Gujarat HC on Police Summons: ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ: પોલીસ મૌખિક કે ફોન પર સમન્સ નહીં મોકલી શકે

Arati Parmar
2 Min Read
Gujarat HC on Police Summons

પોલીસ સ્ટેશન બોલાવવા લેખિત નોટિસ આપવી પડશે, ગુજરાત હાઈકોર્ટની સ્પષ્ટતા

Gujarat HC on Police Summons: પોલીસ તપાસ માટે કોઈ વ્યક્તિને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે ત્યારે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી છે. ગુજરાત હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું છે કે સંબંધિત વ્યક્તિને તપાસમાં હાજર થવા માટે લેખિત નોટિસ આપવી જોઈએ. પોલીસ દ્વારા માત્ર મૌખિક રીતે કે ફોન કરીને સમન્સ પાઠવવાની પદ્ધતિ સામે કોર્ટે વાંધો નોંધ્યો છે. આ મામલે જસ્ટિસ મૂળચંદ ત્યાગીએ ઈસનપુર પોલીસને અરજદારને લેખિત નોટિસ દ્વારા જ બોલાવવાનો આદેશ આપ્યો હતો.

ઓટોમોબાઈલ્સની દુકાનને લઈને લાંબા સમયથી વિવાદ

આ કેસ અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં શાલીમાર ટોકીઝ પાછળ આવેલા જય ભારત કબાડી માર્કેટની એક ઓટોમોબાઈલ્સની દુકાન સાથે જોડાયેલો છે. અરજદાર અને અન્ય પક્ષ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. અરજદારનો આક્ષેપ હતો કે સામેના પક્ષ દ્વારા વારંવાર ફરિયાદો કરવામાં આવતી હતી અને ઈસનપુર પોલીસ તેમને હેરાન કરતી હતી.

- Advertisement -

અરજદારના જણાવ્યા મુજબ, પોલીસ તેમને ફોન કરીને અથવા મૌખિક રીતે પોલીસ સ્ટેશન બોલાવતી હતી. આ રીતે હાજર રહેવા માટે દબાણ કરવું કાયદાકીય પ્રક્રિયા વિરુદ્ધ હોવાનું તેમણે કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું.

બંને પક્ષે એકબીજા સામે અનેક ફરિયાદો

તપાસ અધિકારીના અહેવાલ મુજબ, બંને પક્ષ વચ્ચેના વિવાદને કારણે એકબીજા સામે ફરિયાદો નોંધાવવામાં આવી હતી. કોર્ટે નોંધ્યું હતું કે સામેના પક્ષે અરજદાર વિરુદ્ધ આશરે 40 ફરિયાદો કરી હતી, જ્યારે અરજદારે પણ સામેના પક્ષ વિરુદ્ધ લગભગ 15 ફરિયાદો નોંધાવી હતી.

- Advertisement -

હાઈકોર્ટે લેખિત નોટિસ આપવાનો આદેશ કર્યો

અરજદારની રજૂઆતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે અરજી મંજૂર કરી હતી. કોર્ટે ઈસનપુર પોલીસને અરજદારને તપાસ માટે બોલાવતી વખતે લેખિત નોટિસ જ આપવાનો આદેશ કર્યો હતો. સાથે જ મૌખિક રીતે અથવા ફોન મારફતે સમન્સ ન આપવા સ્પષ્ટતા કરી હતી. આ આદેશ સાથે કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો.

- Advertisement -
Share This Article