Tejaswin Shankar: કોમનવેલ્થ ગેમ્સમાં ઈજાના કારણે તેજસ્વિન શંકરે સ્પર્ધા છોડી, ભાવુક થઈ રોકી ન શક્યા આંસુ

Arati Parmar
3 Min Read

Tejaswin Shankar: ઘૂંટણનો દુખાવો ફરીથી વધી જતાં કોમનવેલ્થ ગેમ્સની એથ્લેટિક્સ સ્પર્ધામાં પુરુષોની હાઈ જમ્પ સ્પર્ધામાં પોતાના પ્રથમ પ્રયાસ બાદ જ બહાર થનારા તેજસ્વિન શંકર ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને પોતાના આંસુ રોકી શક્યા નહોતા. 27 વર્ષીય આ ખેલાડીએ 2022માં બર્મિંગહામમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વોર્મ-અપ દરમિયાન તેમના ઘૂંટણમાં તીવ્ર દુખાવો થયો હતો અને પ્રથમ પ્રયાસમાં સફળ રહ્યા હોવા છતાં તેઓ આગળ સ્પર્ધામાં ભાગ લઈ શક્યા નહોતા. જોકે તેઓ પોતાના સાથી ખેલાડી સર્વેશ કુશારેની મદદ માટે સ્પર્ધા સ્થળ પર જ રોકાયા રહ્યા. સર્વેશ કુશારે સિલ્વર મેડલ જીત્યો હતો.

તેજસ્વિને વ્યક્ત કર્યું દુખ

- Advertisement -

તેજસ્વિને બાદમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું, “મારા ઘૂંટણમાં ખૂબ જ દુખાવો થયો. આ વોર્મ-અપ દરમિયાન થયું. આ કોઈ નવી વાત નથી. મારા ઘૂંટણમાં હંમેશાથી આવી સમસ્યા રહી છે. મને નથી લાગતું કે હાઈ જમ્પનો એવો કોઈ ખેલાડી હશે જેને આ સમસ્યા ન હોય. તેથી જ તેને ‘જમ્પર ની’ કહેવામાં આવે છે. દરેક ખેલાડી આ સમસ્યાનો સામનો કરે છે.”

મને મેડલ જીતવાનો સંપૂર્ણ વિશ્વાસ હતો – તેજસ્વિન

- Advertisement -

તેજસ્વિને જણાવ્યું કે આ દુખાવો ખોટા સમયે ફરીથી શરૂ થયો, જેના કારણે તેઓ ખૂબ નિરાશ છે, કારણ કે તેઓ ગ્લાસ્ગો એ વિશ્વાસ સાથે આવ્યા હતા કે તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં વધુ એક મેડલ જીતી શકે છે. તેમણે કહ્યું, “પરંતુ આ એવો દિવસ હતો જ્યારે આ દુખાવો ફરીથી વધી ગયો. હું ખરેખર ખૂબ દુઃખી છું. મને મેડલ જીતવાનો સંપૂર્ણ વિશ્વાસ હતો.”

તેજસ્વિને જોકે ગુરુવારથી શરૂ થનારી ડેકાથલોન સ્પર્ધા સુધી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જવાની આશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, “મારી પાસે હજુ બે દિવસ છે. આગામી બે દિવસમાં સંપૂર્ણ રીતે ફિટ થવા માટે હું મારી તરફથી શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. હું કોઈ કસર બાકી નહીં રાખું. હું અહીં રજા મનાવવા આવ્યો નથી.”

- Advertisement -

સાથી ખેલાડી કુશારેની કરી મદદ

સ્પર્ધામાંથી બહાર થઈ ગયા છતાં તેજસ્વિન સ્પર્ધા સ્થળ પર જ રોકાયા રહ્યા અને પોતાના સાથી ખેલાડી કુશારેની મદદ કરવા માટે પોતાની ભૂમિકા બદલી. કુશારેએ ખરાબ શરૂઆત બાદ ફરી લય મેળવવામાં તેજસ્વિનની ટેક્નિકલ સલાહને શ્રેય આપ્યો. કુશારેએ કહ્યું, “હું પ્રથમ પ્રયાસમાં જ ઊંચાઈ પાર કરવા માંગતો હતો, પરંતુ 2.25 મીટર પર મારી લય બગડી ગઈ હતી. ત્યારબાદ તેજસ્વિને મને રન-અપમાં થોડું આગળ વધવા માટે કહ્યું અને તેનાથી મને મદદ મળી.”

Share This Article