મુંબઈ તા.1 : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતાના વતન સતારાથી મુંબઈ પરત આવી ગયા છે. તેઓ ગામડે ગયા બાદ બીમાર હતા અને હવે ઠીક છે. પત્રકારો સાથે વાતચીત કરતાં એકનાથ શિંદેએ કહયું કે નાદુરસ્ત તબીયતને કારણે હું આરામ કરવા મારા ગામ ગયો હતો. મહાયુતિમાં મુખ્યમંત્રી પદ મામલે કોઈ મતભેદ નથી.
વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ નામ ફાઈનલ કરશે જેની જાહેરાત સોમવારે કરવામાં આવશે. મહારાષ્ટ્રનું ચૂંટણી પરિણામ જાહેર થયાને 8 દિવસે પણ મહાયુતિ મુખ્યમંત્રીની પસંદગી કરી શકી નથી. જેથી અનેક પ્રકારની ચર્ચા ઉઠી છે.
1 ડિસેમ્બરે પત્રકાર પરિષદ યોજતાં શિંદેએ મહાયુતિમાં મતભેદને ફગાવ્યો હતો જો કે તેમણે ગૃહ મંત્રાલય માગ્યુ હોવાના સવાલ વિશે મૌન ધરી રાખ્યું હતુ. સોમવારે પોતાના પૈતૃક ગામમાં મંદિરે દર્શન બાદ તેઓએ પત્રકારો સાથે વાત કરી હતી. શિંદેએ કહયું કે રજી ડિસેમ્બરે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી નક્કી થઈ જશે. મેં બિન શરતી ટેકો જાહેર કર્યો છે અને દરેક નિર્ણયનું પાલન કરીશ. સૂત્રો અનુસાર સોમવારે મુખ્યમંત્રીનું નામ ફાઈનલ કરવામાં આવનાર છે. 3 ડિસેમ્બરે ભાજપ વિધાયક દળની બેઠક બોલાવવામાં આવી છે ત્યાર બાદ બે ઓબ્ઝર્વરની હાજરીમાં મુખ્યમંત્રીના નામનું એલાન કરવામાં આવશે.

