Sonam Wangchuk Health: કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહે મંગળવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની મુલાકાત લીધી. સૂત્રોએ આ માહિતી આપી હતી. દિલ્હી હાઈકોર્ટના આદેશના પાલનરૂપે વાંગચુકને મંગળવારે સાંજે સફદરજંગ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા બાદ સારવાર માટે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
એક સૂત્રે જણાવ્યું, “કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહે હોસ્પિટલમાં સોનમ વાંગચુકની મુલાકાત લીધી.” બંને કેન્દ્રીય મંત્રીઓ હોસ્પિટલ પહોંચીને વાંગચુકની તબિયત વિશે માહિતી મેળવી. વાંગચુકને સાંજે અંદાજે સાડા સાત વાગ્યે કડક સુરક્ષા વચ્ચે એમ્બ્યુલન્સ મારફતે મેદાંતા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું કે વાંગચુકને આંતરિક ચિકિત્સા નિષ્ણાત ડૉ. સુશીલા કટારિયાની દેખરેખ હેઠળ આઈસીયુ-8માં દાખલ કરવામાં આવ્યા છે.
હાઈકોર્ટના આદેશ બાદ હોસ્પિટલમાં કરાયા ટ્રાન્સફર
દિલ્હી હાઈકોર્ટે મંગળવારે વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાંથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લઈ જવાની મંજૂરી આપી હતી. આ આદેશ તેમની પત્ની ગીતાંજલિ આંગમોની અરજી પર સુનાવણી બાદ આપવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે પણ મેદાંતા હોસ્પિટલમાં ખસેડવા અંગે કોઈ વાંધો વ્યક્ત કર્યો નહોતો, પરંતુ અદાલતને જણાવ્યું હતું કે વાંગચુક સતત ડૉક્ટરોની દેખરેખ હેઠળ રહેવા જોઈએ. ત્યારબાદ મંગળવારે સાંજે તેમને સફદરજંગ હોસ્પિટલમાંથી રજા આપીને કડક સુરક્ષા વચ્ચે એમ્બ્યુલન્સ દ્વારા મેદાંતા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, જ્યાં તેમના તમામ મેડિકલ રેકોર્ડ પણ સાથે મોકલવામાં આવ્યા હતા.
સફદરજંગ હોસ્પિટલ કેવી રીતે પહોંચ્યા હતા?
સોનમ વાંગચુક છેલ્લા ઘણા દિવસોથી જંતર-મંતર પર નીટ પેપર લીક મામલે ભૂખ હડતાળ પર બેઠા હતા. તેમની તબિયત સતત બગડતી જતાં ડૉક્ટરોએ તાત્કાલિક સારવારની સલાહ આપી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસે તેમને જંતર-મંતરમાંથી ઉઠાવીને એમ્બ્યુલન્સ મારફતે સફદરજંગ હોસ્પિટલમાં લઈ ગઈ હતી.

