Google Data Centre In India: ટેક જાયન્ટ ગૂગલ ભારતના ડિજિટલ ક્ષેત્રમાં તેનું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ કરી રહ્યું છે. કંપની વિશાખાપટ્ટનમમાં 1 ગીગાવોટ (1 GW) ની ક્ષમતા ધરાવતું મેગા ડેટા સેન્ટર ક્લસ્ટર સ્થાપિત કરશે. આ પ્રોજેક્ટ માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયામાં પણ સૌથી મોટો ડેટા હબ હશે.
અહેવાલો અનુસાર, આ ક્લસ્ટર ત્રણ અલગ-અલગ કેમ્પસમાં સ્થિત હશે: અદાવિવરમ અને તારલુવાડા (વિશાખાપટ્ટનમ જિલ્લો) અને રામબિલી (અનાકાપલ્લી જિલ્લો). ગૂગલનું મેગા ડેટા હબ જુલાઈ 2028 સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થવાની અપેક્ષા છે.
$10 બિલિયનનો મેગા પ્રોજેક્ટ
ગુગલનું રોકાણ ફક્ત ડેટા સેન્ટર પૂરતું મર્યાદિત રહેશે નહીં. આ પ્રોજેક્ટમાં ત્રણ ઉચ્ચ-ક્ષમતાવાળા સબમરીન કેબલ, કેબલ લેન્ડિંગ સ્ટેશન, મેટ્રો ફાઇબર નેટવર્ક અને અત્યાધુનિક ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ પણ શામેલ હશે.
આ યોજના આંધ્રપ્રદેશને “ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ” બનાવવા તરફ એક મોટું પગલું છે. ડિસેમ્બર 2024 માં મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને ગુગલ વચ્ચે થયેલા એમઓયુ બાદ, રાજ્ય સરકારે “ડેટા સિટી” વિકાસને વેગ આપવા માટે આઇટી અને કોપીરાઇટ કાયદામાં સુધારો કરવાની પ્રક્રિયા શરૂ કરી.
ટૂંક સમયમાં સરકારની મંજૂરી મળવાની અપેક્ષા છે
મુખ્યમંત્રી નાયડુની અધ્યક્ષતામાં રાજ્યનું રોકાણ પ્રમોશન બોર્ડ ટૂંક સમયમાં આ દરખાસ્તને મંજૂરી આપે તેવી અપેક્ષા છે. દરમિયાન, પ્રોજેક્ટને અંતિમ સ્વરૂપ આપવા માટે ગુગલના ટોચના નેતૃત્વ અને આંધ્રપ્રદેશના આઇટી અને ઇલેક્ટ્રોનિક્સ મંત્રી નારા લોકેશ વચ્ચે 14 ઓક્ટોબરના રોજ નવી દિલ્હીમાં બેઠક યોજાવાની છે.

