ભુજ, તા.7 : માર્ગો પર બનતા અકસ્માતો એ ગંભીર બાબત છે અને જ્યારે વિદ્યાર્થીઓના પરિવહનમાં વપરાશમાં લેવાતા વાહનોને આવા અકસ્માતનો સામનો કરવો પડે ત્યારે તેની ગંભીરતા વધુ વધતી હોય છે. અત્યાર સુધી અકસ્માતનો ભોગ બનતા સ્કૂલ વાહનો સામે હયાત કાયદા હેઠળની કાર્યવાહી સિવાય વધારાની કોઈ કાર્યવાહી થતી ન હતી પરંતુ હવે જો સ્કૂલ બસ કે વાન જેવાં વાહનનો અકસ્માત થાય તો તે જે શાળા સાથે સંકળાયેલું હોય તેના સંચાલકો, વાહનના માલિક તેમજ ટ્રાફિક કંટ્રોલર સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેની તૈયારીઓ ઘડાઈ રહી છે.

જાણવા મળતી વિગતો અનુસાર રાજ્યના બાળ અધિકાર સંરક્ષણ આયોગે શિક્ષણ વિભાગ સહિત સંબંધિત તંત્રોને અકસ્માતના કિસ્સામાં શાળા સંચાલકો સામે પણ કાયદાની કાર્યવાહીનો વ્યાપ વધારવા નિર્દેશ આપ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ માર્ગો પર બેફામ રીતે હંકારાતા સ્કૂલ વાહનો અંગે હવે શાળાના સંચાલકોની પણ જવાબદારી નક્કી કરવામાં આવી છે. બાળ આયોગે આપેલા નિર્દેશ મુજબ શાળાના સંચાલકોએ તેમની શાળાના વાહનને ચલાવતા ચાલકના લાયસન્સ સહિતની વિગતો ચકાસવાની રહેશે. કચ્છમાં અત્યારે 410ની આસપાસ સ્કૂલ બસો કાર્યરત છે ત્યારે જો બાળ અધિકાર સંરક્ષણ આયોગની ભલામણોનો આ જિલ્લામાં પણ અમલ થશે તો શાળા સંચાલકોની અને સંબંધિત તંત્રોની પણ જવાબદારી વધી જશે તે નક્કી છે.
ગાંધીનગર કક્ષાએથી પ્રાપ્ત અને સ્થાનિક સૂત્રોની વિગતો મુજબ સ્કૂલ બસની સુવિધા માટે શાળાઓ નિયત રકમ વસૂલતી હોવાથી તેમના ચાલક પાસે માન્ય ડ્રાઈવિંગ લાયસન્સ છે કે નહીં તેની જાણકારી રાખવી જોઈએ. ઘણી વખત શાળાઓ વાહનનાં સંચાલનને ખાનગી કંપનીને પણ સોંપતી હોય છે આવા સંજોગોમાં વાહનનું ફિટનેસ છે કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ. શાળા બસનું પરિવહન એક ગંભીર જવાબદારી છે અને જો ચાલક પાસે માન્ય લાયસન્સ ન હોય તો તેમાં શાળાએ આવતાં-જતાં બાળકો પર મોટું જોખમ સર્જાઈ શકે એમ જાણકારોએ કહ્યું હતું. બાળ અધિકાર સંરક્ષણ આયોગે જે ભલામણો અને નિર્દેશ આપ્યા છે તેમાં અકસ્માત સમયે શાળા સંચાલકો ઉપરાંત વાહનના માલિક અને ટ્રાફિક કંટ્રોલરને પણ જવાબદાર ગણીને પગલાં ભરવા તેમજ શિક્ષણ વિભાગને નિયમિત તપાસ કરતા રહેવાનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે આ ભલામણો અને નિર્દેશો માત્ર સ્કૂલ બસો અને સ્કૂલ સાથે નોંધાયેલાં છાત્ર પરિવહન વાહનો માટે જ હાલઘડીએ લાગુ પડે છે ત્યારે સ્કૂલ બસો કરતાં પણ મોટી સંખ્યામાં બાળકોનું પરિવહન છકડા અને ખાનગી વેન દ્વારા થતું હોવાથી એ દિશામાં પણ તપાસ અને ચકાસણીની કાર્યવાહી તેમજ જવાબદારી નિયત કરવાની જરૂરત વાલીઓ જણાવી રહ્યા છે. – બાળઆયોગની કેટલીક ભલામણો : ખાનગી શાળાઓમાં બસની સુવિધા ચાર્જેબલ હોવાથી વાહન ચાલક સંબંધિત વિગતો સંચાલકોએ જાણવી જરૂરી છે જો શાળા સંચાલકો તેમના વાહનોના ચાલકોની માહિતી ચકાસણીમાં બેદરકારી દાખવશે તો દંડ સહિતની કામગીરી થઈ શકે છે. જોખમી રીતે વાહન ચલાવતા શાળા બસ ચાલક સામે કાયદેસર પગલાં ભરવાં જોઈએ શિક્ષણાધિકારીઓ અને શાળા આચાર્યોએ પણ બાળકોની સલામતી મુદ્દે જાગૃત રહેવાની જરૂર છે. – કચ્છમાં કેટલી સ્કૂલ બસ? : કચ્છમાં ભૂકંપ બાદ અનેક ખાનગી નવી શાળાઓ નગરોની ભાગોળે કે તેનાથી પણ દૂર દૂર કાર્યરત થઈ હોવાથી આવી શાળાઓમાં આવવા-જવા માટે શાળાની બસ એકમાત્ર સાધન બન્યું છે ત્યારે કચ્છમાં આશરે 410 જેટલી સ્કૂલ બસ હોવાનું જાણવા મળ્યું છે. હજુ હમણાંજ થઈ હતી તપાસ રાજકોટમાં અગ્નિકાંડ બાદના વાતાવરણમાં જિલ્લામાં ઉનાળુ વેકેશન ખૂલતાં જ આરટીઓ દ્વારા શળા પરિવહન વાહનો સામે તપાસ શરૂ કરાઈ હતી જે 13 જૂનથી 21 જૂન સુધી સક્રિયતાથી કાર્યરત રહી હતી. આ દરમ્યાન 72થી વધુ વાહનો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં શાળાની બસો ઉપરાંત છકડા સહિત શાળા પરિવહન વાહનોનો સમાવેશ થતો હતો. – તપાસ કરતા રહીશું: આરટીઓની ધરપત : આરટીઓ શ્રી વાઘેલાનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે તેમના તંત્ર દ્વારા ઉનાળુ વેકેશન ખૂલતાં જ શાળા પરિવહન વાહનોની તપાસ કરાઈ હતી અને તે પછી શાળાબસો સહિતના વાહનોમાં અધૂરાશોની પૂર્તતા પણ કરવામાં આવી હોવાનું તે પછીતી તપાસોમાં ધ્યાને આવ્યું હતું અમે ભવિષ્યમાં પણ શાળા પરિવહન વાહનોમાં અમારી તપાસ જારી રાખીશું એમ તેમણે કહ્યું હતું.

