વર્લ્ડ કપ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાની નામોશી ભરી શરૂઆત
વર્લ્ડ કપ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાની નામોશી ભરી શરૂઆત
વર્લ્ડ કપ ક્રિકેટમાં 1996 પછી ઓસ્ટ્રેલિયાએ પહેલી જ વાર પરાજય સાથે પ્રારંભ કર્યો,
વિશ્વકપ અભિયાનમાં 1996 પછી ઓસ્ટ્રેલિયાએ પહેલી જ વાર પરાજય સાથે પ્રારંભ કર્યો, એમાં ટીમ ઈન્ડિયાની સંતુલિત રમત અને ઘરઆંગણે રમવાનો આત્મવિશ્વાસ કારણભૂત બન્યા છે. ચેપોકની વિકેટ સ્પિનરોને યારી આપશે એ નક્કી જ હતું. એટલે જ રોહિત સેના ત્રણ સ્પિનર સાથે મેદાનમાં ઊતરી… એ દાવ ફળ્યો ને ઓસ્ટ્રેલિયા ટોસ જીતવા છતાં ઓછા સ્કોરમાં સપડાયું… વોર્નર, માર્શ, મેક્સવેલ, લાબુસેન જેવા ઈનફોર્મ બેટધરોને બાંધી રાખવા એ મોટી વાત છે. આટલી જ સ્ટોરીમાં મેચનો રોમાંચ પ્રતિબિંબિત નથી થતો, ભારતના ટોચના બેટધરો શાનદાર ફોર્મમાં છે. હમણા જ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી જીત મેળવી છે. એ જોતાં જીતમાં મુશ્કેલી ન પડે એવી ધારણા સેવાતી હતી. મિચેલ સ્ટાર્ક અને હેઝલવૂડની ઝડપી બાલિંગ સામે ઈશાન કિશન, રોહિત શર્મા અને શ્રેયસ ઐયર શૂન્ય રને પેવેલિયન ભેગા થઈ ગયા… બે રનમાં ત્રણ વિકેટની સ્થિતિ કોઈ પણ ટીમના હાજા ગગડાવી નાખે… પણ ક્રિકેટની ખરી શરૂઆત અહીંથી જ થઈ. વિરાટ કોહલી – કે. એલ. રાહુલે પરિસ્થિતિ મુજબ કોપી બુક સ્ટાઈલ બેટિંગ કરી. વિકેટ સાચવી રાખી. એક એક રન દોડતા રહીને સ્કોરબોર્ડ ફરતું રાખ્યું. મોટી ભાગીદારી આ રીતે બિલ્ડઅપ થઈ, જેણે વિજયની ભૂમિકા રચી આપી. વિરાટ (8પ) કે રાહુલ (97*) સદીથી વંચિત રહ્યા એનો વસવસો થાય, પરંતુ વિપરીત સંજોગોમાં જીત મળવી અને એઁ પણ પાંચ વાર વર્લ્ડકપ વિજેતા કાંગારુ ટીમ સામે એનું મહત્ત્વ અનેકગણું છે. આ વિજય સાથે ભારતે પ્રથમ અઘરો કોઠો પાર કર્યો છે. મહાભારતમાં અભિમન્યુએ કોઠા ભેદવાના હતા. ટીમ ઈન્ડિયા સામે 11?કોઠાનો પડકાર છે. ભારત પાસે એક એકથી ચડિયાતા અર્જુન, અભિમન્યુ જેવા યોદ્ધા છે. એની મોટી ધરપત છે. હવે બીજી મેચ બુધવારે અફઘાનિસ્તાન સામે છે. આ વિજયમાં પણ સબક શીખવા જેવો છે. બાલિંગ-ફાલ્ડિંગ અફલાતૂન રહી. વિરાટ-રાહુલ જીતનું શ્રેય ભલે લઈ ગયા પણ રવીન્દ્ર જાડેજા, કુલદીપ, અશ્વિન અને બુમરાહના બોલિંગ-કેચિંગ અદ્ભુત હતા, પણ બેટિંગમાં ઈશાન કિશન અને શ્રેયસ ઐયરના ફટકા બેજવાબદારીભર્યા હતા. શુભમન ગિલની બીમારીને લીધે ઇશાનને વર્લ્ડકપની પહેલી મેચ રમવા મળે એનું મહત્ત્વ એણે ખુદ સમજવું જોઇએ. હેઝલવૂડ સામે આવો લૂઝ ફટકો મારવાની ગુસ્તાખી રોહિત કે વિરાટ પણ કદાપિ ન કરે. ભારત માટે ઘરઆંગણે વિશ્વકપ જીતવાનો પડકાર છે. એમાં આનાથી સારી શરૂઆત ન હોઇ શકે. વિરાટ-રાહુલ એવા ખેલાડી છે જે એકવાર ફોર્મમાં આવી ગયા પછી તેમને રોકી?શકાતા નથી. ટીમ ઇન્ડિયા માટે હજુ લાંબે લેખાં છે. અત્યાર સુધીની મેચોમાં ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકાનું ફોર્મ જોવા મળ્યું છે. કોઇ મેચ સરળ નહીં હોય… દરેક જીત પોતાનું મૂલ્ય નક્કી કરશે. બીજા મુકાબલાનો ઇંતજાર કરીએ…
