Ladakh Cheetah Helicopter Crash: ઇસ્ટર્ન લદ્દાખમાં ભારતીય સેનાનું એક ચિત્તા હેલિકોપ્ટર બહુ ખરાબ રીતે ક્રેશ થયું. ક્રેશ હેલિકોપ્ટરની તસવીર જોઈને એ વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તેમાં સવાર તમામ લોકો પૂરી રીતે સુરક્ષિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ક્રેશ 20 મે ના રોજ થયું.
પાયલટોને આવી ઈજાઓ
સૂત્રોએ જણાવ્યું કે શ્યોક નદીના પાસેના વિસ્તારમાં 20 મે ના રોજ દિવસના સમયે આ ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ થયું. આમાં એક ડિવિઝન કમાન્ડર એટલે કે મેજર જનરલ રેન્કના અધિકારી અને બે પાયલટ સવાર હતા. હેલિકોપ્ટર સીધું પહાડીમાં પડ્યું. ડિવિઝન કમાન્ડર પૂરી રીતે સુરક્ષિત છે, જો કે બંને પાયલટને કેટલીક ઈજાઓ આવી છે.
તપાસ માટે ઇન્ક્વાયરી શરૂ
ક્રેશ થવાના 15-20 મિનિટની અંદર જ ત્યાં સહાયતા પહોંચાડી દેવામાં આવી અને તેમને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરી લેહ લાવવામાં આવ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર હવામાન પૂરી રીતે સાફ હતું એટલા માટે ક્રેશના કારણને લઈને અત્યારે અટકળો જ લગાવાઈ રહી છે. ક્રેશના કારણોની તપાસ માટે ઇન્ક્વાયરી શરૂ કરી દેવામાં આવી છે.
ચિત્તા, ચેતક અને ચિતલ હેલિકોપ્ટર
ચિત્તા હેલિકોપ્ટર એક સિંગલ એન્જિન હેલિકોપ્ટર છે, જેનો ઉપયોગ સેના ઘણા સમયથી કરી રહી છે. આર્મી એવિએશન પાસે અત્યારે આશરે 190 ચિત્તા, ચેતક અને ચિતલ હેલિકોપ્ટર છે. આમાંથી પાંચ 50 વર્ષથી પણ વધુ જૂના છે અને આશરે 130 હેલિકોપ્ટર 30 થી 50 વર્ષ જૂના છે.

