અમદાવાદ, તા. 26 : દિવાળી પહેલા ગુજરાત એટીએસએ પોરબંદરમાં મોટી કાર્યવાહી કરી છે. કોસ્ટગાર્ડ સહિત દરિયાઇ સુરક્ષા એજન્સીની પાકિસ્તાન માટે જાસૂસી કરતા પંકજ કોરિયા નામના એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. હાલ આ જાસૂસની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેટલાક મોટા ખુલાસા થઇ શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદરનો રહેવાસી પંકજ છેલ્લા કેટલાક સમયથી કોઇ પાકિસ્તાની આર્મી કે જાસૂસ સંસ્થા આઇએસઆઇના કોઇ અધિકારી કે એજન્ટ સાથે સંપર્કમાં છે અને પોરબંદર કોસ્ટગાર્ડ જેટી તથા જેટી પરની ભારતીય કોસ્ટગાર્ડની બોટો અંગેની સંવેદનશીલ માહિતી પોતાના મોબાઇલ ફોનમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી મોકલતો હતો અને તેની સામે આર્થિક લાભ પણ મેળવતો હતો. એટીએસ દ્વારા આરોપીને અમદાવાદ લાવીને પૂછપરછ કરતા જાણવા મળ્યુ છે તે તમાકુ પાકિંગનું કામ કરે છે.
તેમજ છેલ્લા એકાદ વર્ષથી પોરબંદર જેટી પર કોસ્ટગાર્ડની શીપ પર વેલ્ડીંગ તથા અન્ય પરચૂરણ મજૂરી કામ માટે હેલ્પર જતો હતો. વધુમાં તે રિયા નામની એક મહિલા સંપર્કમાં આવ્યો હતો અને તે યુવતી પાકિસ્તાની નૌકાદળમાટે કામ કરતી હોવાનું પંકજને જણાવ્યું હતુ. તેમજ તેણે પંકજને આર્થિક લાભની પણ લાલચ આપી હતી. તેથી તેણે યુવતીએ માંગેલ પોરબંદરની જેટી પર હાજર હોય તેવી શીપના નામ, કોસ્ટગાર્ડના જહાજના લોકેશનની માહિતી છેલ્લા આઠેક મહિના દરમિયાન આપી હતી.
રિયા નામની આ યુવતીએ આ માહિતી બદલ પંકજને આજ દિન સુધીમા રૂ. 26 હજાર જેટલી રકમ અલગ અલગ યુપીઆઇથી પંકજ કોટીયાના એકાઉન્ટમાં જમા કરાવી હતી. વધુમાં રિયાએ પંકજ કોટીયા સાથે ચેટ દ્વારા વાતચીત કરી હતી તેમાં તથ્ય હોવાનું જાણવા મળ્યુ છે. એટલુ જ નહી આ વ્હોટ્સએપ એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ થતુ હોવાનું ખુલ્યુ છે. આ પ્રકારની સંવેદનશીલ માહિતી જો પાકિસ્તાન જેવા દેશ માટે જાસૂસી કરી રહેલ એજન્ટને મળે તો તે ભારત દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સલામતી માટે જોખમરૂપ સાબિત થઇ શકે છે. ત્યારે પોલીસની પૂછપરછ હજુ પણ ચાલુ છે ત્યારે મોટા ખુલાસાઓ સામે આવી શકે છે.

