Supreme Court Aravalli Mining Decision: અરવલ્લીની પહાડીઓમાં ખોદકામ પર સુપ્રીમ કોર્ટની બ્રેક, સરકારની નવી વ્યાખ્યા ફગાવીને કોર્ટે આપ્યો મોટો આદેશ!

Arati Parmar
2 Min Read

Supreme Court Aravalli Mining Decision: અરવલ્લી પર્વતમાળાને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થઈ હતી, જેમાં કોર્ટે સંરક્ષિત વિસ્તારોમાં ખનન (માઇનિંગ) ને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. અહેવાલો મુજબ, સુપ્રીમ કોર્ટે પોતાના જ અગાઉના આદેશ પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. કોર્ટે ૨૦ નવેમ્બરના તે નિર્ણયને સ્થગિત કર્યો છે, જેમાં અરવલ્લીની વ્યાખ્યાને માત્ર તે જ ભૂ-આકૃતિઓ સુધી મર્યાદિત કરવામાં આવી હતી જે આસપાસની જમીનથી ઓછામાં ઓછી ૧૦૦ મીટર ઊંચી હોય. આ નિર્ણય બાદ હવે અરવલ્લીની વાસ્તવિક વ્યાખ્યા અને સંરક્ષણ સાથે જોડાયેલા વ્યાપક મુદ્દાઓ પર ફરીથી વિચાર કરવામાં આવશે.

સોમવારે વેકેશન બેન્ચમાં થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતોને સામેલ કરીને એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને અન્ય પક્ષોને નોટિસ પાઠવી છે. આ દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ નવી માઇનિંગ લીઝ અથવા કોન્ટ્રાક્ટની મંજૂરી આપવામાં આવશે નહીં. એટલે કે, હવે અરવલ્લીની ટેકરીઓમાં નવું ખનન કાર્ય શરૂ કરવાની પરવાનગી હાલમાં કોઈને મળશે નહીં. કોર્ટે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને દિલ્હી સરકારોને પણ નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે.

- Advertisement -

વિવાદનું મુખ્ય કારણ કેન્દ્ર સરકારનો તે તર્ક છે, જેમાં ૧૦૦ મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી ટેકરીઓને અરવલ્લી શ્રૃંખલામાંથી બહાર રાખવામાં આવી હતી. સરકારનો હેતુ આ વિસ્તારોમાં ખનન પ્રક્રિયાને સરળ બનાવવાનો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટનું વલણ સ્પષ્ટ છે કે ઊંચાઈ ભલે ગમે તેટલી હોય, ટેકરી એ અરવલ્લીનો અભિન્ન હિસ્સો છે. સરકાર પોતાની મરજીથી વ્યાખ્યા બદલીને નિયમો હળવા કરી શકે નહીં. કોર્ટે એક નવી સમિતિ બનાવવાનો આદેશ આપ્યો છે, જે અરવલ્લીની ચોક્કસ સીમાઓ અને સંરક્ષિત વિસ્તારો નક્કી કરશે.

નોંધનીય છે કે, આ અત્યંત સંવેદનશીલ મુદ્દે ગત ૨૪ ડિસેમ્બરે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે નવા ખનન માટે મંજૂરી આપવા પરનો પ્રતિબંધ સમગ્ર અરવલ્લી વિસ્તાર પર લાગુ રહેશે. આનો ઉદ્દેશ્ય ગુજરાતથી લઈને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) સુધી ફેલાયેલી આ ભૌગોલિક શ્રૃંખલાનું સંરક્ષણ કરવું અને તમામ અનિયમિત ખનન પ્રવૃત્તિઓને અટકાવવાનો છે.

- Advertisement -
Share This Article