ભુજ, તા. 3 : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાલે તા. 4 ઓક્ટોબરે કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. બપોરે માંડવી ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂા.28.46 કરોડના કુલ છ કામનું ઇ-ખાતમુહૂર્ત તેમજ રૂા. 89.21 કરોડના નવ કામનું ઇ-લોકાર્પણ કરી કુલ રૂા. 117 કરોડથી વધુના વિવિધ વિકાસકામોની કચ્છવાસીઓને ભેટ આપશે. મુખ્યમંત્રીની આ મુલાકાતમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકાસિંહ જાડેજા, ધારાસભ્યો કેશુભાઇ પટેલ, પ્રદ્યુમનાસિંહ જાડેજા, વિરેન્દ્રાસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધભાઇ દવે તથા ત્રિકમભાઇ છાંગા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી શુક્રવારે બપોરે 2.30 વાગ્યે ભુજના એરપોર્ટ પર આવી હેલિકોપ્ટરથી માતાના મઢ જશે.

આશાપુરા માતાજીના દર્શન કરીને ત્યાંથી 3.30 વાગ્યે માંડવી રવાના થશે. માંડવી ખાતે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનાં સ્મારક ક્રાંતિતીર્થનું નૂતનીકરણ થયું છે, તેને ખુલ્લું મૂકશે. સાથે-સાથે તેઓ કચ્છના 117 કરોડના વિકાસકામોનું ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. માંડવીથી સાંજે 5.30 વાગ્યે મુખ્યમંત્રી પરત જશે.
દરમ્યાન, લોકાર્પણનાં કામની વિગતો એવી છે કે, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રૂા. 29.94 કરોડના ખર્ચે બનેલી માંડવી ભાગ-3 જૂથ સુધારણા યોજનાનું લોકાર્પણ, જ્યારે રૂા. 19.22 કરોડના ખર્ચે બનેલી ભુજ ભાગ-2 જૂથ સુધારણા યોજનાનું લોકાર્પણ કરશે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રૂા. 10.42 કરોડના ખર્ચે બનેલાં 66 કે.વી. ભાડિયા સબસ્ટેશનનું લોકાર્પણ કરશે, શિક્ષણ વિભાગના રૂા. 8.89 કરોડના ખર્ચે કચ્છ જિલ્લાની 13 પ્રાથમિક શાળામાં કુલ 48 નવીન ઓરડા, શાળા રિપેરિંગ અને ટોઇલેટ બ્લોક, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રૂા. 7.27 કરોડના ખર્ચે નિર્મિત 66 કે.વી. કુનરિયા સબસ્ટેશન, મહેસૂલ વિભાગના રૂા. 7.12 કરોડના ખર્ચે ભુજ ખાતે નવીન પ્રાંત અને મામલતદાર (શહેર) કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂા. 4.2 કરોડના ખર્ચે બનેલાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર-જનાણ, રૂા. 1.09 કરોડના ખર્ચે બનેલાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-અંજાર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-મોટા કાંડાગરાનું લોકાર્પણ કરવામાં આવશે. રૂા. 8.16 કરોડના ખર્ચે બનેલાં ભુજ ખાતે મોડલ ફાયર સ્ટેશન, રૂા. 6.98 કરોડના ખર્ચે બન્ની જૂથ પાણી પુરવઠા યોજનાનું સુદૃઢીકરણ, માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા રૂા. 6.05 કરોડના ખર્ચે ગઢશીશા-મંગવાણા-યક્ષ રસ્તો, મોથાળા-કોઠારા રસ્તાના એક કિ.મી.નું મજબૂતીકરણ, રૂા. 2.92 કરોડના ખર્ચે ભુજ ખાતે મહેસૂલ વિભાગના ડી-1 કક્ષાના છ ક્વાર્ટર, રૂા. 1.35 કરોડના ખર્ચે કચ્છ જિલ્લાના માનપુરા અને આણંદપર-યક્ષ પ્રાથમિક શાળાના કુલ નવ નવીન ઓરડાનું ઇ-ખાતમુહૂર્ત પણ કરશે.

