Michael Hussey Australia Coach: માઈકલ હસી ફરી ઓસ્ટ્રેલિયન ટીમ સાથે જોડાયા, 2027થી 2028 સુધીની મોટી ટૂર્નામેન્ટમાં સંભાળશે ભૂમિકા

Arati Parmar
3 Min Read
Michael Hussey Australia Coach

Michael Hussey Australia Coach: ઓસ્ટ્રેલિયાએ ભૂતપૂર્વ બેટ્સમેન માઈકલ હસીને 2027 એશિઝ અને વનડે વર્લ્ડ કપ માટે કોચિંગ કન્સલ્ટન્ટ તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત, હસીને લોસ એન્જલસ ઓલિમ્પિક્સ 2028 અને ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડમાં યોજાનારા T20 વર્લ્ડ કપ માટે T20 સલાહકાર પણ બનાવવામાં આવ્યા છે. હસીએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઓસ્ટ્રેલિયાના હેડ કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડ સાથે ક્યારેક કામ કર્યું છે.

અગાઉ પણ સાથે કામ કરી ચૂક્યા છે

ખાસ કરીને તેઓ દર વર્ષે પર્થ ટેસ્ટ પહેલાં વધારાના બેટિંગ કન્સલ્ટન્ટ તરીકે ઓસ્ટ્રેલિયન ટીમ સાથે જોડાય છે. કોમેન્ટ્રીની જવાબદારીઓ ઉપરાંત IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ધ હન્ડ્રેડમાં વેલ્શ ફાયરની કોચિંગ ટીમનો ભાગ હોવાને કારણે તેઓ ઓસ્ટ્રેલિયા માટે કોચ તરીકે લાંબો સમય ફાળવી શક્યા નથી.

- Advertisement -

એક બીજી તક પણ મળી હતી

એક અહેવાલ મુજબ, CSKમાં હસી સાથે કામ કરી ચૂકેલા સ્ટીફન ફ્લેમિંગ જ્યારે ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ટીમના હેડ કોચ બન્યા ત્યારે તેમણે હસીને પોતાની કોચિંગ ટીમ સાથે જોડાવાનો પ્રસ્તાવ આપ્યો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયાના આ ભૂતપૂર્વ બેટ્સમેને આ પ્રસ્તાવ સ્વીકાર્યો નહોતો.

કોચિંગ કન્સલ્ટન્ટ તરીકે હસી ઓસ્ટ્રેલિયા માટેનું પોતાનું કામ ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝથી શરૂ કરશે. ત્યારબાદ પર્થમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝની તૈયારીમાં ઓસ્ટ્રેલિયાની મદદ કરશે.

- Advertisement -

આ પ્રસંગે માઈકલ હસીએ કહ્યું, ‘આવનારા વર્ષોમાં ટીમ માટે વધુ સત્તાવાર અને અર્થપૂર્ણ ભૂમિકા ભજવવા અંગે હું ખૂબ જ ઉત્સાહિત છું. આ ટીમે છેલ્લા કેટલાક સમયગાળામાં ઘણું બધું હાંસલ કર્યું છે. મને આશા છે કે આ રોમાંચક અને પડકારજનક સમય પહેલાં હું કોચિંગ અને ખેલાડીઓના જૂથોનું મૂલ્ય વધારી શકીશ.’

2022માં ઇંગ્લેન્ડને ટ્રોફી જીતાડવામાં મદદ કરી હતી

હસીનું મુખ્ય ધ્યાન T20 પર રહેશે. તેઓ 2022માં T20 વર્લ્ડ કપ જીતનારી ઇંગ્લેન્ડની કોચિંગ ટીમનો ભાગ રહી ચૂક્યા છે. મેકડોનાલ્ડ ઇંગ્લેન્ડ સામે યોજાનારી T20 સિરીઝમાંથી આરામ લેવાના છે. તેમની જગ્યાએ હેડ કોચની જવાબદારી આન્દ્રે બોરોવેક સંભાળશે. હસી, બોરોવેક સાથે મળીને ઇંગ્લેન્ડ સામેની યુવા ઓસ્ટ્રેલિયન ટીમ માટે પોતાની કન્સલ્ટન્સી શરૂ કરશે.

- Advertisement -

હસીની કારકિર્દી શાનદાર રહી છે

51 વર્ષના હસીએ 2004થી 2013 દરમિયાન ઓસ્ટ્રેલિયા માટે 79 ટેસ્ટ મેચમાં 19 સદી અને 29 અડધી સદીની મદદથી 6,235 રન બનાવ્યા હતા. 185 વનડેમાં 3 સદી અને 39 અડધી સદીની મદદથી 5,442 રન નોંધાવ્યા હતા. જ્યારે 38 T20 મેચમાં 4 અડધી સદીની મદદથી 721 રન બનાવ્યા હતા.

37 વર્ષની ઉંમરે 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેઓ લાંબા સમય સુધી IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કોચિંગ ટીમનો ભાગ રહ્યા છે.

Share This Article