નાગપુર, તા. 12 : વિજયાદશમીના અવસરે નાગપુરમાં શત્રપૂજન કર્યા પછી પોતાનાં પરંપરાગત ભાષણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધ્યક્ષ મોહન ભાગવતે જણાવ્યું હતું કે, દુર્બળ હોવું એક અપરાધ છે. હિન્દુઓ સંગઠિત, સશક્ત બને તે જરૂરી છે. બાંગલાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરતાં ભાગવતે એવી અપીલ કરી હતી કે, અત્યાચાર સામે સંઘર્ષ કરતા હિન્દુઓને ભારત સરકાર મદદ કરે.પહેલીવાર હિન્દુઓ એકજૂટ થયા અને પોતાની રક્ષા માટે રસ્તા પર ઊતર્યા, પરંતુ ક્રોધભેર અત્યારના કટ્ટરપંથી કૃત્યો જારી રહેશે, ત્યાં સુધી માત્ર હિન્દુ જ નહીં, પરંતુ તમામ લઘુમતી સમુદાય ખતરામાં રહેશે તેવું તેમણે કહ્યું હતું.
કોલકાતાની મેડિકલ કોલેજમાં તબીબ પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાને જગતનો સૌથી જઘન્ય અપરાધ લેખાવતાં સંઘ સુપ્રીમોએ કહ્યું હતું કે, અપરાધ અને રાજનીતિનાં ગઠબંધને બરબાદી સર્જી છે. દેશના નાગરિકોને શિસ્તસભર, સાદગીભરી જીવનશૈલી અપનાવવાના આહ્વાન સાથે ભાગવતે જણાવ્યું હતું કે, પર્યાવરણ સુરક્ષા માટે પાણી બચત, વૃક્ષારોપણ, પ્લાસ્ટિક હટાવવાના ઉપાયો કરવા જોઇએ. ભાગવતે ભારપૂર્વક કહ્યું કે, નીતિઓ સામે અસંતોષ હોઇ શકે, પરંતુ વિરોધના લોકતાંત્રિક રસ્તા છે. હિંસા કરવી એ ગુંડાગીરી છે. જે ચાલવા ન દેવા જોઇએ.

