Dinsha Patel Sardar Ratna: સરદાર પટેલની 151મી જન્મજયંતીએ કોંગ્રેસનો મોટો દાવ, પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલને ‘સરદાર રત્ન’થી સન્માનિત કર્યા

Arati Parmar
4 Min Read

સરદાર પટેલની વિરાસત પર કોંગ્રેસનો દાવો, રણદીપ સુરજેવાલાએ દિનશા પટેલને આપ્યો ‘સરદાર રત્ન’ પુરસ્કાર

Dinsha Patel Sardar Ratna: લૌહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી હતી, તો બીજી તરફ કોંગ્રેસે દેશના પ્રથમ ગૃહમંત્રીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ સ્થિત પ્રદેશ કાર્યાલયમાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રભારી અને AICCના રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સુરજેવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સુરજેવાલા અને અન્ય નેતાઓએ સરદાર વલ્લભભાઈ સ્મૃતિ ટ્રસ્ટના બેનર હેઠળ આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સુરજેવાલાએ પૂર્વ મંત્રી દિનશા પટેલને સરદાર રત્નથી સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના અન્ય દિગ્ગજો પણ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

કોણ છે દિનશા પટેલ

દિનશા પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. તેમનું પૂરું નામ દિનશા ઝવેરભાઈ પટેલ છે. તેઓ અગાઉ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ રાજકારણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી છે. તેમની ઉંમર 89 વર્ષ છે. તાજેતરમાં તેમની તબિયત ખરાબ થતાં કોંગ્રેસના નેતાઓ તેમને મળવા પણ ગયા હતા. એક વખત તેમણે જ્યારે PM મોદીનાં વખાણ કર્યા હતાં, ત્યારે તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા હતા. 25 મે 1937ના રોજ બરોડા (હાલનું વડોદરા)માં જન્મેલા દિનશા પટેલનું મુખ્ય કાર્યક્ષેત્ર નડિયાદ રહ્યું છે. તેઓ ગુજરાતના ખેડા લોકસભા મતવિસ્તારમાંથી લાંબા સમય સુધી (1996થી 2014 સુધી) સાંસદ રહ્યા હતા. મનમોહન સિંહની સરકારમાં તેઓ ખાણ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો તેમજ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવા મહત્ત્વપૂર્ણ વિભાગોમાં કેન્દ્રીય મંત્રી અને રાજ્યમંત્રી રહી ચૂક્યા છે.

- Advertisement -

લૌહ પુરુષ સરદાર પટેલ સાથે જોડાણ

દિનશા પટેલનો સરદાર વલ્લભભાઈ પટેલ સાથે પારિવારિક કે લોહીનો સંબંધ નથી, પરંતુ તેમનું જોડાણ વૈચારિક અને સંસ્થાકીય રીતે રહ્યું છે. દિનશા પટેલ હાલમાં સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેઓ સરદાર પટેલની જેમ જ ગુજરાતના નડિયાદ-ખેડા વિસ્તારમાંથી આવે છે. દિનશા પટેલની છબી એક પ્રામાણિક નેતા તરીકેની રહી છે. તેઓ સરદાર પટેલના આદર્શો, શિક્ષણ અને સમાજસેવાના કાર્યોને આગળ વધારવામાં સક્રિય રહ્યા છે. દિનશા પટેલને સરદાર રત્ન એનાયત કર્યા બાદ સુરજેવાલાએ BJP પર પ્રહાર કર્યા હતા અને એકતા દિવસની ઉજવણીને લઈને પણ નિશાન સાધ્યું હતું.

કોંગ્રેસે ખેલ્યો મોટો દાવ

કોંગ્રેસે ગુજરાતમાં સરદાર પટેલની વિરાસતને જાળવી રાખવા માટે પોતાની સક્રિયતા વધારી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી તાજેતરમાં સરદાર વલ્લભભાઈ સ્મૃતિ ટ્રસ્ટના નવા પ્રમુખ બન્યા છે. તેમણે સપ્ટેમ્બર 2026માં આ પ્રતિષ્ઠિત ટ્રસ્ટના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. લૌહ પુરુષ સરદાર પટેલના વિચારો અને આદર્શોને સમર્પિત આ ટ્રસ્ટ 49 વર્ષ જૂનું છે. તેની સ્થાપના 1977માં કરવામાં આવી હતી. ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ દેવેન્દ્ર દેસાઈના નિધન બાદ ભરતસિંહ સોલંકીને આ પદની જવાબદારી સોંપવામાં આવી છે. નિશિત વ્યાસ મેનેજિંગ ટ્રસ્ટી બન્યા છે. સરદાર વલ્લભભાઈ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા દિનશા પટેલનું સન્માન કરીને કોંગ્રેસે સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે તેણે સરદાર પટેલની વિરાસત છોડી નથી.

- Advertisement -
Share This Article