નવી દિલ્હી, તા.14 : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પડઘમ તેમ જ આચારસંહિતા કોઇપણ ઘડીએ લાગુ થાય એ શકયતા જોઇને રાષ્ટ્રીય મોટા પક્ષો ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી પૂર્વેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહારાષ્ટ્રના મોટા નેતાઓ અને કેન્દ્રમાં બેઠેલા પક્ષ શ્રેષ્ઠીઓ વચ્ચે સોમવારે ચૂંટણી પૂર્વેના ભાગરૂપે બેઠક વ્હેંચણી, ચૂંટણી પ્રચાર અંગે બેઠક યોજાઇ હતી. ભાજપની વાત કરીએ તો હરિયાણાના પરિણામ બાદ તેનું વર્ચસ સાથી પક્ષોમાં વધી ગયુ છે અને હાલ તે મોટા ભાઇની ભૂમિકામાં છે.
જ્યારે કોંગ્રેસને હરિયાણામાં મળેલા પરાજય બાદ તે હવે નવી રણનીતિ સાથે મહારાષ્ટ્રમાં જીત હાંસલ કરવા ઉત્સુક છે. કોંગ્રેસ પોતાની રણનીતિમાં ફેર વિચાર કરીને મહારાષ્ટ્રના મહત્વના જિલ્લાઓમાં વિજય મેળવવા તત્પર છે. તે મહાવિકાસ આઘાડીના સાથી પક્ષો સાથે જ ચૂંટણી મેદાનમાં ઉતરવાની છે. સૂત્રો અનુસાર સોમવારે કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં તેમણે વિધાનસભા ચૂંટણી અંગે પક્ષની તૈયારીઓનો જાયજો લીધો હતો. બેઠકમાં પક્ષના પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે, મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ નાના પટોલે, મહારાષ્ટ્રના વિપક્ષી નેતા વિજય વડેટ્ટીવાર, સચિવ કે.સી.વેણુગોપાલ, પૃથ્વીરાજ ચવ્હાણ, બાળાસાહેબ થોરાત, વર્ષા ગાયકવાડ અને રમેશ ચેન્નિથલા હાજર રહ્યા હતા. હરિયાણા ચૂંટણીમાં કયાં ભૂલ થઇ એ અંગે પણ ચર્ચા થઇ હતી. ભાજપે કઇ રીતે પોતાની હારને જીતમાં ફેરવી તે અંગે વિસ્તૃત વાતો થઇ હતી.
આ બેઠક બાદ નાના પટોલેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં યોજાનાર આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષની બેઠક પાર પડી હતી. આ બેઠકમાં ભાજપ અને તેના સાથી પક્ષોને કઇ રીતે હરાવવા એ અંગેની રણનીતિ પક્ષે નક્કી કરી છે. મહાવિકાસ આઘાડી બેઠક વ્હેંચણી કરશે અને ચૂંટણીમાં 288 વિધાનસભા બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. કોંગ્રેસ પોતાના તરફથી કોઇપણ મુખ્યપ્રધાનનો ચહેરો જાહેર કરવા માગતી નથી કારણ કે તેની અસર તેમના પ્રચાર અભિયાન ઉપર પડી શકે એમ છે એમ વધુમાં પટોલેએ ઉમેર્યુ હતું.
સૂત્રો અનુસાર કોંગ્રેસ મહારાષ્ટ્રમાં 100-110 બેઠકો ઉપરથી લડવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસવતી ટિકિટ મેળવવા 1,800થી વધુ ઉમેદવારો કતારમાં છે, સૌથી વધુ અરજીઓ મરાઠવાડા અને વિદર્ભથી આવી છે. બીજી તરફ ભાજપે પણ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના દિલ્હી મુખ્યાલયમાં મહારાષ્ટ્ર કોર ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, જે પી નડ્ડા સહિત તમામ રાષ્ટ્રીય નેતાઓ સામેલ હતા. મહારાષ્ટ્રમાં ગઠબંધન અને ઉમેદવારો અંગે આ બેઠકમાં ચર્ચા કરાવામાં આવી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રના નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ, ચંદ્રશેખર બાવનકુળે, આશિષ શેલાર હાજર રહ્યા હતા. ભાજપ મહારાષ્ટ્રમાં લગભગ 160 બેઠકો ઉપરથી લડવાની તૈયારી કરી રહ્યુ છે.

