બેનરજી ઉપરથી ભરોસો ઉઠી ગયો છે. સીબીઆઈ કંઈ નહીં તો કોશિશ તો કરી રહી છે. પીડિતાના પિતાએ કહ્યું હતું કે શરૂઆતમાં મમતા બેનરજી ઉપર ભરોસો હતો પણ હવે નથી. મમતા બેનરજી ન્યાય માગી રહ્યા છે. જો કે આવું કેમ કહી રહ્યા છે ? મમતા બેનરજીએ જવાબદારી લેવી જોઈએ પણ તે કંઈ કરી રહ્યા નથી.

Share This Article