US Iran War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ફરીથી મોટા સૈન્ય હુમલાની શક્યતાને નકારી નથી. તેમણે કહ્યું કે અમેરિકી સેના સંપૂર્ણપણે તૈયાર છે અને જરૂર પડ્યે કાર્યવાહી કરી શકે છે. જોકે, ટ્રમ્પે એમ પણ કહ્યું કે જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી તેઓ ઈરાનના બાકી રહેલા હિસ્સાને નષ્ટ કરવા માંગતા નથી.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવાર, 5 નવેમ્બરના રોજ વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન સંકેત આપ્યો કે અમેરિકા ઈરાન વિરુદ્ધ ફરીથી મોટા સૈન્ય અભિયાનની તૈયારી કરી રહ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકી સેના કોઈપણ સંભવિત કાર્યવાહી માટે સંપૂર્ણપણે તૈયાર છે.
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં તેમની રિપબ્લિકન પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ ઈરાન યુદ્ધને લઈને ટ્રમ્પ વહીવટીતંત્ર પર આંતરિક રાજકીય અને આર્થિક દબાણ પણ વધ્યું છે. આ બધું હોવા છતાં ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ પોતાના આક્રમક વલણમાં નરમાઈના કોઈ સ્પષ્ટ સંકેત આપ્યા નથી.
‘ઈરાન વિરુદ્ધ કાર્યવાહી માટે અમેરિકા સંપૂર્ણ તૈયાર’
ટ્રમ્પે ઓવલ ઓફિસમાં પત્રકારોને કહ્યું કે અમેરિકી સેના આ સમયે પહેલાં કરતાં વધુ હથિયારો બનાવી રહી છે. તેમણે કહ્યું કે અમેરિકી સેના અત્યારે જેટલાં હથિયારો બનાવી રહી છે, એટલાં પહેલાં ક્યારેય બનાવ્યાં નથી. જો અમારે ઈરાનના મામલે આગળની કાર્યવાહી કરવી પડી તો અમે સંપૂર્ણ તૈયાર છીએ.
ટ્રમ્પે આ માટે ‘લૉક્ડ એન્ડ લોડેડ’ (Locked and Loaded) શબ્દનો ઉપયોગ કર્યો. સૈન્ય ભાષામાં તેનો અર્થ છે કે સેના કાર્યવાહી માટે તૈયાર અને હથિયારોથી સજ્જ છે.
ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે ઈરાન પર ફરીથી હુમલો કરવાનો વિકલ્પ હજુ સમાપ્ત થયો નથી. જોકે, તેમણે એ જણાવ્યું નથી કે અમેરિકા ક્યારે અને કેવા પ્રકારનું સૈન્ય અભિયાન શરૂ કરી શકે છે.
‘ઈરાનને ફરી ઊભું થતાં 25 વર્ષ લાગશે’
ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ આગળની સૈન્ય કાર્યવાહી અંગે કહ્યું કે અમેરિકાએ આ નિર્ણય લેવો પડશે કે શું તે અભિયાનને વધુ આગળ વધારવા માંગે છે, જેથી ઈરાનનો પરમાણુ ખતરો કાયમ માટે સમાપ્ત કરી શકાય.
તેમણે કહ્યું કે અમેરિકાએ નક્કી કરવાનું છે કે શું તે આ અભિયાનને અંતિમ સ્વરૂપ આપવા માંગે છે, જેથી આવું ફરી ક્યારેય ન થાય. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, જો ઈરાનને વધુ નુકસાન પહોંચાડવામાં આવશે તો તેને ફરીથી પોતાના દેશને ઊભો કરવામાં લગભગ 25 વર્ષ લાગી શકે છે.
જોકે, આ સાથે તેમણે એક મહત્ત્વપૂર્ણ વાત પણ કહી. ટ્રમ્પે કહ્યું, ‘જો શક્ય બન્યું તો હું ઈરાનના બાકી રહેલા હિસ્સાને નષ્ટ કરવા નહીં ઇચ્છું, પરંતુ કદાચ મારે આવું કરવું પડી શકે છે. તમને આ અંગે ખૂબ જ ટૂંક સમયમાં જાણ થઈ જશે.’
તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ મોટા હુમલાની શક્યતાને હજુ સંપૂર્ણપણે નકારી નથી. સાથે જ, ટ્રમ્પે એવો પણ સંકેત આપ્યો છે કે અંતિમ નિર્ણય લેવાનો હજુ બાકી છે.
મધ્યસત્ર ચૂંટણીમાં હાર બાદ ઈરાન યુદ્ધને લઈને દબાણ
ટ્રમ્પનું આ નિવેદન અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની કારમી હાર બાદ આવ્યું છે. ઈરાન યુદ્ધ અને તેના કારણે ઊભા થયેલા આર્થિક સંકટે અમેરિકાના મતદારો વચ્ચે ટ્રમ્પ વહીવટીતંત્રની મુશ્કેલીઓ વધારી છે.
અમેરિકામાં ઇંધણના ઊંચા ભાવ અને યુદ્ધની આર્થિક અસર ચૂંટણી દરમિયાન મહત્ત્વના મુદ્દા રહ્યા હતા. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે રિપબ્લિકન પાર્ટીની ચૂંટણીમાં હાર માટે ઈરાન યુદ્ધ અને તેની આર્થિક અસરોને મુખ્ય કારણોમાં ગણાવ્યાં હતાં.
ટ્રમ્પે વેન્સની વાત સાથે આંશિક સહમતી દર્શાવી હતી. જોકે, તેમણે યુદ્ધ શરૂ કરવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો.
ટ્રમ્પે કહ્યું કે જો તેમને ફરીથી એ જ નિર્ણય લેવાની તક મળે તો તેઓ ફરી આવું જ કરશે. આ રીતે ટ્રમ્પે એક તરફ યુદ્ધના રાજકીય અને આર્થિક નુકસાનનો સ્વીકાર કર્યો, પરંતુ બીજી તરફ સૈન્ય અભિયાનને ખોટું માનવાનો ઇનકાર કર્યો.
ઈરાને અમેરિકાને પરમાણુ કાર્યક્રમ અંગે નવો પ્રસ્તાવ મોકલ્યો
એક તરફ ટ્રમ્પ ઈરાન પર સંભવિત હુમલાની ધમકી આપી રહ્યા છે, તો બીજી તરફ બંને દેશો વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે રાજદ્વારી મંત્રણા પણ ચાલી રહી છે.
રોઇટર્સના 5 નવેમ્બરના અહેવાલ અનુસાર, ઈરાને પોતાના પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકા સમક્ષ નવો પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવ મધ્યસ્થીઓ દ્વારા અમેરિકા સુધી પહોંચાડવામાં આવ્યો છે.
અહેવાલમાં આ મામલાથી પરિચિત બે વ્યક્તિઓને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે ઈરાને પરમાણુ કાર્યક્રમ સંબંધિત પ્રસ્તાવ વ્યાપક શાંતિ સમજૂતીની શરતોથી અલગ મોકલ્યો છે.
આ પ્રસ્તારને આગળ વધારવો શાંતિ સમજૂતીની બાકીની સાત શરતોની સ્વીકૃતિ પર આધારિત રહેશે.
ઈરાનનો આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે બંને દેશો વચ્ચેની મંત્રણા તેજ બની છે. અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી પહેલાં એવા અહેવાલો આવ્યા હતા કે ચૂંટણી પૂરી થયા બાદ અમેરિકા ઈરાન પર મોટો હુમલો કરી શકે છે. આ અહેવાલોમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકા પર હુમલો કરવા માટે દબાણ કરી રહ્યા છે.
પરમાણુ પ્રસ્તાવ અંગે ટ્રમ્પે શું કહ્યું?
ગુરુવારે પત્રકારોએ ટ્રમ્પને રોઇટર્સના એ અહેવાલ વિશે પ્રશ્નો પૂછ્યા હતા, જેમાં ઈરાન દ્વારા પરમાણુ પ્રસ્તાવ મોકલવાની વાત કહેવામાં આવી હતી.
આ અંગે ટ્રમ્પે કહ્યું કે ઈરાન અમેરિકાની મંજૂરી વિના કંઈ કરી રહ્યું નથી.
જોકે, તેમણે ઈરાનના પ્રસ્તાવની શરતો, તેની સ્વીકૃતિ અથવા અમેરિકાના સંભવિત જવાબ વિશે વિગતવાર કંઈ જણાવ્યું નહોતું.
આનાથી સ્પષ્ટ થાય છે કે પરમાણુ કાર્યક્રમને લઈને બંને દેશો વચ્ચે મંત્રણાનો માર્ગ ખુલ્લો છે, પરંતુ કોઈ સમજૂતી પર પહોંચવાની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી.
શું અમેરિકા-ઈરાન યુદ્ધ ફરી શરૂ થશે?
અમેરિકા અને ઈરાન વચ્ચેના વર્તમાન સંકટમાં હવે બે શક્યતાઓ દેખાઈ રહી છે. પ્રથમ, બંને દેશો રાજદ્વારી મંત્રણા દ્વારા યુદ્ધ સમાપ્ત કરવાનો માર્ગ શોધે. બીજી, મંત્રણા નિષ્ફળ જવાની સ્થિતિમાં અમેરિકા ફરીથી મોટા પાયે સૈન્ય કાર્યવાહી શરૂ કરે.
ટ્રમ્પના તાજેતરના નિવેદને બીજી શક્યતાને પણ જીવંત રાખી છે. એક તરફ તેઓ ઈરાનના બાકીના હિસ્સાને નષ્ટ કરવા માંગતા નથી, તો બીજી તરફ તેમનું કહેવું છે કે જરૂર પડ્યે અમેરિકા પાછળ નહીં હટે.
ઈરાનનો નવો પરમાણુ પ્રસ્તાવ અને અમેરિકાનો આગામી નિર્ણય આવનારા દિવસોમાં પશ્ચિમ એશિયાની સ્થિતિ નક્કી કરી શકે છે. તેની અસર માત્ર અમેરિકા અને ઈરાન સુધી મર્યાદિત નહીં રહે. હોર્મુઝની સામુદ્રધુનીમાંથી તેલનો પુરવઠો, વૈશ્વિક ઊર્જા બજાર અને આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર પર પણ તેની સીધી અસર પડી શકે છે.
હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે ટ્રમ્પ રાજદ્વારી સમજૂતીને પ્રાથમિકતા આપશે કે ઈરાન વિરુદ્ધના યુદ્ધને નવા અને વધુ વિનાશક તબક્કામાં લઈ જશે.

