ઈમ્ફાલ, તા. 11 : મણિપુરમાં સોમવારે મોટી સફળતા મેળવતાં સુરક્ષા દળોએ કમસેકમ 11 કૂકી આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ ઉગ્રવાદીઓએ આજે બપોરે જિરીબામના બારોબેકરા સ્થિત સીઆરપીએફ કેમ્પ પર હુમલો કર્યો હતો. સીઆરપીએફના જવાનોએ જડબાંતોડ જવાબ આપતાં 11 ઉગ્રવાદીને ફૂંકી માર્યા હતા. સામસામાં ઘર્ષણમાં એક જવાન ઘાયલ થયો હતો. માર્યા ગયેલા કૂકી આતંકવાદીઓ પાસેથી ચાર એસએલઆર, ત્રણ એકે-47, એક ગ્રેનેડ સહિત મોતની સામગ્રી કબજે કરાઈ હતી.
હકીકતમાં સોમવારની સવારે કૂકી આતંકવાદીઓએ કિસાનો પર લગાતાર ત્રીજા દિવસે હુમલો કરતાં તેમાં એક કિસાન ઘાયલ થઈ ગયો હતો. સુરક્ષા દળો તરત જ ધસી ગયા હતા અને પહાડી વિસ્તારામં હુમલો કરનાર આતંકીઓને જડબાંતોડ જવાબ આપતાં વળતો ગોળીબાર કર્યો હતો. ઈજાગ્રસ્ત થયેલા જવાનને હેલિકોપ્ટરથી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, તો ઘાયલ કિસાનને યાગાંગપોકપી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવાયો હતો. જ્યાં સી.આર.પી.એફ.ની છાવણી ઊભી કરાઈ છે.
તે જિરીબામના પોલીસ સ્ટેશન પર તાજા દિવસો દરમ્યાન અનેકવાર હુમલો થઈ ચૂક્યો છે. જિરીબામ પોલીસ સ્ટેશન તેમજ સીઆરપીએફ કેમ્પ પર નિશાન સાધતાં કૂકી આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યાનુસાર વિસ્ફોટકો અને આધુનિક શત્રોથી સજ્જ આતંકવાદીઓ સૈનિકો જેવા પોષાકમાં આવ્યા હતા. માર્યા?ગયેલા આતંકવાદીઓના મૃતદેહો બોરોબેકરા પોલીસ સ્ટેશનમાં રખાયા હતા. દરમ્યાન, પોલીસ સ્ટેશન પર હુમલો કર્યા બાદ આતંકવાદી ત્યાંથી એક કિલોમીટર દૂર જકુરાડોર કચેંગમાં એક નાનકડી વસાહત તરફ ભાગ્યા હતા અને કેટલાંક ઘરોને આગ ચાંપી હતી. ભય સાથે ભાગદોડ મચી હતી, જેમાં પાંચ લોકો લાપતા થયા હતા, જેમનું આતંકીઓએ અપહરણ કર્યું હોવાની આશંકા છે. છેલ્લાં દોઢ વર્ષથી મણિપુરમાં જારી હિંસા દરમ્યાન 237થી વધુ મોત થઈ ચૂક્યાં છે, તો 60 હજારથી વધુ લોકો પોતાનાં ઘર છોડી, રાહત શિબિરોમાં રહેવું પડી રહ્યું છે.

