Ilse Aigner Germany: ઇલ્સે આઇગ્નર કોણ છે? જર્મનીમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાની દિશામાં મોટું પગલું

Arati Parmar
4 Min Read
Ilse Aigner Germany

Ilse Aigner Germany: જર્મનીને પોતાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ મળી શકે છે. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની પાર્ટી CDU અને SPDએ 61 વર્ષીય ઇલ્સે આઇગ્નરને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યાં છે. આથી આવતા વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની જીતની શક્યતા છે. જો આઇગ્નર ચૂંટણી જીતશે તો તેઓ ફ્રેન્ક-વાલ્ટર સ્ટાઇનમાયરની જગ્યા લેશે અને દેશનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનશે. તેઓ લાંબા સમયથી દેશના રાજકારણનો મહત્ત્વનો ચહેરો રહ્યાં છે અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેક મહત્ત્વનાં પદો સંભાળી ચૂક્યાં છે.

જર્મનીના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી આવતા વર્ષે 30 જાન્યુઆરીએ યોજાશે. આ માટે વિશેષ સંસદીય સભા રાષ્ટ્રપતિ ફ્રેન્ક-વાલ્ટર સ્ટાઇનમાયરના ઉત્તરાધિકારીની પસંદગી કરશે. આ સભામાં રાષ્ટ્રીય સંસદના નીચલા ગૃહના 630 સભ્યો અને જર્મનીનાં 16 રાજ્ય વિધાનસભાઓમાંથી આવેલા એટલા જ પ્રતિનિધિઓ સામેલ થાય છે. આ સભાના બહુમતી સભ્યોનું સમર્થન આઇગ્નરને મળતું દેખાઈ રહ્યું છે.

- Advertisement -

“હવે સમય આવી ગયો છે કે પ્રથમ વખત કોઈ મહિલા આ સર્વોચ્ચ પદ પર બિરાજમાન થાય. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે આઇગ્નરની પૃષ્ઠભૂમિ પણ કોઈ રાષ્ટ્રપતિ માટે પ્રથમ વખત હશે. આ આપણા દેશના લાખો લોકોની વાસ્તવિકતા દર્શાવે છે, જેઓ શારીરિક શ્રમ સાથે જોડાયેલા છે.” – જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ

કોણ છે ઇલ્સે આઇગ્નર

ઇલ્સે આઇગ્નર બાવેરિયા રાજ્ય વિધાનસભાનાં અધ્યક્ષ છે. તેઓ ક્રિશ્ચિયન સોશિયલ યુનિયનનાં નેતા છે, જે સરકારમાં સામેલ ત્રણ પક્ષોમાંથી એક છે. આ પક્ષ મર્ઝના સત્તાધારી જૂથનો ભાગ છે. ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન અને સોશિયલ ડેમોક્રેટ્સના નેતાઓ તરફથી સત્તાવાર સમર્થન મળ્યા બાદ તેઓ રાષ્ટ્રપતિ બનશે એવું માનવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિની પસંદગી કરતી સભામાં આ પક્ષો પાસે બહુમતી છે.

- Advertisement -

ઇલ્સે આઇગ્નર 1985થી ખૂબ નાની ઉંમરે રાજકારણમાં સક્રિય છે. ત્રણ દાયકાથી વધુ સમયથી તેઓ મહત્ત્વનાં પદો સંભાળતાં રહ્યાં છે. વર્ષ 1994માં તેઓ બાવેરિયા રાજ્ય વિધાનસભામાં ચૂંટાયાં હતાં. તેમણે બાવેરિયાનાં અર્થતંત્ર મંત્રી અને પરિવહન મંત્રી તરીકે કામ કર્યું છે. એન્જેલા મર્કેલના કાર્યકાળ દરમિયાન 2008થી 2013 સુધી તેઓ જર્મનીનાં કૃષિ મંત્રી હતાં. ઓક્ટોબર 2018થી તેઓ બાવેરિયન વિધાનસભાનાં અધ્યક્ષ છે.

“હું રાજકારણમાં એટલા માટે છું કે મતભેદો દૂર કરી શકું અને લોકોને એકસાથે લાવી શકું. ખાસ કરીને એવા લોકો સુધી પહોંચી શકું, જેમને કદાચ એવું લાગે છે કે તેમને મુખ્ય પ્રવાહથી અલગ રાખવામાં આવ્યા છે.” – ઇલ્સે આઇગ્નર

- Advertisement -

ઉદારમતવાદી નેતા છે આઇગ્નર

હાલમાં બાવેરિયા રાજ્ય વિધાનસભાનાં અધ્યક્ષ આઇગ્નરની છબી ઉદારમતવાદી નેતા તરીકેની રહી છે. તેમણે 2019માં જર્મનીના પ્રથમ ખુલ્લેઆમ ટ્રાન્સજેન્ડર સાંસદને સમર્થન આપ્યું હતું. તેઓ પોતાને એવા નેતા તરીકે રજૂ કરે છે, જે દરેકને જોડીને અને સાથે લઈને ચાલી શકે છે.

  • ઇલ્સે આઇગ્નરનો જન્મ 7 ડિસેમ્બર 1964ના રોજ ફેલ્ડકિર્ચેન-વેસ્ટરહામમાં થયો હતો.

  • તેમણે બેડ આઇબ્લિંગની વિલ્હેમ-લાઇબ્લ-રીઆલશૂલેમાંથી માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું.

  • શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આઇગ્નરે રેડિયો અને ટેલિવિઝન ટેકનિશિયન તરીકે તાલીમ લીધી હતી.

  • પ્રમાણિત ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનવા માટે તેમણે ઉચ્ચ સ્તરની તાલીમ પૂર્ણ કરી હતી.

  • ઇલ્સે 1990થી 1994 સુધી યુરોકોપ્ટરમાં હેલિકોપ્ટરની સિસ્ટમ ઇલેક્ટ્રોનિક્સ પર કામ કરી ચૂક્યાં છે.

  • આઇગ્નરની રાજકીય સફર ફેલ્ડકિર્ચેન-વેસ્ટરહામમાં નગરપાલિકાનાં સભ્ય અને રોઝેનહાઇમમાં જિલ્લા પરિષદનાં સભ્ય તરીકે શરૂ થઈ હતી.

જર્મનીમાં અત્યાર સુધી 12 રાષ્ટ્રપતિ

બીજા વિશ્વયુદ્ધ બાદ જર્મનીના સંઘીય ગણરાજ્યમાં 1949થી અત્યાર સુધી 12 રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. આ તમામ રાષ્ટ્રપતિ પુરુષ હતા. દેશમાં મહિલાઓ અનેક સર્વોચ્ચ પદો પર રહી છે, પરંતુ અત્યાર સુધી કોઈ મહિલા રાષ્ટ્રપતિ બની શકી નથી. મર્કેલ જર્મનીનાં પ્રથમ મહિલા ચાન્સેલર રહી ચૂક્યાં છે. સંસદના નીચલા ગૃહનાં અધ્યક્ષ એટલે કે સ્પીકર તરીકે ચાર મહિલાઓ કામ કરી ચૂકી છે.

જર્મન રાષ્ટ્રપતિનું પદ સામાન્ય રીતે ઔપચારિક અથવા પ્રતીકાત્મક વધુ હોય છે. જોકે, રાજકીય કટોકટીના સમયે રાષ્ટ્રપ્રમુખ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ઉદાહરણ તરીકે, 2017માં જ્યારે ચૂંટણીનાં પરિણામો સ્પષ્ટ નહોતાં ત્યારે રાષ્ટ્રપતિ સ્ટાઇનમાયરે નવી સરકાર બનાવવા માટે વિરોધી રાજકીય નેતાઓને પ્રોત્સાહિત કરવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

Share This Article