ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ વન-ડે ટાઈ

Reena Brahmbhatt
3 Min Read

કોલંબો, તા. 2 : ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રેણીની પ્રથમ વન-ડે મેચ રોમાંચક સ્થિતિ બાદ અંતે ટાઈ થઇ હતી. ટીમ ઇન્ડિયા સાવ જીતની અણીએ પહોંચ્યા પછી જીતેલી બાજી જીતી શકી નહોતી. શ્રીલંકાએ પથુમ નિશંકા અને દુનિથ વેલ્લેલાગેની અર્ધસદીની મદદથી 50 ઓવરમાં આઠ વિકેટના નુકસાને 230 રન કર્યા હતા. જેનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને રોહિત શર્માએ જોરદાર શરૂઆત અપાવી હતી. જો કે, મધ્યક્રમમાં મજબૂત ભાગીદારી થઈ શકી નહોતી. અંતિમ ઓવરોમાં શિવમ દુબે દ્વારા લક્ષ્ય સુધી પહોંચવાની કોશિશ કરવામાં આવી હતી.

જો કે, જીત માટેનો એક રન થાય તે પહેલાં જ શિવમ દુબે અને બાદમાં બીજા જ બોલે અર્શદીપને અસલંકાએ આઉટ કર્યો હતો. અસલંકાએ બાજી પલટી હતી અને આ સાથે જ મેચ ટાઈ થઈ હતી. ટોસ જીતીને પહેલાં બેટિંગમાં ઉતરેલી શ્રીલંકાની ટીમ માટે ઓપનર પથુમ નિશંકાએ અર્ધસદી કરી હતી. નિશંકા 75 બોલમાં નવ ચોગ્ગાની મદદથી 56 રન કરીને આઉટ થયો હતો. 101ના કુલ સ્કોરે શ્રીલંકાએ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, બાદમાં દુનિથ વેલ્લેલાગેએ જનીથ લિયાંગે અને વાનિન્દુ હસારંગા સાથે મહત્ત્વની ભાગીદારી કરી હતી. લિયાંગે 20 રન કરીને આઉટ થયો હતો. જ્યારે હસારંગા 24 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. આ દુનિથે અર્ધસદી પૂરી કરી હતી. તેણે 65 બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 67 રન કર્યા હતા.

- Advertisement -

cricket india win zimbabwe

જેની મદદથી શ્રીલંકાએ 50 ઓવરમાં આઠ વિકેટના નુકસાને 230 રન કર્યા હતા. શ્રીલંકાએ આપેલા લક્ષ્યનો પીછો કરતાં રોહિત શર્માએ ધમાકેદાર શરૂઆત કરી હતી. રોહિત શર્માએ 47 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 58 રન કર્યા હતા. બીજી તરફ શુભમન ગિલ માત્ર 16 રનમાં આઉટ થયો હતો. કોહલી પણ લાંબી ઈનિંગ્સ ન રમી શકતા 24 રને પેવેલિયન પરત ફર્યો હતો. આ ઉપરાંત શ્રેયસ અય્યર 23 રને આઉટ થયો હતો. બાદમાં કેએલ રાહુલ અને અક્ષર પટેલ વચ્ચે સારી ભાગીદારી થઈ હતી અને ટીમને લક્ષ્યની નજીક પહોંચાડવાનું કામ કર્યું હતું. જો કે, કેએલ રાહુલ 31 રને અને અક્ષર 33 રને આઉટ થયા બાદ ટીમ ફરી મુશ્કેલીમાં આવી હતી. આ દરમ્યાન શિવમ દુબેએ બાજી સંભાળી હતી અને ટીમને જીત સુધી પહોંચાડવા મહેનત કરી હતી. જો કે, માત્ર એક રન કરવાનો હતો, ત્યારે શિવમ દુબે 25 રન કરીને આઉટ થયો હતો. બાદમાં બીજા જ બોલે અર્શદીપ પણ આઉટ થઈ જતાં મેચ ટાઇ થઇ હતી.

- Advertisement -
Share This Article