જેલની આકસ્મિક તપાસમાં મહિલા બેરેકમાંથી મોબાઇલ, રાઉટર મળ્યાં

Reena Brahmbhatt
3 Min Read

ભુજ, તા. 20 : હજુ બીજી ઓક્ટોબરના અમદાવાદની ઝડતી ટીમને પાલારા ખાસ જેલમાંથી બે મોબાઇલ મળ્યાનો કિસ્સો તાજો જ છે, ત્યાં ફરી ગઇકાલે અડધી રાતે સંયુકત પોલીસ ટીમે પાલારા જેલની ઝડતી લેતા મહિલા બેરેકમાંથી એક મોબાઇલ અને રાઉટર મળી આવ્યા છે. પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલી હત્યાકેસમાં જામીન મેળવનારી, પરંતુ ચકચારી હનીટ્રેપમાં માધાપરના યુવાનને મજબૂર કરવાના કેસની મુખ્ય સૂત્રધાર આરોપી મહિલા મનીષા ગોસ્વામી જે બેરેકમાં કેદ છે ત્યાંથી જ આ મોબાઇલ અને રાઉટર મળતા જેલમાં પણ સુરક્ષાનો મામલો પેચીદો બન્યો છે.

પાલારા ખાસ જેલના અધિક્ષક નાસિરુદ્દીન લોહારની આગેવાની હેઠળ પશ્ચિમ કચ્છ પોલીસના એલસીબીના પી.આઇ. એસ. એન. ચુડાસમા, એસ.ઓ.જી.ના પી.આઇ. વી. વી. ભોલા, મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન. બી. ચૌધરી, બી.ડી.ડી.એસ.ના પી.એસ.આઇ. કે. એમ. કાગ, ક્યુ.આર.ટી.ના પી.એસ.આઇ. બી. એન. શીર, પેરોલ ફર્લો સ્કવોડ તથા જેલની સ્થાનિક ઝડતી સ્કવોડ, મહિલા જેલ સહાયકને સાથે રાખી ગઇકાલે રાતે 11.15 વાગ્યે પાલારા જેલમાં તપાસ આદરાઇ હતી. જેમાં મહિલા બેરેક નં. 1માંથી એન્ડ્રોઇડ મોબાઇલ ફોન એક અને એક જીઓ કંપનીનું રાઉટર બેટરી સાથે અને ચાર્જર તેમજ એક યુએસબી કેબલ મળ્યા હતા. મોબાઇલ અને રાઉટર સાથે સીમકાર્ડ મળ્યા ન હતા.

- Advertisement -

આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે જેલના જેલર બી.કે. જાખલે અજાણ્યા લોકો વિરુદ્ધ જેલ અધિનિયમ તળે ફરિયાદ નોંધાવી છે. જેલમાંથી સમયાંતરે મોબાઇલ ફોન મળી જ આવતા હોય છે, પરંતુ તેની ઝીણવટભરી તપાસ ન થતી હોવાથી મોબાઇલ ઘૂસાડનારા અને ઉપયોગકર્તા સુધી પહોંચી શકાતું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મોબાઇલ અને રાઉટર મહિલા બેરેકમાંથી મળ્યા છે, ત્યાં દશથી બાર મહિલા કેદ છે, જેમાં મનીષા ગોસ્વામીનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે, મનીષા પાસેથી અગાઉ જેલમાં ત્રણ વખત મોબાઇલ મળી ચૂક્યા છે. આથી પ્રાથમિક રીતે હાલ તેના ઉપર જ શંકાની સોય તકાઇ છે, પરંતુ આ કેસમાં ગંભીરતાપૂર્વકની તપાસ થઇ અને જો ફરી મનીષા જ ઉપયોગકર્તા નીકળી તો અન્ય ભોપાળા બહાર આવવાની સંભાવના છે.

કારણ કે, રાજ્યવ્યાપી ચકચારી હનીટ્રેપમાં માધાપરના યુવાનને મરવા મજબૂર કર્યાના કેસની તપાસમાં મુખ્ય સૂત્રધાર મનીષા જ નીકળી હતી અને તેને જેલમાં બેઠે-બેઠે મોબાઇલથી જ આ ષડયંત્ર રચ્યું હતું. દરમ્યાન, માહિતગાર સૂત્રોમાંથી જાણવા મળેલી બિનસત્તાવાર વિગતો મુજબ જેલઝડતીના આ કિસ્સામાં પ્રતિબંધિત દૂરવાણી ઉપકરણ મોબાઇલ ફોન અને રાઉટર સહિતની સામગ્રી સાથે રસોઇ બનાવવા માટેનો સર-સામાન અને સૌંદર્ય પ્રસાધનો પણ મળી આવ્યા હતા. ઇલેક્ટ્રિક સગડી, તેલ, લોટ સહિતની ખાદ્યસામગ્રી અને સૌંદર્ય પ્રસાધનોનો આમાં સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું હતું. અલબત્ત પ્રકરણની ફરિયાદમાં આ અંગેનો ઉલ્લેખ જોવા મળ્યો નથી.

- Advertisement -
Share This Article