નવી દિલ્હી, તા.8 : ભારતમાં મંકીપોક્સનો મામલો સામે આવતાં ચિંતા સર્જાઈ છે. તાજેતરમાં વિદેશથી આવેલા એક યુવા શખ્સની એમપોક્સ (મંકી પોક્સ)ના સંક્રમણના સંદિગ્ધ કેસના રૂપમાં ઓળખ કરવામાં આવી હતી. દર્દીને આઈસોલેશન માટેની વિશેષ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. હાલમાં તેની તબીયત સ્થિર બતાવાઈ રહી છે.

એમપોક્સની ઉપસ્થિતિની પુષ્ટિ માટે દર્દીના સેમ્પલને પરીક્ષણાર્થે મોકલવામાં આવ્યું છે. પીઆઈબીના અહેવાલ અનુસાર, આ મામલામાં સ્થાપિત પ્રોટોકોલ અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સંભાવિત સ્રોતની ઓળખાળ કરવા અને દેશની અંદર પ્રભાવનું આકલન કરવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ ચાલુ હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. આ કેસ એનસીડીસી તરફથી કરવામાં આવેલા જોખમના મુલ્યાંકન અનુસારનો હોવાથી અનાવશ્યક ચિંતાનું કોઈ કારણ ન હોવાનું પણ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. દેશ આ પ્રકારના અલગ-થલગ યાત્રાથી સંબંધિત મામલાનો સામનો કરવા માટે સક્ષમ છે અને કોઈ પણ સંભાવિત જોખમને અંકૂશમાં લેવા કડક ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે અને તે માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને જરૂરી માર્ગદર્શિકા પણ જારી કરાઈ છે.

