નવી દિલ્હી, તા. 23 : શેરબજારમા ગુરુવારે તોફાની તેજી નોંધાઈ હતી અને સેન્સેક્સ તથા નિફ્ટીએ ઈતિહાસ રચી દીધો છે. બીએસઈ સેંસેક્સ 1196.98 અંકની મોટી છલાંગ સાથે વિક્રમી 75,418.04 ઉપર, એનએસઈ નિફ્ટી પણ 369.85 અંક ઉછળીને 22,967.65 અંકના ઉચ્ચ શિખરે પહોંચ્યા હતા અને રોકાણકારોની મૂડીમાં રૂા. 4.28 લાખ કરોડનો વધારો નોંધાયો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સરકારને અત્યારસુધીના સૌથી વધારે 2.11 લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ મંજૂર કરવામાં આવ્યું છે.
આ અહેવાલ સામે આવ્યા બાદ શેરબજાર ઉપર સીધી અસર પડી છે. બન્ને સૂચકાંક બીએસઈ અને એનએસઈમાં ગુરુવારે તેજી જોવા મળી હતી. જ્યારે એનએસઈ નિફ્ટી સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી હતી. એનએસઈમાં નોંધાયેલી કંપનીઓની બજારમૂડી પાંચ ટ્રિલિયન ડોલરને પાર થઈ ગઈ હતી.

ગુરૂવારના કારોબારી સત્રમાં સેંસેક્સ 1196.98 અંકના વધારા સાથે 75418.04એ બંધ થયું હતું. જ્યારે નિફ્ટી 354.66 અંકના ઉછાળા સાથે 22967.65એ બંધ આવી હતી. શેરબજારમાં વિકલી એક્સપાયરીના દિવસે પ્રાઈવેટ બેંકના શેરમા મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પ્રાઈવેટ બેંક ઈન્ડેકસ ગુરુવારે 473.80 અંક ઉછળીને 24203.95ના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી બેંક ઈન્ડેક્સમાં 986.65 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. શેરબજારમાં તેજી વચ્ચે સૌથી વધારે ઉછાળો કોચિન શિપયાર્ડના શેરમાં આવ્યો હતો અને બપોરે 12.30 વાગ્યા સુધીમાં 11.25 ટકાની વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો હતો.
આ ઉપરાંત શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો શેર પણ 10 ટકાની વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો છે. એક તરફ આઈઆરએફસીમા 8 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તો બીજી તરફ આરવીએનએલ સ્ટોકમાં પણ 8 ટકાની વૃદ્ધિ જોવા મળી રહી હતી. સૌથી વધારે ભાગનારા 10 શેરની વાત કરવામાં આવે તો તેમાં ગૌતમ અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઈઝેઝ સામેલ છે. આ ઉપરાંત મઝગાંવ ડોક, ભારત ડાયનેમિક, જીયો ફાયનાન્સિલય સર્વિસ, અદાણી પાવર વગેરેના શેર સામેલ હતા.

