હવે ગાંધીધામમાં બિનઅધિકૃત રીતે બાટલા ભરવાનાં કૌભાંડનો પર્દાફાશ

Reena Brahmbhatt
2 Min Read

ગાંધીધામ, તા. 13 : શહેરના ગણેશનગર-સેકટર-6 વિસ્તારની શાકભાજી માર્કેટમાં અનઅધિકૃત રીતે ગેસના બાટલા રાખી ગેરકાયદેસર રીતે બાટલા ભરી ગ્રાહકોને વેચનારા બે શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી ભરેલા અને ખાલી બાટલા હસ્તગત કરવામાં આવ્યા હતા. શહેરના સેકટર 6 વિસ્તારમાં શાકભાજી માર્કેટમાં દુકાન નંબર 453 આયુષ એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે બાટલા વેચાતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં કાર્યવાહી કરી હતી.

Gas Cylinder PNG File

- Advertisement -

દુકાન ચલાવતા મુન્નાકુમાર ચનારી કેવર નામના શખ્સને પકડી પાડી ભારત ગેસ કંપનીનો સીલબંધ બાટલો, એચપી કંપનીના પાંચ ઘરેલુ બાટલા, રિલાયન્સનો 1, ઈન્ડિયન એકસ્ટ્રા કંપનીનો કોમર્શિયલ બાટલો, ભારત ગેસનો એક તથા અન્ય ખાલી બાટલા, વિજાણુ વજનકાંટો, ચાર ફૂટ લાંબી કાળા રંગની પાઈપ, તેની સાથે જોડાયેલી મોટર વગેરે મળીને રૂા. 26,000નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. આ જ વિસ્તારમાં દુકાન નંબર 452માં સંતોષ ચૂલા રિપેરિંગ નામની દુકાનમાંથી સંતોષ રામાશિષ કેવર નામના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. તેના કબજાની આ દુકાનમાંથી ઇન્ડિયન એકસ્ટ્રા કોમર્શિયલ બોટલ એક, એચપી ઘરેલુ વપરાશના 6, ઈન્ડિયન કંપનીના ઘરેલુ વપરાશના બે તેમજ જુદી-જુદી કંપનીના ખાલી બાટલા, પાઈપ, મોટર, વાલ્વ એમ કુલ રૂા. 28,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ બંન્ને શખ્સો પાસે આવતા ગ્રાહકો પાસેથી ખાલી બાટલા લઈ તેમને ઉંચા ભાવે ભરેલા બાટલા આપતા હતા તેમજ કયારેક ભરેલા બાટલા ન હોય તો કોમર્શિયલ બાટલામાં વાલ્વ, મોટર, પાઈપ લગાવી તેમાંથી ઘરેલુ બાટલા ભરી વજનકાંટા ઉપર વજન કરીને ગ્રાહકોને વેચી મારતા હતા.

આ બન્ને શખ્સો તેમજ વરસામેડીમાંથી ઝડપાયેલ શખ્સ ભરેલા બાટલા કયાંથી અને કેવી રીતે મેળવતા હતા તે હજુ બહાર આવ્યું નથી, જે આશ્ચર્યજનક હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સુરક્ષાના સાધનો વગર અનઅધિકૃત રીતે બાટલા ભરી પોતાનું તથા અન્યોના જીવ જોખમમાં મુકનારા આ બન્ને શખ્સો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ કરી છે.

- Advertisement -
Share This Article