જમીન કૌભાંડમાં સિદ્ધારમૈયા સામે કેસ ચાલશે

Reena Brahmbhatt
2 Min Read

બેંગ્લોર, તા. 24 : મૈસુર શહેરી વિકાસ પ્રાધિકરણના કેસમાં કર્ણાટક હાઈકોર્ટે પણ રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને ઝટકો આપીને તેમની સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. વડી અદાલતની સિંગલ બેન્ચમાંથી રાહત નહીં મળ્યા બાદ હવે સિદ્ધારમૈયા આવતીકાલે ડબલ બેન્ચ સમક્ષ અપીલ કરે તેવી શક્યતા છે.

આ ઘટનાક્રમને પગલે ભાજપે સિદ્ધારમૈયાના રાજીનામાની માંગ કરી છે તો બીજી તરફ નાયબ સીએમ ડી.કે. શિવકુમારે તેને ભાજપનું રાજકીય કાવતરું ગણાવ્યું હતું. હાઈકોર્ટે સુનાવણી દરમ્યાન જણાવ્યું હતું કે, અરજીમાં દર્શાવાયેલા મુદ્દાની તપાસ કરવાની જરૂર છે. રાજ્યપાલ કાયદાના હિસાબે કેસ ચલાવી શકે છે. ન્યાયાધીશ એમ. નાગપ્રસન્નાની ખંડપીઠે કહ્યું હતું કે, રાજ્યપાલ સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે પોતાના મગજનો પૂરો ઉપયોગ કર્યો છે માટે (મુખ્યમંત્રી સામે કેસ ચલાવવાની) રાજ્યપાલની કાર્યવાહીમાં કોઈ ખામી નથી.

- Advertisement -

court hammer

અરજીકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે, એમયુડીએએ મૈસુરના એક મહત્ત્વનાં સ્થળે મુખ્યમંત્રીના પત્નીને ગેરકાયદે 14 પ્લોટ ફાળવ્યા હતા. ભાજપના પ્રવક્તા શહબાઝ પુનાવાલાએ કહ્યું હતું કે, હવે સિદ્ધારમૈયાનો મુખ્યમંત્રી પદે રહેવાનો કોઈ નૈતિક અધિકાર રહ્યો નથી. બીજી તરફ શિવકુમારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીનાં રાજીનામાનો કોઈ સવાલ નથી. તેમણે કંઈ ખોટું કર્યું નથી. તેઓ કોઈ ગોટાળામાં સામેલ નથી. વિવાદના કેન્દ્રમાં રહેલી જમીન 3.14 એકર છે, જે સિદ્ધારમૈયાના પત્ની પાર્વતીના નામે છે. ભાજપ આ મુદ્દાને લઇને મુખ્યમંત્રી અને તેમની સરકાર પર સતત પ્રહારો કરે છે અને આ મામલે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત સિદ્ધારમૈયા વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી ચૂક્યા છે. આ નિર્ણયને સિદ્ધારમૈયાએ કોર્ટમાં પડકાર્યો હતો. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અત્યાર સુધી આ બધા આરોપોને નકારતાં રહ્યા?છે.

- Advertisement -
Share This Article