નવી દિલ્હી, તા. 18 : બોલીવૂડના દબંગ સલમાન ખાનને ફરી એક વખત જાનથી મારી નાખવાની ધમકી અપાઇ છે. ધમકી આપનારે પોતાને લોરેન્સ ગેંગનો સભ્ય બતાવ્યો છે. પાંચ કરોડ રૂપિયા ખંડણીની માગણી કરી છે. જો પૈસા આપવામાં નહીં આવે તો સલમાનની હાલત બાબા સિદ્દીકીથી બદતર થશે તેવી ચેતવણી આપી છે.
આ ધમકી વોટ્સએપ દ્વારા કંટ્રોલ રૂમમાં મોકલાઇ હતી. બાબા સિદ્દીકીની હત્યા બાદ લોરેન્સ ગેંગનું નામ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. સિદ્દીકીની હત્યા બાદ સલમાનની સુરક્ષામાં ફેરફાર સાથે વધારો કરાયો છે. સિદ્દીકી એનસીપીના નેતા અને સલામન ખાનના નિકટના મિત્ર હતા, તેની હત્યા બાદ સલમાનને `વાય પ્લસ’ કક્ષાની સુરક્ષામાં વધારો કરાયો છે. ગત છ મહિનામાં સલમાન ખાન પર બે હુમલા થયા હતા. સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ગોળીબાર કરાયો હતો, તેની જવાબદારી લોરેન્સ બિશ્નોઇ ગેંગે લીધી હતી.
આ કેસમાં મુંબઇ પોલીસે લોરેન્સ ગેંગના બે માણસની ધરપકડ કરી હતી, જેમાં એક આરોપીએ આત્મહત્યા કરી લીધી. બિશ્નોઇ ગેંગ અને સલમાનની દુશ્મની 1998માં કાળિયાર હરણનો સલમાને શિકાર કર્યો ત્યારથી ચાલી રહી છે. જોધપુર અદાલતે 5ાંચ વર્ષની સજા ફટકાર્યા બાદ તેને જામીન મળ્યા હતા.

