શું મોદીની ટિમ માં ટીડીપી, જેડી-યુને છ મંત્રીપદ મળશે ?

Reena Brahmbhatt
5 Min Read

નવી દિલ્હી, તા. 8 : આવતીકાલે રવિવારની સાંજે નરેન્દ્ર મોદી સળંગ ત્રીજીવાર વડાપ્રધાન પદે શપથ લેવા જઈ રહ્યા છે, ત્યારે નવી `ટીમ મોદી’માં મોભાદાર મંત્રીપદ મેળવવા માટે ટીડીપી અને જેડી-યુ જેવા સૌથી મોટા સાથી પક્ષોના ત્રાગા વચ્ચે હારી ગયા હોવા છતાં સ્મૃતિ ઈરાનીને સ્થાન મળનારું છે. મોદીના ગૃહરાજ્ય ગુજરાતની સાથે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાંથી પ્રધાનપદ પર કાતર ફરી શકે છે. મોદીના મંત્રી મંડળમાં પીયૂષ ગોયલને નાણાં મંત્રાલય મળી શકે છે, તો જંગી સરસાઈથી જીતના શિરપાવ રૂપે શિવરાજસિંહ ચૌહાણને મહત્ત્વપૂર્ણ ગૃહમંત્રાલયનું સુકાન સોંપાઈ શકે છે. કેસરિયા પક્ષના કદાવર નેતા અમિત શાહને ફરીવાર ભાજપ પક્ષ અને સંગઠનનું સુકાન સોંપાય તેવી શક્યતા જાણકાર સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

piyush goyal

- Advertisement -

જોકે ઘટક પક્ષોના દબાણને જોતાં મોદી અમિત શાહને સરકારથી દૂર કરે એવી શકયતા ઓછી છે. મળતા અહેવાલ મુજબ ભાજપ ટીડીપીને ચાર, જેડી-યુને ત્રણ, એલજેપી અને શિવસેનાને બે-બે મંત્રીપદ આપી શકે છે. નીતીશે ચાર કેબિનેટ અને એક રાજ્યમંત્રી પદની માંગ કરી છે. એવી પણ વાત બહાર આવી છે કે ટીડીપી અને જેડી-યુ લોકસભામાં અધ્યક્ષ પદ ઉપરાંત નાણાં મંત્રાલય પણ માગી રહ્યા છે. આનું સૌથી મોટું કારણ એવું છે કે તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) નાણાં મંત્રાલય હસ્તક આવે છે. ભાજપ સૂત્રોના જણાવ્યા મુજબ અધ્યક્ષ જે. પી. નડ્ડાનાં ઘરે બેઠક યોજાઈ હતી, જેમાં ભાજપ સંરક્ષણ મંત્રાલય, નાણાં મંત્રાલય, ગૃહ વિભાગ અને વિદેશ મંત્રાલય પોતાની પાસે રાખશે. ભાજપ લોકસભા અધ્યક્ષ પદ પણ પોતાની પાસે રાખશે. આ ઉપરાંત ચૂંટણી જીતનાર તમામ મંત્રીઓને રિપિટ કરી શકે છે. નિર્મલા સીતારામનના હાથમાંથી નાણાં મંત્રાલય ખસકી પીયૂષ ગોયલને આપવામાં આવી શકે છે. જો કે, કેબિનેટમાં કોનો સમાવેશ કરાશે અને કયા નેતાને કયું મંત્રાલય અપાશે તે અંગે હજુ નિર્ણય કરાયો નથી. નવી કેબિનેટમાં બે મહિલા દિલ્હીના સાંસદ બાંસુરી સ્વરાજને રાજ્યમંત્રી અને ઓડિશાના અપરાજિતા સારંગીનો કેબિનેટમાં સમાવેશ થવાની સંપૂર્ણ સંભાવના છે. સારંગી ભુવનેશ્વર બેઠક પરથી સતત બીજી વખત સાંસદ બન્યા છે. કર્ણાટકમાંથી જેડીએસ સાંસદ એચ. ડી. કુમારસ્વામીને મંત્રીપદ મળી શકે છે.

કેરળમાં ભાજપને પહેલી બેઠક અપાવનાર સુરેશ ગોપીને પણ સ્થાન મળી શકે છે. ગોવાથી સતત છઠ્ઠી વખત સાંસદ બનેલા શ્રીપદ નાઈકનો પણ મંત્રી મંડળમાં સમાવેશ થઈ શકે છે. જમ્મુ-કાશ્મીરથી ડો. જિતેન્દ્રસિંહ, હરિયાણાથી રાવ ઈન્દ્રજિત, દિલ્હીથી રામવીરસિંહ બિધૂડીને પણ મંત્રીપદ મળવાની સંભાવના છે. ભાજપ બાદ ટીડીપી પાસેથી સૌથી વધુ સાંસદો છે, તેથી તેમના વધુ મંત્રીઓ હશે. ટીડીપીએ બે કેબિનેટમાં સ્થાન અને બે રાજ્યમંત્રીના પદની માંગ કરી છે. નવી કેબિનેટમાં ટીડીપીના ચાર મંત્રી હશે. ટીડીપીને લોકસભાનું અધ્યક્ષ પદ પણ જોઈએ છે, જો કે, ભાજપ કોઈ પણ કિંમતે આ પદ આપવા તૈયાર નથી. શ્રીકાકુલમ બેઠક પરથી જીતેલા રામમોહન નાયડુ, ગુંટુરથી જીતેલા પેમ્માસાની ચંદ્રશેખર અને નરસારાવપેટથી જીતેલા લાવુ શ્રીકૃષ્ણ દેવરાયલુનાં નામ મંત્રીપદ માટે નિશ્ચિત છે. વિશાખાપટ્ટનમથી જીતેલા શ્રીભરતને પણ સ્થાન મળી શકે છે. મળતા અહેવાલો મુજબ ટીડીપીને ઈલેકટ્રોનિકસ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને ગ્રામીણ વિકાસ મંત્રાલય આપવાની વાત ચાલી રહી છે. જેડી-યુને ત્રણ મંત્રીપદ મળવાનું નિશ્ચિત છે. મંત્રી બનનારાઓમાં સંજય ઝાનું નામ સૌથી આગળ છે. દેવેશચંદ્ર ઠાકુરને પણ મંત્રી બનાવી શકે છે.

- Advertisement -

ઠાકુરને સ્વચ્છ છબીના નેતા માનવામાં આવે છે. નીતીશની સૌથી ખાસ વ્યક્તિ અને પક્ષના પૂર્વ અધ્યક્ષ લલનસિંહને પણ મંત્રીપદ મળવાની સંભાવના છે. અત્યંત પછાત જાતિમાંથી આવતા ભારતરત્ન કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરને પણ પ્રથમ વખત તક મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની શિવસેનાએ સાત બેઠક જીતી છે. એનડીએમાં સૌથી વધુ બેઠકો જીતવા મામલે તેઓ ચોથા ક્રમે છે. તેમણે એક કેબિનેટ મંત્રીપદ અને એક રાજ્યમંત્રી પદની માંગ કરી છે. શિવસેના તરફથી શ્રીરંગ બારણે, પ્રતાપરાવ જાધવ અને સંદીપાન ભુમરેનું નામ ચર્ચામાં છે. પરિવારવાદ મુદ્દે આંગળી ન ચીંધાય તેને ધ્યાને રાખી શિંદેએ પોતાના પુત્ર શ્રીકાંત શિંદેને મંત્રી ન બનાવવાનો નિર્ણય લીધો છે. અજિત પવારની એનસીપી પણ એક કેબિનેટ પદ માગી શકે છે. અજિતના જીતેલા સાંસદ સુનીલ તટકરેને અંદરખાને મંત્રી બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. મરાઠીઓની નારાજગી દૂર કરવા માટે મહારાષ્ટ્રની એક મરાઠી મંત્રી બનાવવામાં આવી શકે છે. ભાજપે ચૂંટણીમાં પ0 કેન્દ્રીયમંત્રીને ટિકિટ આપી હતી. તેમાંથી 19 મંત્રી હારી ગયા છે. ચૂંટણી હારેલા મંત્રીઓમાં સ્મૃતિ ઈરાની અને રાજીવ ચંદ્રશેખરને ફરી તક મળી શકે છે. સ્મૃતિ વર્ષ 2014માં ચૂંટણી હાર્યા હોવા છતાં તેમને કેબિનેટમંત્રી બનાવાયા હતા. તેમને રાજ્યસભામાં મોકલી માનવ સંશાધન મંત્રાલય આપવામાં આવ્યું હતું. આવી જ રીતે હારેલા ઉમેદવાર મુઝફ્ફરનગરના સંજીવ બાલિયાનને પણ મંત્રીપદ મળી શકે છે. – 14 સહયોગી પક્ષના 18 સાંસદ મંત્રી ? : એક સંભાવના એવી વ્યક્ત થઈ છે કે કેન્દ્રની નવી સરકારમાં એનડીએના 14 સહયોગી પક્ષના 18 સાંસદને મંત્રી બનાવવામાં આવી શકે છે જેમાં 7 કેબિનેટ મંત્રી અને 11ને સ્વતંત્ર હવાલો મળી શકે છે.

Share This Article