19મી નવેમ્બર રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વકપ ફાઇનલ
Saturday, 18 November 2023
19મી નવેમ્બર રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વકપ ફાઇનલ
અમદાવાદ, તા. 17 : દેશ આખાની મીટ અમદાવાદના વિશાળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર મંડાઈ છે. 19મી નવેમ્બર રવિવારે સવા લાખ દર્શકો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો અને સેલિબ્રિટીઓની હાજરીમાં ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ મહાસંગ્રામનો ફાઈનલ મુકાબલો ખેલાશે. જબરદસ્ત ફોર્મમાં મહાલી રહેલી સંતુલિત અને આક્રમક રોહિતસેના વિશ્વકપ વિજય સાથે 2003ની ફાઈનલની હારનો હિસાબ ચૂકતે કરવા આતુર છે. લાગલગાટ દસ મેચ જીતી ચૂકેલા ભારતે 1પમીએ મુંબઈમાં રમાયેલી પહેલી સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 70 રને હાર આપીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો, તો ઓસિએ 16મીના કોલકાતામાં ખેલાયેલી બીજી સેમિ ફાઈનલમાં ચોકર્સ દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટે પરાસ્ત કરીને અંતિમ જંગમાં એન્ટ્રી કરી છે. ટીમ ઈન્ડિયાની નેટ પ્રેક્ટિસ જોતાં ફાઈનલ માટેની પીચ સ્પિનરોને વધુ મદદ કરશે તેવી અટકળો ફેલાયેલી છે અને જો ખરેખર એવું હશે તો ટીમમાં ત્રીજા સ્પિનર તરીકે આર. અશ્વિનને સ્થાન મળી શકે છે. પ્રથમ સેમિ ફાઈનલમાં રનમશીન વિરાટ કોહલીએ પ0મી અફલાતૂન સદી ફટકારીને મહાન સચિન તેંડુલકરના 49 શતકના વિશ્વવિક્રમને તોડયો હતો તો મેન ઓફ ધ મેચ મોહમ્મદ શમીની આગ ઝરતી બોલિંગનો સિલસિલો આગળ વધ્યો હતો અને તેણે પ2 રનમાં સાત વિકેટ ખેરવીને ભારતની જીત નિશ્ચિત બનાવી હતી. ફાઈનલને લઈને અમદાવાદમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ફાઈનલ દરમ્યાન સૂર્યકિરણ ટીમનો એર શો, બોલીવૂડના સંગીતકાર પ્રીતમ અને ગુજરાતના લોકગાયક આદિત્ય ગઢવીનું પરફોર્મન્સ આકર્ષણ જમાવશે. ફાઈનલને લઈને તમામ હોટેલો ફુલ થઈ ગઈ છે. હોટેલો અને વિમાની કંપનીઓએ બેફામ ભાવવધારા સાથે લૂંટ ચલાવી છે. ફાઈનલ મેચમાં મોદી ઉપરાંત ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચાર્ડ માર્લ્સ હાજર રહેશે ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, ટોચના ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, મહેન્દ્રસિંહ ધોની, ફિલ્મ કલાકારો વગેરે હાજર રહે તેવી પણ શક્યતા છે. ભારતીય ટીમનું ગુરુવારે મોડી સાંજે અમદાવાદમાં આગમન થયું હતું અને ટીમે આજે સારી નેટ પ્રેક્ટિસ કરી હતી, જ્યારે ઓસિ ટીમ આજે મોડેથી અમદાવાદ પહોંચી હતી. ફાઈનલ મેચ માટે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનોને આમંત્રણ અપાયું છે. તેની સાથે કપિલ દેવ, ધોની, સેહવાગ, સચિન સહિતના દિગ્ગજ ક્રિકેટરો હાજરી આપશે. આ સિવાય અમિતાભ બચ્ચન, રજનીકાંત, વેન્કટેસ, નાગાર્જૂન અને રામચરણને પણ આ મેચ જોવા આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. મેચ પહેલા એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ પણ 10 મિનીટ સુધી પોતાનો કમાલ દેખાડશે.
