Social Media Ban 2026: સોશિયલ મીડિયાની બાળકો પર પડતી ખોટી અસરોની સમસ્યાનો સામનો કરવા માટે કેટલાક દેશોએ કડક પગલાં લીધાં છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાએ ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના વપરાશ પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે દક્ષિણ પૂર્વ એશિયામાં ઇન્ડોનેશિયાએ પણ બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધો લાગુ કર્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયા દ્વારા પોર્નોગ્રાફી અને સાયબર બુલિંગ જેવી સમસ્યાઓ ઝડપથી વધી છે. ઇન્ડોનેશિયામાં YouTube, TikTok, Instagram, Facebook, X અને ગેમિંગ પ્લેટફોર્મ Roblox સહિતના ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બાળકોના એકાઉન્ટ્સ પર રોક લગાવવામાં આવી છે. આ પ્લેટફોર્મ્સને ૧૬ વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સનો એક્સેસ બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જોકે, કેટલાક ઓછા જોખમ ધરાવતા પ્લેટફોર્મ્સને આ પ્રતિબંધમાંથી બહાર રાખવામાં આવ્યા છે. આ સાથે જ આ પ્લેટફોર્મ્સ માટે વધુ પ્રાઈવસી વાળા સેટિંગ્સને ડિફોલ્ટ રાખવા, પેરેન્ટલ કંટ્રોલ અને લોકેશન ટ્રેકિંગ પર લિમિટ જેવી શરતો લાદવામાં આવી છે.
ઇન્ડોનેશિયાના કોમ્યુનિકેશન એન્ડ ડિજિટલ અફેર્સ મિનિસ્ટર Meutya Hafid એ જણાવ્યું કે X, TikTok અને Roblox જેવા પ્લેટફોર્મ્સએ નવી પોલિસીનું પાલન કરવા માટે ફેરફારો કરવાની જાણકારી આપી છે. TikTok ની યોજના ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના એકાઉન્ટ્સને ડિસેબલ (બંધ) કરવાની છે. બિલીનેયર ઇલોન મસ્કના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X એ જણાવ્યું છે કે યુઝર્સ માટે લઘુત્તમ વય મર્યાદા ૧૬ વર્ષ કરવામાં આવશે. વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTube એ પણ કહ્યું છે કે તે નવા નિયમોનું પાલન કરશે.
યુરોપમાં સ્પેન સહિત લગભગ ૧૦ દેશો આ પ્રકારના પ્રતિબંધો લગાવવાની યોજના બનાવી રહ્યા છે. ભારતમાં પણ કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયાને ઓછી ઉંમરના બાળકો માટે વાપરવા પર કેટલાક નિયંત્રણો લાદી શકે છે. તાજેતરમાં જ એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે સોશિયલ મીડિયા પર વય મર્યાદા લગાવવા અંગે સરકાર વિચાર કરી રહી છે. ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સાથે ડીપફેક જેવી સમસ્યાઓ પર વાતચીત કરવામાં આવી રહી છે. તેમનું કહેવું હતું કે, “ઘણા દેશોએ સ્વીકાર્યું છે કે વય મર્યાદાને લગતા રેગ્યુલેશન્સ હોવા જોઈએ.” દેશમાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પ્રત્યેકના ૪૦ કરોડથી વધુ યુઝર્સ છે, અને આ બંને પ્લેટફોર્મ્સ માટે ભારત સૌથી મોટું માર્કેટ છે.

