Taj Mahal Marble Slab Auction: 200 વર્ષ જૂની તાજમહેલની ઐતિહાસિક નિશાનીની બ્રિટનમાં થશે હરાજી, 36 લાખ રૂપિયા સુધીની કિંમતનો અંદાજ

Arati Parmar
3 Min Read
Taj Mahal Marble Slab Auction

બ્રિટિશ અધિકારી તાજમહેલમાંથી લઈ ગયા હતા આરસની સ્લેબ, 9 ડિસેમ્બરે લંડનમાં થશે હરાજી

Taj Mahal Marble Slab Auction: ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન તાજમહેલમાંથી લઈ જવાયેલી એક ઐતિહાસિક નિશાની 200 વર્ષ બાદ હરાજીમાં વેચાવા જઈ રહી છે. આરસની આ સ્લેબને 9 ડિસેમ્બરે બ્રિટનમાં હરાજી માટે મૂકવામાં આવશે. આ તકતીને ભારતમાં તૈનાત બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના એક અધિકારી કર્નલ પોનલ ફિપ્સ પોતાની સાથે લઈ ગયા હતા. ત્યારથી આ ઐતિહાસિક ધરોહર તેમના પરિવાર પાસે રહી હતી.

ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન દરમિયાન કર્નલ પોનલ ફિપ્સ આગ્રાની ઐતિહાસિક ઇમારતોના બ્રિટિશ અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેમની પાસે તાજમહેલ અને અન્ય ઐતિહાસિક ઇમારતોની મરામતની જવાબદારી હતી. હરાજીનું આયોજન કરતી સંસ્થા લ્યોન એન્ડ ટર્નબુલે જણાવ્યું કે ફિપ્સને તાજમહેલની નીચે આવેલા એક ભોંયરામાંથી આરસની આ સ્લેબ મળી હતી. બાદમાં તેમને આ સ્લેબ પોતાની પાસે રાખવાની મંજૂરી મળી ગઈ હતી.

- Advertisement -

210 વર્ષ પહેલાં આગ્રામાં તૈનાત હતા ફિપ્સ

ફિપ્સના પુત્રએ પોતાના સંસ્મરણોમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. આગ્રામાં ફિપ્સનો કાર્યકાળ 1816માં પૂરો થયો હતો. તે જ સમય દરમિયાન તેમણે આરસના બે ટુકડા લીધા હતા અને પોતાની સાથે લઈ ગયા હતા. હરાજીનું આયોજન કરતી સંસ્થાના એક અધિકારીએ આ કલાકૃતિ રજૂ કરવી સૌભાગ્યની વાત હોવાનું જણાવ્યું છે.

વિશ્વના સૌથી જાણીતા સ્મારકોમાંના એક સાથે જોડાયેલી અને આટલો વિશાળ ઐતિહાસિક વારસો ધરાવતી કલાકૃતિ રજૂ કરવી સૌભાગ્યની વાત છે. એક વરિષ્ઠ બ્રિટિશ અધિકારી પોતાની સાથે લઈ ગયા હતા તે આ કલાકૃતિ 210 વર્ષ બાદ સામે આવી છે અને હજુ પણ તેમના પરિવાર પાસે જ છે. – ક્રિસ્ટીન સેન, લ્યોન એન્ડ ટર્નબુલ ઓક્શન

- Advertisement -

તાજમહેલમાંથી લઈ જવાયેલી સ્લેબ કેવી છે?

  • આ એક લંબચોરસ સ્લેબ છે, જેના ખૂણા ત્રાંસા કાપવામાં આવ્યા છે.
  • 55.8 સેમી લાંબી, 45.2 સેમી પહોળી અને 3 સેમી જાડી આ સ્લેબ પર રંગીન કોતરણી કરવામાં આવી છે.
  • સ્લેબમાં ચમકાવેલા એગેટ, જાસ્પર અને કેલ્સેડોની જેવા કિંમતી પથ્થરો જડવામાં આવ્યા છે.
  • સ્લેબની ચારે બાજુ ફૂલોની ભાતવાળી કિનારી બનાવવામાં આવી છે. તેની રચના તાજમહેલમાં શાહજહાંની કબરના ઉપરના સપાટ ભાગની કિનારીઓ પર બનાવેલી કિનારી જેવી છે.
  • તેના પર બનાવેલી ફૂલોની ભાત કબરની ઉપર ડાબી બાજુ આવેલી ભાત સાથે મળતી આવે છે.

36 લાખ રૂપિયામાં વેચાવાનો અંદાજ

આ સ્લેબને લંડનમાં લ્યોન એન્ડ ટર્નબુલ ઓક્શન હાઉસના ‘ઇસ્લામિક અને ભારતીય કલા વિભાગ’માં 9 ડિસેમ્બરે હરાજી માટે રજૂ કરવામાં આવશે. આ સાથે તેને ઓનલાઇન હરાજી માટે પણ મૂકવામાં આવશે. આ ઐતિહાસિક ધરોહર 20,000થી 30,000 પાઉન્ડ એટલે કે આશરે 24 લાખથી 36 લાખ રૂપિયામાં વેચાવાનો અંદાજ છે. હરાજીની શરૂઆત 16,000 પાઉન્ડથી થશે.

- Advertisement -
Share This Article