બેટસમેન ફરી નિષ્ફળ : સેન્ચુરિયનમાં શરમજનક હાર

newzcafe
3 Min Read

દ. આફ્રિકાની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતવાનું ભારતીય ટીમનું સપનું રોળાયું


દ. આફ્રિકાની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતવાનું ભારતીય ટીમનું સપનું રોળાયું 


 


બેટસમેન ફરી નિષ્ફળ : સેન્ચુરિયનમાં શરમજનક હાર


 


સેન્ચૂરિયન, તા. 28 : પાછલા ત્રણ દશકથી દ. આફ્રિકાની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતવાનું ભારતીય ટીમનું સપનું રોળાયું છે. બેટધરોના ફરી કંગાળ દેખાવથી ટીમ ઇન્ડિયાનો પહેલા ટેસ્ટમાં એક દાવ અને 32 રને કારમો અને શરમજનક પરાજય થયો છે. આથી દ. આફ્રિકાની ટીમ બે ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી આગળ થઇ છે. બીજી ટેસ્ટમાં વાપસી કરી ટીમ ઇન્ડિયા જો જીત મેળવશે તો પણ શ્રેણી જીત હાંસલ કરી શકશે નહીં. આજે મેચના ત્રીજા દિવસે આફ્રિકાની પેસ બેટરી સામે સુપરસ્પોર્ટસ પાર્કની ઉછાળવાળી પિચ પર ભારતીય ટીમનો બીજા દાવમાં ફકત 34.1 ઓવરમાં 131 રને ધબડકો થયો હતો. આથી આફ્રિકાનો એક દાવ 32 રને શાનદાર વિજય થયો હતો. ભારત તરફથી એકમાત્ર વિરાટ કોહલીએ આફ્રિકી બોલરોનો સામનો કરીને 82 દડામાં 12 ચોગ્ગા-1 છગ્ગાથી 76 રન કર્યાં હતા. કોહલી આખરી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. આ પહેલા આજે મેચના ત્રીજા દિવસે આફ્રિકાનો પહેલો દાવ 408 રને સમાપ્ત થયો હતો. આથી તેને 163 રનની સરસાઇ મળી હતી. એલ્ગરે 18પ અને યાનસને અણનમ 84 રન કર્યાં હતા. ભારત તરફથી ફકત વિરાટ કોહલી (76) અને શુભમન ગિલ (26) ડબલ ફીગરમાં પહોંચી શકયા હતા. બાકીના તમામ બેટર સિંગલ ડિઝિટમાં આઉટ થયા હતા. યશસ્વી, કપ્તાન રોહિત 0, અય્યર 6, રાહુલ 4, અશ્વિન 0, ઠાકુર 2, બુમરાહ 0, સિરાઝ 4 રને આઉટ થયા હતા. આફ્રિકા તરફથી નાંદ્રે બર્ગરે પદાર્પણ ટેસ્ટની બીજી ઇનિંગમાં 4 વિકેટ લીધી હતી. યાનસનને 3 અને રબાડાને 2 વિકેટ મળી હતી. આજે લંચ બાદ દ. આફ્રિકાનો પ્રથમ દાવ 108.4 ઓવરમાં 408 રને સમાપ્ત થયો હતો. આફ્રિકી કપ્તાન તેંબા બાવમૂ અનફિટ હોવાથી ક્રિઝ પર આવ્યો ન હતો. આફ્રિકાએ આજે મેચના ત્રીજા દિવસે તેનો પ્રથમ દાવ પ વિકેટે 2પ6 રનથી આગળ વધાર્યો હતો. ગઇકાલના બે અણનમ આફ્રિકી બેટર સદીવીર ડિન એલ્ગર અને માર્કો યાનસને ભારતીય બોલરોનો મકકમતાથી સામનો કરીને છઠ્ઠી વિકેટમાં 199 દડામાં 111 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીને લીધે આફ્રિકા સંગીન સ્થિતિમાં આવી ગયું હતું. પોતાની આખરી ટેસ્ટ શ્રેણી રમી રહેલા ડિન એલ્ગર બેવડી સદીથી 1પ રન દૂર રહ્યો હતો. તે 287 દડામાં 28 ચોકકાથી ઠાકુરના દડામાં આઉટ થયો હતો. જયારે યાનસન 147 દડામાં 11 ચોગ્ગા-1 છગ્ગાથી 84 રને નોટઆઉટ રહ્યો હતો. કોએત્ઝી 19, રબાડા 1, બર્ગર ઝીરોમાં આઉટ થયા હતા. ભારતના પહેલા દાવમાં 24પ રનના જવાબમાં આફ્રિકાએ 408 રન કરતા તેને 163 રનની નિર્ણાયક સરસાઇ મળી હતી. ભારત તરફથી બુમરાહને સૌથી વધુ 4 વિકેટ મળી હતી. સિરાઝે 2 વિકેટ લીધી હતી. કૃષ્ણા, ઠાકુર અને અશ્વિનને 1-1 વિકેટ મળી હતી.

Share This Article