RCB Felicitation Event: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ (RCB)એ પ્રથમ વખત આઈપીએલ ટ્રોફી પોતાના નામે કરતાં તેની ભવ્ય ઉજવણી થઈ રહી છે. રજત પાટીદારના નેતૃત્વ હેઠળ આરસીબીએ આઈપીએલ 2025 ફાઈનલમાં પંજાબ કિંગ્સને હરાવી ચાહકોની 18 વર્ષની નિરાશા ખતમ કરી છે. ગઈકાલે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિરાટ કોહલી જ્યારે ચાહકોને સંબોધિત કરી રહ્યો હતો, ત્યારે સ્ટેડિયમ કોહલી, કોહલી, આરસીબી, આરસીબીના નામથી ગૂંજી ઉઠ્યું હતું. તેને બોલવા જ દીધો ન હતો. જેથી કોહલીનો મૂડ બે વખત ખરાબ થયો હતો. કોહલી આઈપીએલની શરૂઆતથી આરસીબીનો હિસ્સો રહ્યો છે.
મારી પાસે વધુ સમય નથી, મને…
કોહલીએ સ્ટેડિયમમાં જેવુ જ સંબોધન શરૂ કર્યું તો સ્ટેડિયમમાં ઉપસ્થિત ચાહકોએ આરસીબી અને કોહલીનો સુત્રોચ્ચાર શરૂ કર્યો હતો. ત્યારબાદ કોહલી બોલતાં થંભી ગયો હતો. તેણે ફરી બોલવાનો પ્રયાસ કર્યો પરંતુ ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને હતો. જેથી કોહલી બોલી શક્યો નહીં. બાદમાં હોસ્ટ દાનિશે લોકોને આજીજી કરવી પડી કે, તમે બધા શાંત થાવ, કોહલીને બોલવા દો. પ્રેક્ષકો શાંત થતાં કોહલીએ કહ્યું કે, મારી પાસે વધુ સમય નથી. મને બોલવા દો. હું કેપ્ટનની વાતોને સમર્થન આપતાં મારી વાત શરૂ કરીશ. આ હવે ‘ઈ સાલા કપ નામદે’ નથી રહ્યું, પરંતુ આ હવે ‘ઈ સાલા કપ નામદૂ’ છે.
આ જીત બધા માટે છે
કોહલીએ આગળ કહ્યું કે, અમે કરી બતાવ્યું અને આ જીત માત્ર મારા અને છેલ્લા 18 વર્ષ માટે નથી, પરંતુ તમારા બધા માટે છે. ચાહકો અને જે લોકોએ અમને સપોર્ટ કર્યો છે, તેમના માટે છે. ખાસ કરીને તમારા માટે છે. તમે બધાએ આટલા વર્ષોમાં જે વિશ્વાસ અને પ્રેમ બતાવ્યો છે, તે અત્યંત ખાસ છે. મેં તમારા જેવા ચાહકો ક્યારેય જોયા નથી. ઉલ્લેખનીય છે, કોહલીએ 18મી સીઝનમાં ઉમદા બેટિંગ કરી હતી. તેણે આરસીબી માટે 15 મેચમાં 657 રન બનાવ્યા હતાં. આ સીઝનમાં સૌથીવધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં તે ત્રીજા સ્થાને રહ્યો છે. ફાઈનલમાં 43 રન ફટકાર્યા હતાં.
આરસીબીની જીત માતમમાં ફેરવાઈ
આરસીબીની જીતની ઉજવણી ગઈકાલે બુધવારે માતમમાં ફેરવાઈ છે. આ ઉજવણીમાં સામેલ થવા માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. ચાહકોએ સ્ટેડિયમની અંદર જવા માટેનો પ્રયાસ કર્યો હતો. જેમાં નાસભાગ મચતાં 11 લોકો માર્યા ગયા હતાં. આશરે 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. ટીમની એક ઝલક મેળવવા માટે ભારે ભીડ ઉમટી પડી હતી. પોલીસ ભીડ પર કાબૂ મેળવી શકી ન હતી. તેના માટે બળ પ્રયોગનો ઉપયોગ કરવો પડ્યો હતો. ચાહકો સ્ટેડિયમની અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતાં.

