રાબેતા મુજબ અમેરિકામાં રાહુલે સર્જ્યા વિવાદો

Reena Brahmbhatt
4 Min Read

વોશિંગ્ટન, તા. 11 : રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસે આપવામાં આવી રહેલાં નિવેદનોથી સતત વિવાદ વકરી રહ્યો છે અને સત્તાપક્ષ કોંગ્રેસને ઘેરી રહ્યો છે. હવે રાહુલ ગાંધીએ અમેરિકામાં એક ઈન્ટરવ્યૂ દરમ્યાન ભારતની સરખામણી સીરિયા અને ઈરાક સાથે કરી દીધી છે. આ ઉપરાંત સતત ભારત વિરોધી નિવેદનો આપતી અને અલગ કાશ્મીર અને ખાલિસ્તાનનું સમર્થન કરતી અમેરિકી સાંસદ ઈલ્હાન ઓમર સાથે રાહુલ ગાંધીની મુલાકાત અને સાથેની તસવીરે પણ નવા વિવાદને જન્મ આપ્યો છે. જેને પગલે ભાજપે રાહુલ પર આકરા પ્રહાર કર્યા છે.

ઈલ્હાને પીઓકેની યાત્રા કરી હતી અને કાશ્મીર ઉપર ભારતના નિયંત્રણની ખુલીને આલોચના કરી હતી. પીઓકેની આ યાત્રા પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત હોવાનું પણ સામે આવ્યું હતું. વધુમાં એક કાર્યક્રમ દરમ્યાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, લદ્દાખમાં ચીને દિલ્હી જેવડા વિસ્તાર ઉપર કબજો કરી લીધો છે અને પીએમ મોદી ચીનને સંભાળી શકતા નથી. રાહુલ ગાંધી ઉપર ગૃહમંત્રી અમિત શાહે પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે, રાહુલના નિવેદન ક્ષેત્રવાદ, ધર્મ અને ભાષાના આધારે તિરાડ પેદા કરવાની કોંગ્રેસની રાજનીતિ ઉજાગર કરે છે. દેશવિરોધી વાતો કરવી અને દેશ તોડનારી શક્તિઓ સાથે રહેવું રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીની આદત છે. ભારત વિરોધી સાંસદ સાથે મુલાકાત ઉપર અમિત માલિવયએ કહ્યું હતું કે, પાકિસ્તાન પણ આવા તત્ત્વોથી સાર્વજનિક દૂરી રાખે છે, પણ કોંગ્રેસનો ખુલ્લેઆમ દેશ વિરોધી કામ કરે છે, જ્યારે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીની હરકતો શેતાની છે.

- Advertisement -

અમિત શાહે `એક્સ’ ઉપર પોસ્ટમાં લખ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં દેશવિરોધી અને અનામત વિરોધી એજન્ડાનું સમર્થન હોય કે વિદેશી મંચ ઉપરથી ભારત વિરોધી વાત કરવી હોય. રાહુલ ગાંધીએ દેશની સુરક્ષા અને ભાવનાને હંમેશાં ઠેસ પહોંચાડી છે. રાહુલ ગાંધીએ અનામત ખતમ કરવાની વાત કરીને કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો પણ દેશની સામે લાવવાનું કામ કર્યું છે. મનમાં રહેલા વિચાર કોઈને કોઈ માધ્યમથી સામે આવી જ જાય છે. જો કે, ભાજપ છે, ત્યાં સુધી અનામતને કોઈ અડી શકશે નહીં.

rahul gandhi

- Advertisement -

બીજી તરફ ભારત વિરોધી અમેરિકી સાંસદ સાથે વાયરલ થયેલી રાહુલ ગાંધીની તસવીર ઉપર ભાજપ પ્રવક્તા અમિત માલવીયએ પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે, ભારતના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં ઈલ્હાન ઉમર સાથે મુલાકાત કરી છે, જે પાકિસ્તાન પ્રાયોજિત ભારત વિરોધી અવાજ છે. રાહુલ ગાંધીની આલોચના કરતા કિરેન રિજિજુએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી એવા પહેલા નેતા પ્રતિપક્ષ છે, જેણે ભારત વિરોધી વિચારધારા ધરાવતા અમેરિકી સાંસદ ઈલ્હાન ઉમર સાથે મુલાકાત કરી છે. રાહુલ ગાંધીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં ભારતના લોકતંત્રને ખુબ નુકસાન થયું છે. હવે લોકતંત્ર ટ્રેક ઉપર આવી રહ્યું છે. જ્યારે લોકસભા ચૂંટણી થઈ, ત્યારે બેંક ખાતા ઉપર રોક મૂકી દેવામાં આવી હતી. આવી સ્થિતિ સીરિયા અને ઈરાકમાં જોવા મળે છે. મહારાષ્ટ્રમાં અમારી સરકાર છીનવી લેવામાં આવી હતી. વિધાયકોને ખરીદી લેવામાં આવ્યા હતા.

આ રીતે ભારતીય લોકતંત્ર જોખમમાં રહ્યું છે. વોશિંગ્ટનમાં પ્રેસ ક્લબમાં રાહુલે કહ્યું હતું કે, ચીની સૈનિકોએ લદ્દાખમાં દિલ્હી બરાબર જમીન કબજે કરી છે. મીડિયા આ બાબતે લખતું નથી. પીએમ મોદીએ ચીનને યોગ્ય રીતે સંભાળ્યું નથી. રાહુલ ગાંધીએ પાકિસ્તાન અને બાંગલાદેશ વિશે પણ વાત કરી હતી. રાહુલે કહ્યું હતું કે, બન્ને પાડોસી દેશમાં ભારત વિરોધી ગતિવિધિ દેશના શાંત મિજાજ માટે પરેશાન કરનારી છે. પાકિસ્તાન દ્વારા દેશમાં આતંકવાદને પ્રોત્સાહન બન્ને દેશને પાછળ ધકેલી રહ્યું છે. પાકિસ્તાન પાછળથી હુમલો કરી રહ્યું છે અને તે સ્વીકારાશે નહીં. જ્યાં સુધી પાકિસ્તાન આવી હરકતો કરતું રહેશે, ત્યાં સુધી બન્ને દેશ વચ્ચેની સમસ્યાનો ઉકેલ આવશે નહીં.

- Advertisement -
Share This Article