નવીદિલ્હી, તા. 13 : ઈઝરાયલ-ઈરાન વચ્ચે કોઈપણ ઘડીએ યુદ્ધ ફાટી નીકળે તેટલી તંગદિલી, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા ભીષણ યુદ્ધ સહિતનાં સંખ્યાબંધ પડકારોનો દુનિયા સામનો કરી રહી છે. ત્યારે વિદેશમંત્રી એસ.જયશંકરે વિશ્વનાં આ ડરામણાં ચિત્ર વિશે ચિંતા વ્યક્ત કરતાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, યુક્રેન-રશિયા વચ્ચે અઢી વર્ષથી યુદ્ધ ચાલે છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં સૈન્ય તણાવ, આર્થિક પડકારો અને જળવાયુ પરિવર્તનની ઘટનાઓ અત્યંત ખતરનાક છે.
n
તેમણે આ સંજોગોને ધ્યાને રાખતા એવું આકલન કર્યુ હતું કે, આવનારા પાંચથી દસ વર્ષ અત્યંત કઠિન બની જવાનાં છે. આજે દિલ્હીમાં એક કાર્યક્રમમાં તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે, દુનિયામાં બનતી ઘટનાઓને તેઓ કેવી રીતે જોઈ રહ્યાં છે? જવાબમાં જયશંકરે કહ્યું હતું કે, હું એક આશાવાદી વ્યક્તિ છું અને સામાન્ય રીતે સમસ્યાઓનાં સમાધાન માટે વિચારું છું. તેમ છતાં બહુ જ ગંભીરતાથી કહું તો આપણે ખુબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ. મારી પાસે આગામી પાંચ વર્ષ માટે બહુ જ ગંભીર પૂર્વાનુમાન છે.
મધ્ય-પૂર્વમાં, યુક્રેનમાં, દક્ષિણપૂર્વ અને પૂર્વ એશિયામાં જે બની રહ્યું છે તે આપણે જોઈ રહ્યાં છીએ. આ સિવાય કોવિડનો પ્રભાવ પણ હજી છે. દુનિયામાં આર્થિક પડકારો જોવા મળી રહ્યાં છે. તેનાથી પણ ગંભીર સ્થિતિ સંખ્યાબંધ દેશો વચ્ચેનાં ઘર્ષણની છે. વેપાર મુશ્કેલ બની રહ્યાં છે અને વિદેશી મુદ્રાભંડાર ઘટી રહ્યા છે.

