QS Asia University Rankings 2027: દિલ્હી યુનિવર્સિટી ટોપ-100માંથી બહાર, JNU અને જામિયા મિલિયા ઇસ્લામિયાની રેન્કિંગમાં સુધારો

Arati Parmar
2 Min Read
QS Asia University Rankings 2027

QS Asia University Rankings 2027: દિલ્હી યુનિવર્સિટી (DU) એશિયાની ટોચની 100 યુનિવર્સિટીઓની યાદીમાંથી બહાર થઈ ગઈ છે. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ-એશિયા 2027માં DUને 106મું સ્થાન મળ્યું છે, જ્યારે ગયા વર્ષે તે 95મા ક્રમે હતી. બીજી તરફ, દિલ્હીની બીજી મુખ્ય યુનિવર્સિટી JNU અને જામિયા મિલિયા ઇસ્લામિયાએ પોતાની રેન્કિંગમાં સુધારો કર્યો છે. દેશની અગ્રણી IIT અને IISc બેંગલુરુની રેન્કિંગ પણ ગયા વર્ષની સરખામણીએ નીચે આવી છે.

રેન્કિંગમાં ભારતીય સંસ્થાઓમાં IIT દિલ્હી સૌથી આગળ છે અને સતત છઠ્ઠા વર્ષે દેશની ટોચની સંસ્થા બની રહી છે. જોકે, એશિયામાં તેની રેન્કિંગ 59માંથી ઘટીને 66 થઈ ગઈ છે. IISc બેંગલુરુ 64માથી 79મા અને IIT મદ્રાસ 70માથી 85મા સ્થાને પહોંચ્યું છે, જ્યારે IIT બોમ્બે 71માથી ઘટીને 83મા સ્થાને આવી ગયું છે. ટોચની 100માં ભારતની માત્ર 6 યુનિવર્સિટીઓ છે, જેમાં 5 IITનો સમાવેશ થાય છે. ટોચની 200માં 21 અને ટોચની 500માં 67 ભારતીય સંસ્થાઓ સામેલ છે.

- Advertisement -

JNU અને જામિયાની રેન્કિંગમાં સુધારો

JNUએ બે સ્થાનનો સુધારો કરીને 128મો ક્રમ મેળવ્યો છે. જામિયા મિલિયા ઇસ્લામિયા 197માથી 183મા સ્થાને પહોંચી ગઈ છે. દેશની અન્ય સંસ્થાઓમાં ચંદીગઢ યુનિવર્સિટીએ પાંચ સ્થાનનો સુધારો કરીને 104મો ક્રમ મેળવ્યો છે, જ્યારે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી 187માથી 154મા સ્થાને પહોંચી ગઈ છે.

ટોચની 50માં સ્થાન મળ્યું નહીં

એશિયામાં ચીન પછી ભારતની સૌથી વધુ યુનિવર્સિટીઓને રેન્કિંગમાં સ્થાન મળ્યું છે. ચીનની 448 અને ભારતની 325 યુનિવર્સિટીઓએ યાદીમાં સ્થાન મેળવ્યું છે. ટોચની 50માં ભારતની કોઈપણ સંસ્થા સ્થાન મેળવી શકી નથી.

- Advertisement -
Share This Article