આજથી બજેટ સત્ર : વિપક્ષોએ વિવાદસ્પદ મુદ્દે ચર્ચાની માગણી સાથે યુદ્ધરેખા ખેંચી

Reena Brahmbhatt
4 Min Read

નવી દિલ્હી, તા. 21 : સંસદનું ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યું છે અને મંગળવારે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ પણ રજૂ થવાનું છે. નાણામંત્રી નિર્મલા સીતારામન બજેટ રજૂ કરશે, ત્યારે કરદાતાઓ તેમના તરફ ચાતક નજરે મીટ માંડી બેઠા હશે, કારણ કે, કરદાતાઓને મોદી સરકારના આ બજેટમાંથી ઘણી રાહતોની આશા અને અપેક્ષા છે.

nirmala sitharaman

- Advertisement -

એ પહેલાં આજે સરકારે સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં વિવિધ 44 પક્ષનાં નેતાઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી. સર્વપક્ષીય બેઠકમાં જ વિપક્ષોએ કાવડયાત્રા દરમ્યાન નામની ઓળખ જાહેર કરવાનો ઉત્તરપ્રદેશના નિર્ણય, નીટની ગેરરીતિ-ગરબડો સહિતના વિવાદસ્પદ મુદ્દે ચર્ચાની માગણી સાથે યુદ્ધરેખા ખેંચી લીધી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ આગામી ચોમાસુ સત્ર માટે સહમતી સાધવાનો હતો, પણ બેઠક દરમ્યાન જ અનેક વિપક્ષી દળો દ્વારા એવા મુદ્દાઓ ઊઠાવવામાં આવ્યા અને માગણીઓ મૂકવામાં આવી છે, જે શાસક અને વિપક્ષ વચ્ચે સંસદના સત્ર દરમ્યાન ચકમક અને ઘર્ષણનું કારણ બની શકે છે. આજની આ બેઠકમાં આંધ્રપ્રદેશ અને બિહારને વિશેષ રાજ્યનાં દરજ્જા આપવાની માગણીથી માંડીને નીટ-યુજી પેપરલીક અને કાવડયાત્રા સહિતનાં મુદ્દા ઊઠયા હતા. આવતીકાલે આર્થિક સર્વે રજૂ કરાશે. લોકસભામાં બપોરે એક વાગ્યે અને રાજ્યસભામાં બપોરે બે વાગ્યે આર્થિક સર્વે મૂકવામાં આવશે. મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વર મીડિયાને સર્વે વિશે માહિતગાર કરશે. બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે કરી હતી અને સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ તેનું આયોજન કર્યું હતું.

બેઠકમાં ચિરાગ પાસવાન, કોંગ્રેસમાંથી પ્રમોદ તિવારી અને ગૌરવ ગોગોઈ સામેલ થયા હતા. આ ઉપરાંત કોંગ્રેસના જયરામ રમેશ અને કે. સુરેશ, એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસી, રાજદનાં અભય કુશવાહા, જેડીયુના સંજય ઝા, સપાના રામગોપાલ યાદવ અને એનસીપીનાં પ્રફુલ્લ પટેલ સહિતના નેતાઓએ હાજરી આપી હતી. બેઠક બાદ કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે, આજે મળેલી આ બેઠકમાં જેડીયુ નેતા દ્વારા બિહાર માટે વિશેષ રાજ્યનાં દરજ્જાની માગણી કરવામાં આવી હતી. વાયએસઆરસીપીનાં નેતાએ આંધ્રપ્રદેશ માટે પણ આવી જ માગણી રાખી હતી. જો કે, આશ્ચર્યની વાત એ છે કે, આ મુદ્દે ટીડીપીના નેતા બેઠકમાં ચૂપ રહ્યા હતા. આ બેઠકમાં બીજુ જનતાદળે પણ રાજ્ય માટે વિશેષ દરજ્જો માગ્યો હતો, જેમાં બીજેડીએ ભાજપને યાદ પણ અપાવ્યું હતું કે, 2014નાં ઘોષણાપત્રમાં ઓરિસ્સાને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું વચન પણ આપવામાં આવેલું.

- Advertisement -

જયરામ રમેશના કહેવા અનુસાર બેઠકમાં રાજદ તરફથી સંસદમાં વિપક્ષી સદસ્યોને બોલવાની મંજૂરી મળવી જોઈએ તેવી અપીલ પણ કરી હતી, તો કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ નીટ-યુજીનો મુદ્દો ઊઠાવ્યો હતો. આ ઉપરાંત ઈડી, સીબીઆઈ સહિતની કેન્દ્રીય એજન્સીઓનાં દુરુપયોગનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો, તો સપાના સાંસદ રામગોપાલ યાદવે યુપીમાં કાવડયાત્રાના માર્ગ ઉપર આવતી દુકાનો ઉપર નામની તક્તી મૂકવાના રાજ્ય સરકારના આદેશનો મુદ્દો ઊઠાવવામાં આવ્યો હતો. વાયએસઆરસીપીના સાંસદ વિજય સાંઈરેડ્ડીએ કહ્યું હતું કે, તેમના પક્ષ તરફથી કુલ આઠ મુદ્દા ઊઠાવાયા હતા, જેમાં આંધ્રપ્રદેશ માટે વિશેષ દરજ્જાની માગણી, વિશાખાપટ્ટનમ્ સ્ટીલ પ્લાન્ટના ખાનગીકરણનો વિરોધ, ઓનલાઈન જુગાર માટે ઉચિત કાયદા સહિતની માગણીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં કાયદો વ્યવસ્થા બગડયાં હોવાનો આરોપ મૂકતા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની માગણી પણ કરાઈ હતી. સપાના સાંસદ રામગોપાલ યાદવે ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રાના માર્ગ ઉપરની દુકાનોની નેમપ્લેટના વિવાદનો મુદ્દો ઊઠાવ્યો હતો, જ્યારે આપના સાંસદ સંજય સિંહે કેન્દ્રીય એજન્સીઓનાં દુરુપયોગનો આરોપ મૂકતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કેદ રાખવા સહિતના મુદ્દા ઊઠાવ્યા હતા.

Share This Article