નવી દિલ્હી, તા. 9 : બે દિવસની ભારતયાત્રાએ આવેલા સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિનજાયદ અલ નાહયાનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાગત કર્યું હતું. ભારત અને યુએઈ વચ્ચે સોમવારે ગુજરાતમાં ફૂડ પાર્ક વિકસીત કરવા સહિત મહત્વના સમજૂતી કરાર થયા હતા. ભારતમાં કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ જેવાં મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં રોકાણ વધારવાની દિશામાં પણ સહમતિ સધાઈ હતી. બન્ને દેશ વચ્ચે બારાકાહ અણુ ઊર્જા પ્લાન્ટના સંચાલન માટે મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. ગુજરાત રાજ્યની સરકાર અને અબુધાબી ડેવલપમેન્ટલ હોલ્ડિંગ કંપની વચ્ચે ફૂડ પાર્ક વિકસિત કરવા માટેના ચાવીરૂપ સમજૂતી કરાર પર પણ હસ્તાક્ષર થયા હતા.

આ સમજૂતી કરાર ભારતમાં ફૂડ પ્રોસેસિંગ તેમજ ખેતીના ક્ષેત્રોમાં રોકાણ વધારવા માટે મહત્વપૂર્ણ પુરવાર થશે. અબુધાબી નેશનલ ઓઈલ કંપની અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી) વચ્ચે લિક્વિડ નેચરલ ગેસ (એલએનજી)ની લાંબા ગાળાની આપૂર્તિનો કરાર થયો હતો. પ્રવાહી પ્રાકૃતિક ગેસ પુરો પાડવાનો આ સમજૂતી કરાર ભારતની ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવામાં મદદરૂપ બનશે. હૈદરાબાદ હાઉસમાં યોજિત અને ફળદાયી લેખાવાયેલી યુએઈના ક્રાઉન પ્રિન્સ તેમજ પ્રતિનિધિ મંડળ સાથેની આજની બેઠકમાં વડાપ્રધાન મોદી સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલ, પેટ્રોલિયમ પ્રધાન હરદીપસિંહ પુરી, વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પિયૂષ ગોયલ જોડાયા હતા. આજે થયેલા સમજૂતી કરારોથી બન્ને દેશ વચ્ચે આર્થિક તેમજ રણનીતિક સંબંધોને મજબૂતી મળશે.

