કાચા તેલની કિંમતોમાં થયેલો ઘટાડો, વિદેશી રોકાણકારોનો ભારતીય બજારો પર વધતો ભરોસો,

newzcafe
6 Min Read

શેર-સોનામાં તેજીનો ચમકારો


શેર-સોનામાં તેજીનો ચમકારો 


મોંઘવારી આઠ માસની ટોચે


 


મુંબઈ, તા. 14 : કાચા તેલની કિંમતોમાં થયેલો ઘટાડો, વિદેશી રોકાણકારોનો ભારતીય બજારો પર વધતો ભરોસો, ભારતીય વિદેશી મુદ્રાભંડારમાં થયેલો વધારો અને ફેડે સતત ત્રીજીવાર વ્યાજદરોમાં કોઈ ફેરફાર ન કર્યો જેવા તમામ હકારાત્મક પાસાના બળે આજે શેરબજારોમાં આવેલી તોખાર સમી તેજીના કારણે સેન્સેક્સ 1,027 અંક વધીને અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી 70,602.89ને અડયો હતો, જે બાદમાં 929.60 પોઈન્ટ (1.34 ટકા) વધી 70,514.20 પર બંધ થયો હતો, તો નિફ્ટી ઉચ્ચતમ સપાટી 21,210.90ને સ્પર્શ્યા બાદ 256.35 પોઈન્ટ (1.23 ટકા) વધીને 21,182.70ના સ્તરે બંધ થયો હતો. બેન્ક નિફ્ટી 640.05 પોઇન્ટ (1.36 ટકા) વધીને 47.732.30 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. ઉછાળાના કારણે રોકાણકારોની મૂડીમાં ચાર લાખ કરોડનો વધારો નોંધાઈ બજાર મૂડી સર્વોચ્ચ 365.12 લાખ કરોડ રહી હતી. ચાલુ વર્ષે શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી. વર્ષની શરૂઆતે સેન્સેક્સ 61,167 હતો, જે અત્યાર સુધી 15 ટકા એટલે કે 9347 અંકનો ઉછાળો નોંધાઈ 70,514 પર બંધ થયો હતો. 


 


શેરબજારના નિષ્ણાતોનું માનીએ તો આ તેજી આગળ પણ ચાલુ રહેશે તેવો વર્તારો મળી રહ્યો છે. અત્યારે જ્યારે ભારતીય રોકાણકારો નવા આઈપીઓમાં પુષ્કળ નાણાં ઠાલવી રહ્યા છે ત્યારે ફેડના નિર્ણયના કારણે હવે ભારતમાં પુષ્કળ વિદેશી રોકાણ આવશે. પાછલા બે-ત્રણ સત્રમાં બજાર દિશાવિહીન હતું પરંતુ હવે ભારતીય બજારોને સ્પષ્ટ દિશાનિર્દેશ મળ્યો છે. એટલે બજારમાં અવારનવાર શાનદાર અને દમદાર તેજીના દર્શન થાય તો નવાઈ નહીં. દેશમાં તાજેતરની કેટલીક વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો તેથી વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો હતો અને તેમણે ડિસેમ્બરમાં રૂા. 16,923 કરોડના શૅરની ખરીદી કરી હતી. ભારતીય વિદેશી મુદ્રાભંડારમાં વધારો થઈ 604 અબજ ડોલર પર પહોંચ્યો હતો. રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે ગઈકાલે જણાવ્યું હતું કે, અમેરિકી ટ્રેઝરી યીલ્ડ અને અમેરિકી ડોલર મજબૂત હોવા છતાં 2023માં ભારતીય રૂપિયો અન્ય ચલણ કરતાં વધુ સ્થિર રહ્યો હતો સાથે જ વિદેશી રોકાણકારોએ પણ ભારતની અર્થવ્યવસ્થા પર વિશ્વાસ વધારતી ખરીદી કરી હતી તેમ દાસે કહ્યું હતું. અમેરિકન ફેડે વૈશ્વિક બજારોને આનંદદાયક આંચકો આપ્યો હતો. ફેડે જણાવ્યું હતું કે તેઓ ધાર્યા કરતાં વહેલો વ્યાજદર ઘટાડી શકે.


 


 ફેડના નિવેદનની રાહ જોઈ રહેલા વૈશ્વિક બજારોએ ફેડના વલણને વધાવી લીધું હતું. બજાર શરૂઆતથી જ મજબૂત ખુલ્યાં હતાં અને સમગ્ર સત્રમાં તેજીની તડાફડી ચાલુ રહી હતી. મંદીવાળાને જરા પણ મોકો આપ્યા વિના બજાર સડસડાટ વધતાં ગયાં હતાં. આજે આઈટી અને બેન્કિંગ શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી. ઈન્ફોસિસનો શેર 3.93 ટકા અને ટેક મહિન્દ્રાનો શેર 3.67 ટકા વધ્યા હતા. સેન્સેક્સના 30 શેરમાંથી 23માં ઉછાળો અને સાતમાં ગાબડું પડયું હતું. બીએસઈ પર ડીએલએફ, ઇન્ડસઇન્ડ બૅન્ક, સેઇલ, ગોદરેજ પ્રોપર્ટીઝ, શ્રીરામ ફાઇનાન્સ, એન્જિનિયર્સ ઇન્ડિયા, મન્નાપુરમ ફાઇનાન્સ, માઇન્ડટ્રી, એચસીએલ ટેક્નૉ, ગેઇલ, બજાજ ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ બૅન્ક, હિંડાલ્કો, આઈઆરસીટીસી,  ગ્લેન્ડ ફાર્મા, કન્ટેનર કૉર્પોરેશન, પીએનબી, ટીવીએસ મોટર, તાતા એલેક્ષી, એનએચપીસી, અદાણી પોર્ટ, એલએન્ડટી, એમઆરએફ, બજાજ અૉટો,  બૅન્ક અૉફ બરોડા, આરઈસી વગેરે શેરના ભાવ બાવન સપ્તાહની ઊંચાઈ પર ઝૂલતા હતા.


 


સુવર્ણમાં 1200, ચાંદીમાં 2796 રૂપિયાનો ઉછાળો


 


નવી દિલ્હી, તા. 14 : વૈશ્વિક અને ભારતીય શેરબજારોમાં આવેલી તેજીની સાથોસાથ આજે કિંમતી ધાતુ સોના-ચાંદીના ભાવોમાં પણ ઉછાળો આવ્યો હતો. સોનામાં 1253 અને ચાંદીમાં 2796 રૂપિયો વધ્યા હતા. એક મીડિયા હેવાલ અનુસાર, ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશને જણાવ્યું હતું કે, 10 ગ્રામ સોનામાં 1253 રૂપિયા વધી 62,454 થયા હતા. ગત 4 નવેમ્બરના સોનામાં સર્વોચ્ચ સપાટી જોવા મળી હતી અને પ્રતિ દસ ગ્રામ સોનાના ભાવ 63,805 થયા હતા. બીજી બાજુ ચાંદીમાં પણ 2796 રૂપિયા વધી 73,694 રૂા. પ્રતિ કિલો ગ્રામ પર પહોંચી હતી. આ પહેલાં કિંમત રૂા. 70898 હતી. ગત નવેમ્બરમાં ચાંદી 77 હજારને પાર થઈ હતી. વર્ષ-2023ની શરૂઆતમાં સોનું 54,867 રૂા. પ્રતિ દસ ગ્રામ હતું. એ જોતાં અત્યાર સુધી કનકમાં 14 ટકાનો વધારો થયો છે, તો ચાંદી પણ વર્ષારંભે 68,092 હતી, જે પણ 73,694ને સ્પર્શી ગઈ હતી. 


 


ખાવા-પીવાની ચીજો મોંઘી  થતાં જથ્થાબંધ ફુગાવો શૂન્યથી ઉપર 0.26 ટકા


 


નવી દિલ્હી, તા. 14 : ખાવા-પીવાની સામગ્રીઓની કિંમતો વધતાં જથ્થાબંધ મોંઘવારી નવેમ્બરમાં વધીને 0.26 ટકા પર પહોંચી ગઇ?છે. સાત મહિના બાદ શૂન્યથી ઉપર જઇને મોંઘવારી દર કુલ આઠ મહિનાની ટોચ પર ગયો છે. ખાદ્ય મોંઘવારીનો દર ઓક્ટોબરની તુલનામાં 1.07 ટકાથી વધીને 4.69 ટકા પર પહોંચી ગયો છે. રોજિંદી જરૂરતનો મોંઘવારી દર 1.82 ટકાથી વધીને 4.76 ટકા થઇ ગયો છે. બીજી તરફ ઇંધણ અને વીજળીનો મોંઘવારી દર ઘટીને માઇનસ 2.4માંથી માઇનસ  4.61 ટકા થઇ?ગયો છે, તેવું  વાણિજ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું. ઉત્પાદિત વસ્તુઓની મોંઘવારી માઇનસ 1.13 ટકામાંથી વધીને માઇનસ 0.64 ટકા થઇ હોવાનું મંત્રાલયના આંકડા પરથી જાણવા મળે છે. અગાઉ સરકારે 12 ડિસેમ્બરના જારી કરેલા આંકડા અનુસાર ભારતમાં છૂટક મોંઘવારી ત્રણ મહિનાના ઘટાડા બાદ નવેમ્બરમાં વધીને 5.55 ટકા પર પહોંચી ગઇ છે.શાકભાજી અને ફળોની કિંમતોમાં વધારો થવાનાં કારણે છૂટક મોંઘવારી દર વધ્યો હતો. નવેમ્બરમાં ડુંગળીના ભાવ 58 ટકા, ટમેટાંના 35 ટકા, બટેટાના ભાવ બે ટકા વધ્યા હતા. નવેમ્બરમાં ખાદ્ય પદાર્થો, ખનિજ, મશીનરી, ઉપકરણ, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક્સ, ઓપ્ટિકલ ઉત્પાદનો, વાહનોની કિંમતો વધતાં મોંઘવારી એક વર્ષ પહેલાંની તુલનાએ 0.26 ટકા વધી છે.

Share This Article