Cyber Security Tips: સાયબર હુમલાથી બચવા માટે અપનાવો આ 5 સુરક્ષા ટિપ્સ, મોબાઇલથી લઈને બેંક ખાતું રહેશે સુરક્ષિત

Arati Parmar
5 Min Read
Cyber Security Tips

Cyber Security Tips: ઇન્ટરનેટ પર સાઇબર હુમલાનું જોખમ દરરોજ વધી રહ્યું છે. વેબસાઇટ બનાવવામાં વપરાતી પ્રોગ્રામિંગ લેંગ્વેજ PHPમાં સંશોધકોએ AIની મદદથી મોટી સુરક્ષા ખામી શોધી છે. દુનિયાની આશરે 70% વેબસાઇટ PHP લેંગ્વેજ પર જ બનાવવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં બેઇજિંગ સાથે જોડાયેલી હેકિંગની ઘટનાઓએ પણ સુરક્ષાને લઈને ચિંતા વધારી છે. જોખમ માત્ર મોટી કંપનીઓ કે સરકારી વેબસાઇટ્સ સુધી મર્યાદિત નથી. સામાન્ય લોકોનો ખાનગી ડેટા, ઈમેલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ, વૉટ્સએપ વગેરે પણ નિશાન બની શકે છે. વાંચો, સુરક્ષાની 5 ટિપ્સ, જેની મદદથી આવા સાઇબર હુમલાઓથી પોતાને બચાવી શકાય છે.

1. મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન (MFA અથવા 2-સ્ટેપ વેરિફિકેશન)

– માત્ર પાસવર્ડના ભરોસે ન રહો. 2-સ્ટેપ વેરિફિકેશન ચાલુ હોય ત્યારે પાસવર્ડ નાખ્યા પછી ફોન પર OTP આવે છે. આવી સ્થિતિમાં અન્ય કોઈ વ્યક્તિ તમારું એકાઉન્ટ ખોલી શકશે નહીં.

- Advertisement -

– ગૂગલ અથવા જીમેલ પર MFA ચાલુ કરવા માટે ફોનની સેટિંગ્સમાં જાઓ. અહીં ગૂગલમાં ગયા પછી મેનેજ યોર ગૂગલ એકાઉન્ટનો વિકલ્પ મળશે, જ્યાં સિક્યોરિટી ટૅબ પર ક્લિક કરો. અહીં 2-સ્ટેપ વેરિફિકેશન પર ક્લિક કરીને તમારો ફોન નંબર ઉમેરો અને તેને ચાલુ કરો.

– વૉટ્સએપની સુરક્ષા માટે એપ ખોલો. ઉપર જમણી બાજુના ત્રણ ટપકાં પર ક્લિક કરીને સેટિંગ્સમાં જાઓ. અહીં એકાઉન્ટમાં ટૂ-સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરો અને 6 આંકડાનો પિન સેટ કરો.

- Advertisement -

– સોશિયલ મીડિયા એકાઉન્ટની સુરક્ષા માટે ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુકની સેટિંગ્સ અને પ્રાઇવસીમાં જાઓ. અહીં એકાઉન્ટ્સ સેન્ટરમાં પાસવર્ડ એન્ડ સિક્યોરિટીનો વિકલ્પ મળશે, તેને ચાલુ કરો.

2. ફોન, એપ્સ અને રાઉટરમાં ઑટો-અપડેટ

જ્યારે પણ કોઈ સોફ્ટવેરમાં ખામી જોવા મળે છે, ત્યારે કંપનીઓ તેને સુધારવા માટે અપડેટ (સિક્યોરિટી પેચ) મોકલે છે. આ અપડેટ તરત જ ઇન્સ્ટોલ કરવું જરૂરી છે.

- Advertisement -

– ફોનની સિસ્ટમ માટે મોબાઇલની સેટિંગ્સમાં જાઓ. અહીં સિસ્ટમ અપડેટ અથવા સોફ્ટવેર અપડેટ પર ક્લિક કરો અને વાઇ-ફાઇ દ્વારા ઑટો ડાઉનલોડ તથા ઑટો ઇન્સ્ટોલ ચાલુ કરો.

– એપ્સ માટે ગૂગલ પ્લે સ્ટોર ખોલો. તમારા પ્રોફાઇલ ફોટો પર ટૅપ કરો અને સેટિંગ્સમાં નેટવર્ક પ્રેફરન્સમાં જઈને ઑટો-અપડેટ એપ્સ ચાલુ કરો.

– ઘરના વાઇ-ફાઇ રાઉટરની સુરક્ષા માટે વર્ષમાં ઓછામાં ઓછા એક કે બે વાર તમારા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (બ્રોડબેન્ડ સેવા આપનાર)ને કહો કે તેઓ તમારા રાઉટરનું સોફ્ટવેર તપાસીને અપડેટ કરી આપે.

3. ઑનલાઇન ખરીદી કરતી વખતે સાવચેતી

બેંક અને નાણાકીય સંસ્થાઓ પોતાની સુરક્ષા માટે હંમેશાં મજબૂત તૈયારીઓ રાખે છે, તેથી બેંકમાં જમા તમારા પૈસા સામાન્ય રીતે સુરક્ષિત રહે છે. ખરું જોખમ ત્યારે ઊભું થાય છે, જ્યારે તમે કોઈ નવી અથવા અજાણી શોપિંગ વેબસાઇટ પર તમારા કાર્ડ અથવા એકાઉન્ટની ગુપ્ત માહિતી દાખલ કરો છો.

– અજાણી અથવા ખૂબ સસ્તી વસ્તુઓ વેચતી વેબસાઇટ્સ પર તમારા કાર્ડનો નંબર કે CVV સીધો સેવ ન કરો.

– દરેક શોપિંગ વેબસાઇટ માટે અલગ પાસવર્ડ રાખો.

– જ્યાં પણ વિકલ્પ મળે ત્યાં પાસકી અથવા ફિંગરપ્રિન્ટ/ફેસ અનલૉકથી લૉગિન કરવાનું પસંદ કરો.

4. સ્કેમર્સથી કેવી રીતે બચવું

સાઇબર હુમલો કે કોઈ મોટી ઘટના બન્યા પછી ઠગ લોકો લોકોના ડરનો લાભ લઈને ખોટા સંદેશા મોકલે છે. ઘણી વખત આ સંદેશા અથવા ઈમેલ એટલા સારી રીતે તૈયાર કરવામાં આવે છે કે તેમને ઓળખવા મુશ્કેલ બની જાય છે.

આવા શંકાસ્પદ ઈમેલ અથવા સંદેશાને સમજવા માટે ChatGPT, Gemini અથવા Grok જેવા AI ચેટબોટની મદદ લઈ શકાય છે. શંકાસ્પદ સંદેશાનો ટેક્સ્ટ કૉપી કરીને AIમાં નાખો અને પૂછો, ‘શું આ સંદેશામાં સાઇબર છેતરપિંડી અથવા ફિશિંગનાં સંકેતો છે?’

AI શંકાસ્પદ લિંક, શબ્દો અને વાક્યોની તપાસ કરીને મોટા ભાગે યોગ્ય માહિતી આપે છે. પરંતુ યાદ રાખો કે AI ખોટી માહિતી પણ આપી શકે છે. તેથી તમારી બેંક અથવા કંપની પાસેથી ચોક્કસ ખાતરી કરી લો.

5. પાસવર્ડ ચોરાયો છે કે નહીં, આવી રીતે તપાસો

સાઇબર હુમલાઓમાં હેકર્સ ઘણી વખત વેબસાઇટ પરથી લોકોના પાસવર્ડ ચોરી લે છે. તમારા ફોન પર જ જાણી શકાય છે કે સેવ કરેલો પાસવર્ડ લીક થયો છે કે નહીં.

– એન્ડ્રોઇડ ફોન પર: ગૂગલ ક્રોમ ખોલો. ઉપરનાં ત્રણ ટપકાં પર ટૅપ કરીને સેટિંગ્સમાં જાઓ. અહીં ઑટોફિલ એન્ડ પાસવર્ડ્સમાં ગૂગલ પાસવર્ડ મેનેજર ખોલો અને ‘ચેકઅપ’ પર ટૅપ કરીને તપાસ કરી શકો છો.

– આઇફોન પર: પાસવર્ડ્સ એપ ખોલો. અહીં સિક્યોરિટીમાં જઈને તપાસો કે સેવ કરેલા કોઈ પાસવર્ડ લીક થયા હોવાની અથવા નબળા હોવાની ચેતવણી તો નથી ને.

– જોખમ દેખાય તો સંબંધિત વેબસાઇટ અથવા એપ પર જઈને તરત જ પાસવર્ડ બદલો. અન્ય એકાઉન્ટમાં પણ એ જ પાસવર્ડનો ઉપયોગ કર્યો હોય તો ત્યાંનો પાસવર્ડ પણ બદલો.

Share This Article