Ahmedabad Railway Station AC Waiting Room: મફતવાળા એસી વેઇટિંગ રૂમની સુવિધા માટે રેલવેએ શુલ્ક લગાવીને માત્ર બે મહિનામાં મુસાફરો પાસેથી ૨૫ લાખ રૂપિયા વસૂલ્યા!

Arati Parmar
3 Min Read

Ahmedabad Railway Station AC Waiting Room: રેલ મુસાફરોને સુવિધા આપવાના બહાને, મોદી સરકારે માત્ર બે મહિનામાં આપણી પાસેથી ૨૫ લાખ રૂપિયા લૂંટી લીધા છે. અને આ વાત સ્વયં ભારતીય રેલવે દ્વારા સ્વીકારવામાં આવી છે, જોકે રેલવેએ આ વાત પોતાની સિદ્ધિ તરીકે રજૂ કરી છે. જ્યાં પહેલા તમે મુસાફર તરીકે મફતમાં બેસી શકતા હતા, હવે ત્યાં એક કલાકના હિસાબે તમારે ૨૦ રૂપિયા આપવા પડી રહ્યા છે. અમદાવાદ રેલવે સ્ટેશને સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે, મફત સુવિધાને શુલ્કબદ્ધ કરીને તેમણે માત્ર બે મહિનામાં એક લાખ મુસાફરો પાસેથી ૨૫ લાખ રૂપિયા મેળવ્યા છે.

રેલવેએ દાવો કર્યો છે કે, અમદાવાદ રેલવે સ્ટેશનના આધુનિક એસી પ્રતીક્ષાલયને મુસાફરોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. રેલવેએ કહ્યું છે કે, પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે આધુનિક વાતાનુકૂલિત (એસી) પ્રતીક્ષાલયને ઉન્નત અને સુવ્યવસ્થિત રીતે સંચાલિત કરવામાં આવી રહ્યું છે. આ એસી પ્રતીક્ષાલય ૩૯૪ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. તેનું સંચાલન મેસર્સ ક્વોલિટી કેટરર્સ, ઇસ્ટ દિલ્હી દ્વારા કરાર હેઠળ કરવામાં આવી રહ્યું છે. કરારમાં પ્રતીક્ષાલયનું નવીનીકરણ, જાળવણી, સ્વચ્છતા, પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા સંચાલન અને મુસાફરો પાસેથી નિર્ધારિત વપરાશ શુલ્કની વસૂલાત સામેલ છે.

- Advertisement -

પૈસા આપીને વળી કોણ ખુશ હોઈ શકે? રેલવેએ દાવો કર્યો છે કે, ૨૬.૧૧.૨૦૨૫ થી ૧૮.૦૨.૨૦૨૬ ના સમયગાળા દરમિયાન ૧,૦૦,૦૦૦ થી વધુ મુસાફરોએ એસી પ્રતીક્ષાલયની સુવિધાનો લાભ લીધો, જેનાથી અંદાજે ₹૨૫,૦૦,૦૦૦/- ની વપરાશ શુલ્ક આવક પ્રાપ્ત થઈ છે. આ આંકડા આ સુવિધાની લોકપ્રિયતા અને ઉપયોગિતાને સ્પષ્ટપણે દર્શાવે છે.

મફતની જગ્યાએ પૈસા લઈને અમદાવાદ રેલવેના એસી વેટિંગ હોલમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. જેમાં કુલ ૨૫૦ મુસાફરો માટે આરામદાયક બેસવાની ક્ષમતા છે. ચુકવણી કર્યા પછી અહીં પીવાનું પાણી અને રિફ્રેશમેન્ટ સ્ટોલ છે, જ્યાં હોટ અને કોલ્ડ બેવરેજ, સ્નેક્સ, લાઈટ મીલ, બ્રેકફાસ્ટ, ડેઝર્ટ અને બેકરી આઈટમ્સ ઉપલબ્ધ છે જેમ કે- ફ્લેવર્ડ ટી/ટી બેગ ચા, કોફી, સૂપ, લસ્સી, ઇડલી-વડા સાંભર, વેજ બિરયાની, સમોસા, કચોરી, વેજ પનીર બર્ગર વગેરે. સેલ્ફ-ડિસ્પેન્સિંગ મશીન દ્વારા બિન-માદક પીણાંની ઉપલબ્ધતા પણ છે. મુસાફરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ટ્રાવેલ ડેસ્ક સુવિધા પણ બનાવવામાં આવી છે. સમાચાર પત્રો, સામયિકો, પુસ્તકો, ટોયલેટરીઝ અને ઓટીસી દવાઓના વેચાણની સાથે સાથે પુરુષ અને મહિલા મુસાફરો માટે અલગ અને સ્વચ્છ શૌચાલય તથા સ્નાનગૃહની વ્યવસ્થા છે. સ્નાનગૃહમાં ગરમ પાણી ઉપલબ્ધ કરાવવા માટે ગીઝરની સુવિધા અને મોબાઈલ તથા ઈલેક્ટ્રોનિક ઉપકરણો માટે પર્યાપ્ત ચાર્જિંગ પોઈન્ટ્સ પણ લગાવવામાં આવ્યા છે, જે પહેલા પણ ઉપલબ્ધ હતા.

- Advertisement -
Share This Article