Aber Kawas New York Senate: અમેરિકાની ચૂંટણીમાં એબર કવાસે ન્યૂયોર્ક સ્ટેટ સેનેટની બેઠક જીતીને ઇતિહાસ રચ્યો છે. ન્યૂયોર્કની રાજ્ય વિધાનસભામાં ચૂંટાનારી તે પ્રથમ પેલેસ્ટિનિયન મહિલા બની છે. કવાસે ન્યૂયોર્ક સ્ટેટ સેનેટ ડિસ્ટ્રિક્ટ 12ની બેઠક પર જીત મેળવી છે. જીત બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, “અમે ઇતિહાસ રચ્યો છે.”
મમદાની અને સેન્ડર્સનું સમર્થન
બ્રુકલિનમાં રહેતી 34 વર્ષીય પેલેસ્ટિનિયન-અમેરિકન એબર કવાસે 74.3% મત મેળવીને રિપબ્લિકન ઉમેદવાર હાન-ખોન ટોને મોટા અંતરથી હરાવ્યાં છે. કવાસે ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાની અને સેનેટર બર્ની સેન્ડર્સના સમર્થન સાથે પ્રાઇમરી ચૂંટણીમાં જીત મેળવી હતી અને રાજ્યની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નક્કી કરી હતી.
પ્રથમ પેલેસ્ટિનિયન-અમેરિકન મહિલા
કવાસ ન્યૂયોર્કની રાજ્ય વિધાનસભામાં ચૂંટાનારી પ્રથમ પેલેસ્ટિનિયન-અમેરિકન મહિલા હોવાની સાથે પ્રથમ મુસ્લિમ મહિલા પણ બની છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે ગાઝામાં ઇઝરાયલની કાર્યવાહી માટે અમેરિકી ભંડોળનો વિરોધ કર્યો હતો.
We made history. 🇵🇸 https://t.co/r9dnacASP5
— Aber Kawas (@AberKawas) November 4, 2026
પ્રથમ ચૂંટણીમાં જ કવાસની જીત
પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી કવાસ માટે આ જીત મહત્ત્વપૂર્ણ છે. જૂન મહિનામાં તેમણે સ્ટેટ સેનેટ ડિસ્ટ્રિક્ટ 12 માટે ડેમોક્રેટિક પાર્ટીનું નામાંકન મેળવ્યું હતું. ક્વીન્સનો આ વિસ્તાર ડેમોક્રેટિક પાર્ટીનો મજબૂત ગઢ માનવામાં આવે છે.
અનેક પ્રોગ્રેસિવ ડેમોક્રેટ્સે તેમને સમર્થન આપ્યું હતું. તેમાં ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાની, સેનેટર બર્ની સેન્ડર્સ અને હાઉસની સભ્ય રશીદા તલૈબનો સમાવેશ થાય છે.
કવાસે ડેમોક્રેટિક સામાજિક એજન્ડા હેઠળ ચૂંટણી લડી હતી. તેમને ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ્સ ઑફ અમેરિકા સંગઠનનું સમર્થન મળ્યું હતું. ગયા વર્ષે આ સંગઠનના સભ્ય જોહરાન મમદાનીએ ન્યૂયોર્ક શહેરની મેયરપદની ચૂંટણી જીત્યા બાદ સંગઠનની પ્રગતિ થઈ હતી.
કોણ છે એબર કવાસ?
- કવાસનો જન્મ ન્યૂયોર્કમાં પેલેસ્ટિનિયન માતા-પિતાને ત્યાં થયો હતો અને તેમનો ઉછેર પણ ત્યાં જ થયો છે.
- તેમના માતા-પિતા પેલેસ્ટિનિયન હતા અને 1990ના દાયકામાં અમેરિકામાં આવીને સ્થાયી થયા હતા.
- રાજકારણમાં પ્રવેશતાં પહેલાં કવાસે 15 વર્ષથી વધુ સમય સુધી આયોજક તરીકે કામ કર્યું હતું.
- આ દરમિયાન તેમણે શ્રમિકોના અધિકારો, સ્થળાંતરિત સમુદાયો અને પેલેસ્ટિનિયનોના અધિકારો માટે કામ કર્યું હતું.
- આ મહિનાની શરૂઆતમાં તેમણે ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ અને ઇઝરાયલી સર્વેલન્સ કંપની કોગ્નાઇટ વચ્ચેના કરારનો વિરોધ કર્યો હતો.
- 7,50,000 ડૉલરના આ કરારનો હેતુ AI આધારિત મોબાઇલ ફોન ટ્રેકિંગ ટેક્નોલોજી વિકસાવવાનો હતો.
- નાગરિક અધિકાર સંગઠનોના વિરોધ બાદ NYPDએ ગયા અઠવાડિયે આ કરારમાંથી પાછળ હટવાનો નિર્ણય લીધો હતો.
