વડોદરા/સુરત, તા. 27 : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે ગુજરાતની મુલાકાતે આવશે. બંને આવતીકાલ 28 ઓક્ટોબરના વડોદરા ખાતે ટાટા એડવાંસ્ડ સિસ્ટમ્સ લિ.ની ફાઇનલ એસેમ્બ્લી લાઇન (એફએએલ), જે એક ઈ-295 વિમાન ઉત્પાદન સુવિધા છે, તેનું ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ઘાટન ભારતના સંરક્ષણ સંસાધનોના ઉત્પાદન ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ છે. વધુમાં, આ કાર્યક્રમ ભારત અને સ્પેન વચ્ચેના સંબંધોને પણ વધુ મજબૂત બનાવે છે.
મોદી-સાંચેઝની મુલાકાત માટે વડોદરાને શણગારવામાં આવ્યું છે. આ સિવાય પીએમ અમરેલીથી ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પરિયોજના દેશને સમર્પિત કરવાની સાથે 4800 કરોડથી વધુનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સપ્ટેમ્બર 2021માં ભારતે ભારતીય વાયુસેનાના જૂના એવીઆરઓ કાફલાને બદલવા માટે 56 ઈ-295 એરક્રાફ્ટ્સના અધિગ્રહણ માટેની ઔપચારિકતા હાથ ધરી હતી. પીએમ મોદી સ્પેનના પીએમ સાંચેઝ સાથે મળીને ટાટા એડવાંસ્ડ લિમિટેડ (ટીએએસએલ) કેમ્પસમાં સી-295 એરક્રાફટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફટ કોમ્પ્લેકસનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે. સી-295 પ્રોગ્રામ હેઠળ કુલ 56 એરક્રાફટ કોમ્પ્લેકસનું સંયુકતપણે ઉદ્ઘાટન કરશે. સી-295 પ્રોગ્રામ હેઠળ કુલ 56 એરક્રાફટ છે, જેમાંથી 16 વિમાન સીધા સ્પેનથી એરબસ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યા છે અને બાકીના 40 વિમાન ભારતમાં બનાવવાના છે.
ટાટા ઉપરાંત ભારત ઇલેકટ્રોનિકસ લિમિટેડ અને ભારત ડાયનામિકસ લિમિટેડ જેવા સંરક્ષણ જાહેર ક્ષેત્રના અગ્રણી એકમો તેમજ ખાનગી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો આ કાર્યક્રમમાં ફાળો આપશે. ઉદ્ઘાટન બાદ બંને નેતાઓ ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લેશે, જ્યાં તેઓ વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે. આ દરમિયાન ભારત અને સ્પેન વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ અમરેલી જિલ્લા ખાતે 4800 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના લગભગ 1600 જેટલાં વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 705 કરોડનાં પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત વડાપ્રધાન ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ 1094 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યો છે. આ સેક્શનમાં 24 મેજર અને 254 માઇનર બ્રિજ સામેલ છે તેમજ 3 રોડ ઓવરબ્રિજ અને 30 રોડ અંડરબ્રિજનો પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ ખૂબ જ ફાયદાકારક છે, જે રાજ્યના કચ્છ જિલ્લાના સામાજિક-આર્થિક વિકાસને વેગ આપશે.

