નવી દિલ્હી, તા.27 : `ડિજિટલ અરેસ્ટ’ના વધતા જતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે `થોભો, વિચારો અને પગલાં લો’નો મંત્ર દેશવાસીઓને આપ્યો હતો અને છેતરપિંડીથી બચવા માટે વધુમાં વધુ જાગૃતિ ફેલાવવા હાકલ કરી હતી. આકાશવાણીના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 150મા એપિસોડમાં વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે દેશમાં સર્જનાત્મક ઊર્જાની લહેર છે અને એનિમેશનની દુનિયામાં ‘મેડ ઈન ઈન્ડિયા’ અને ‘મેડ બાય ઈન્ડિયન્સ’નું પ્રભુત્વ છે.
તેમણે કહ્યું કે ભારત એનિમેશનની દુનિયામાં નવી ક્રાંતિના માર્ગ પર છે . `ગામિંગ સેક્ટર’ પણ વિસ્તરી રહ્યું છે અને વિશ્વમાં લોકપ્રિય બની રહ્યું છે. વડાપ્રધાને એમ પણ કહ્યું કે આત્મનિર્ભર બની રહેલું ભારત દરેક ક્ષેત્રમાં કમાલ કરી રહ્યું છે. `ડિજિટલ અરેસ્ટ’ સંબંધિત છેતરાપિંડી કરનાર અને પીડિત વચ્ચેની વાતચીતનો વીડિયો પણ પીએમ મોદીએ શેર કર્યો અને કહ્યુ હતું કે કોઈ પણ એજન્સી ન તો ધમકી આપે છે, ન તો વીડિયો કોલ પર પૂછપરછ કરે છે, ન પૈસાની માંગણી કરે છે.

