Indian Students in Canada: Higher Education માટે કૅનેડા લાંબા સમયથી લોકપ્રિય દેશ રહ્યો છે, પરંતુ ધીમે ધીમે ભારતીય વિદ્યાર્થીઓનો કૅનેડા પ્રત્યેનો મોહભંગ થઈ રહ્યો છે. હવે એવું લાગી રહ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા માગતા નથી.
નિયમોમાં ફેરફાર અને રાજકીય તણાવની અસર
Higher Education માટે જ્યારે પણ કોઈ દેશ પસંદ કરવાની વાત આવતી હતી, ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓને કૅનેડા ખૂબ પસંદ આવતું હતું. કોરોના મહામારીના સમયથી જ કૅનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો હતો. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓ કૅનેડામાં અભ્યાસ કરવા માગતા નથી. કૅનેડામાં Higher Education મેળવવા પ્રત્યે તેમનો મોહભંગ થયો છે અને હવે તેઓ અન્ય દેશો તરફ વળી રહ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓએ કૅનેડાને પસંદ ન કરવા પાછળ અનેક કારણો પણ જણાવ્યાં છે.
પંજાબ યુનિવર્સિટી (ચંડીગઢ)માં બાયોકેમિસ્ટ્રીની વિદ્યાર્થીની મુસ્કાન ઠાકુર (22 વર્ષ) 2028માં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોર્વે જવાની યોજના બનાવી રહી છે. વિદેશમાં અભ્યાસ માટે સમજીવિચારીને બજેટ બનાવતાં ભારતીય પરિવારો હવે કૅનેડાની સરખામણી જર્મની, ઇટાલી અને ઑસ્ટ્રેલિયા જેવા દેશો સાથે કરી રહ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓ અને તેમનાં માતા-પિતાને લાગે છે કે કૅનેડામાં અભ્યાસ પાછળ જેટલો ખર્ચ થશે, તેની સરખામણીએ યુરોપના દેશો ઓછા ખર્ચે ડિગ્રી આપી રહ્યા છે.
મુસ્કાન ઠાકુરનું કહેવું છે, ‘હું કૅનેડા જવા માગતી હતી, પરંતુ વિદેશી વિદ્યાર્થીઓને લગતી નીતિઓમાં તાજેતરના ફેરફારો, વિઝા પરનાં નિયંત્રણો અને અભ્યાસ પૂર્ણ થયા બાદ કામ કરવાની તકોને કારણે મને મારા વિકલ્પો વિશે ફરીથી વિચારવાની ફરજ પડી છે.’ કૅનેડામાં Higher Education સંબંધિત અનેક ફેરફારો થયા છે, જે ચર્ચાનો વિષય બન્યા છે. ખાસ કરીને એવા લોકોમાં જેઓ કૅનેડામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પોતાનું ભવિષ્ય બનાવવા માગતા હતા.
હકીકતમાં, 2024માં શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કૅનેડા વચ્ચેના સંબંધો ખૂબ બગડ્યા હતા. જોકે, હવે સંબંધો સુધારવાના પ્રયાસો થઈ રહ્યા છે. CEPA જેવા વેપાર કરાર અંગે પણ વાતચીત ચાલી રહી છે, પરંતુ તેનાથી વિદ્યાર્થીઓમાં રહેલી અનિશ્ચિતતા દૂર થઈ નથી. આ ઉપરાંત ભારતીય વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાઓ અને તેમની સાથે બનેલી ઘટનાઓને કારણે વિદ્યાર્થીઓની સાથે માતા-પિતામાં પણ ભયનો માહોલ ઊભો થયો છે.
વિદ્યાર્થીઓનું શું કહેવું છે?
રોહન સાવંત મુંબઈની નરસી મોંજી કોલેજના વિદ્યાર્થી છે. તેમની યોજના ટોરોન્ટોની યોર્ક યુનિવર્સિટીમાંથી BBA કરવાની હતી. હાલમાં કૅનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે બનેલી ઘટનાઓને કારણે તેમણે પોતાની યોજના મુલતવી રાખી છે. એ જ રીતે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી અંગેની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને ચંડીગઢની બાયોફિઝિક્સની વિદ્યાર્થીની રિધમ કાલિયા પણ કૅનેડા જવા માગતી નથી.
‘હાઈસ્કૂલથી જ કૅનેડામાં અભ્યાસ કરવાનું મારું સપનું હતું, પરંતુ વિઝા પરનાં નિયંત્રણો અને ભારતીયો પર થયેલા હુમલાઓની ઘટનાઓએ મારો નિર્ણય બદલી નાખ્યો છે. મારાં માતા-પિતાએ પણ મને સલાહ આપી છે કે હું મુંબઈમાં જ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કરું અને Higher Education માટે યુરોપ અથવા બ્રિટન જાઉં.’
રોહન સાવંત (કોલેજ વિદ્યાર્થી, નરસી મોંજી કોલેજ)
રિધમ કાલિયાનું કહેવું છે કે તે કૅનેડાને બદલે અમેરિકા જવાનું પસંદ કરશે, કારણ કે ત્યાં રિસર્ચ અને કારકિર્દી માટે વધુ સારી તકો છે. તેમણે કહ્યું, ‘કૅનેડામાં શિક્ષણ અને અનુભવ મેળવવાની સારી તકો છે, પરંતુ વિદેશમાં અભ્યાસ કરવો એ મોટું રોકાણ છે. ભવિષ્યની કોઈ સુરક્ષા ન હોય ત્યારે વિદ્યાર્થીઓ સાવચેતીભર્યો અભિગમ અપનાવી રહ્યા છે. હું માત્ર એટલું સુનિશ્ચિત કરવા માગું છું કે મને મળનારી તકો મારા રોકાણ અને મહેનતને યોગ્ય હોય.’
મુસ્કાન ઠાકુરનું કહેવું છે, ‘હું મારી ડિગ્રી માટે વર્ષોની મહેનત કર્યા બાદ કારકિર્દી અથવા અભ્યાસ પૂર્ણ થયા પછી ત્યાં રોકાવા અંગેની અનિશ્ચિતતા ઇચ્છતી નથી. જો મને માસ્ટર ડિગ્રી પછી યોગ્ય નોકરી નહીં મળે, તો તેનાથી મારી યોજના અને આર્થિક સ્થિતિ પર અસર થશે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ હવે મેં નોર્વેનો વિકલ્પ પસંદ કર્યો છે.’
મુસ્કાનનું કહેવું છે કે જો કૅનેડા ઇમિગ્રેશન નીતિઓમાં પારદર્શિતા લાવે, સુરક્ષામાં સુધારો કરે અને પાર્ટ-ટાઇમ કામના પરમિટ મેળવવાની પ્રક્રિયા સરળ બનાવે, તો તે ફરીથી કૅનેડા જવા વિશે વિચારી શકે છે. કૅનેડાને Higher Education માટે સારો વિકલ્પ માનતા અન્ય ઘણા વિદ્યાર્થીઓ પણ આવું જ વિચારી રહ્યા છે.
આંકડાઓ દ્વારા કૅનેડાની સ્થિતિ સમજો
2024માં કૅનેડાએ સ્ટુડન્ટ વિઝા માટે જરૂરી લઘુતમ બેંક બેલેન્સ 10 હજાર ડૉલરથી વધારીને 20 હજાર ડૉલર કરતાં વધુ કરી દીધું હતું. આના કારણે મધ્યમ વર્ગના પરિવારો માટે પોતાનાં બાળકોને કૅનેડા મોકલવાનું મુશ્કેલ બન્યું છે. ICEF Monitor અનુસાર, ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્ટડી વિઝા નામંજૂર થવાનો દર 2023માં 38% હતો, જે 2024માં વધીને 52% થયો હતો.
મુંબઈની ‘GB Education’ અનુસાર, મોંઘવારી, રહેવાનો વધતો ખર્ચ અને સુરક્ષાની ચિંતાઓને કારણે કૅનેડા જવા માટે મળતી પૂછપરછમાં 80%નો ઘટાડો નોંધાયો છે. કન્સલ્ટન્ટ્સનું કહેવું છે કે જે પરિવારો પહેલાં પૂછતા હતા કે કૅનેડા કેવી રીતે જવું, તેઓ હવે પૂછે છે કે શું કૅનેડા જવું યોગ્ય રહેશે?

