સોનિયા – પ્રિયંકાની હાજરીમાં ઉમેદવારીપત્ર ભર્યું : અમેઠી છોડવા મુદ્દે ભાજપના પ્રહાર : રાયબરેલી, તા. 3 : ઘણા દિવસોની અટકળો બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અંતે રાયબરેલીથી ઉમેદવારીપત્ર ભર્યું છે. તેમની સાથે સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી, બનેવી રોબર્ટ વાડરા હાજર રહ્યા હતા. કિશોરીલાલ શર્માએ પણ અમેઠીથી ઉમેદવારીપત્રક નોંધાવ્યું છે. રાહુલે અમેઠીને બદલે રાયબરેલીથી ઉમેદવારીપત્ર ભરતાં અમેઠીથી ભાજપનાં ઉમેદવાર સ્મૃતિ ઇરાનીએ તેમના પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે ઉમેદવારીપત્રકના અંતિમ દિવસે રાયબરેલીથી રાહુલ ગાંધી અને અમેઠીથી કિશોરીલાલનાં નામો જાહેર કર્યાં હતાં.
કિશોરી સોનિયા ગાંધીના વિશ્વાસપાત્ર માનવામાં આવે છે. કોંગ્રેસ નેતા રાહુલે ઉમેદવારીપત્ર ભર્યા બાદ એક્સ (ટ્વિટર) પર શેર કર્યું હતું કે, `રાયબરેલીથી ઉમેદવારી એ મારા માટે ભાવુક ક્ષણો હતી. મારાં માતાએ મને બહુ જ વિશ્વાસથી પારિવારિક કર્મભૂમિ સોંપી છે અને તેની સેવા કરવાનો અવસર આપ્યો છે. અમેઠી અને રાયબરેલી મારા માટે ભિન્ન – ભિન્ન નથી. બંને મારો પરિવાર છે. મને આનંદ છે કે 40 વર્ષથી આ ક્ષેત્રમાં સેવા કરી રહેલા કિશોરીલાલજી અમેઠીથી પક્ષનું પ્રતિનિધિત્વ કરશે. અન્યાય વિરુદ્ધ આપવામાં આવી રહેલી ન્યાયની લડત હું મારા સ્નેહીઓની લાગણી અને તેમના આશીર્વાદ માગું છું. મને વિશ્વાસ છે કે બંધારણ અને લોકતંત્રને બચાવવા માટેની લડતમાં આપ સૌ મારા સાથે ઊભા રહેશો.’એરપોર્ટથી સોનિયા, રાહુલ અને રોબર્ટ વાડરા રાયબરેલીનાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યાં હતાં. બીજીતરફ, પ્રિયંકા ગાંધી અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અમેઠી ગયા હતા. ત્યાં તેમણે કિશોરીલાલ સાથે રોડ – શો કર્યો હતો. પ્રિયંકાએ કહ્યું કે, `અમે અમેઠીમાં સત્ય અને સેવાની રાજનીતિ પુન: લાવવા માગીએ છીએ. હવે સમય આવી ગયો છે.

આ તમારી ચૂંટણી છે, તમે લડશો , તમે જ જીતાડશો.’ઉમેદવારીપત્રક ભરતાં પૂર્વે રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યાલયની પૂજા કરી હતી. ત્યારબાદ કાફલા સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને ઉમેદવારીપત્રમાં નોંધણી કરી હતી. ભાજપ સરકારે રાયબરેલીથી યોગી સરકારનાં નેતૃત્વ હેઠળ દિનેશ પ્રતાપસિંહને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે અમેઠીથી સ્મૃતિ ઇરાની લડી રહ્યાં છે. અમેઠીથી ઉમેદવારી છોડવા પર ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે રાહુલ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે રાહુલ અમેઠીથી પલાયન કરીને વાયનાડ ગયા. રાયબરેલીની જનતા સમજી ગઇ છે. તેઓ રણછોડદાસના લોકો છે. જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કહ્યું હતું કે ગાંધી પરિવાર જ્યાંથી હારે છે, ત્યાં ફરીથી જતા નથી. – શહજાદાને વાયનાડમાં હારનો ડર પેઠો : પં. બંગાળની સભામાં વડાપ્રધાન : દુર્ગાપુર, તા.3 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના બર્ધમાન-દુર્ગાપુર, કૃષ્ણાનગર અને બોલપુરમાં સભા કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ અમેઠીના બદલે રાયબરેલીમાંથી ઉમેદવારી કરી તે અંગે રાહુલના જ શબ્દોનો ઉપયોગ કરીને પીએમે કહ્યું કે, શહજાદાને વાયનાડથી હારનો ડર લાગી રહ્યો છે.. હું કહું છું, `ડરો મત, ભાગો મત’. મોદીએ પોતાના ભાષણોમાં પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકાર, સંદેશખાલી, રામમંદિર, રામનવમી, વોટ જિહાદ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, તૃણમૂલના એક ધારાસભ્ય કહે છે કે, હિન્દુઓને ભાગીરથીમાં વહાવી દેશું, આ કેવી ભાષા બોલી રહ્યા છે. રાહુલ ગાંધી પર તેમની જ ભાષામાં નિશાન સાધતાં પીએમ મોદીએ કહ્યું કે, શહજાદાને વાયનાડથી ડર લાગી રહ્યો છે, એટલે જ અમેઠીથી ભાગીને રાયબરેલી પહોંચ્યા છે, તેઓ બધાને કહે છે કે, ડરો મત. હું તેમને કહેવા માગું છું, ડરો મત, ભાગો મત. તેમણે કહ્યું, બે તબક્કાના મતદાન બાદ વિપક્ષો મોદી વિરુદ્ધ વોટ જિહાદ કરી રહ્યા છે. જિહાદનો અર્થ દેશના લોકો સારી રીતે સમજે છે. મોદીએ કહ્યું કે, પદ-પ્રતિષ્ઠાની લાલચ હોય તો એક વખત વ્યક્તિ પીએમ પદના સોગંદ લે પછી તેના જીવનમાં ઊંચાઈને પ્રાપ્ત કરી લે છે. લોકોને લાગે છે કે, મોદીજી બે વખત પીએમ રહ્યા, દુનિયામાં આટલું નામ થયું, અરે ક્યારેક તો આરામ કરો. હું મોજ કરવા માટે જન્મ્યો નથી. હું 140 કરોડ દેશવાસીની સેવા કરવા માટે નીકળ્યો છું. તેમણે પ. બંગાળ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, સંદેશખાલીમાં અનુસૂચિત જાતિની બહેનો સાથે અત્યાચાર થઈ રહ્યો હતો અને અહીંની સરકાર આરોપીઓને બચાવી લેવાના પ્રયાસો કરી રહી હતી, એવું માત્ર એટલા માટે કે આરોપીનું નામ શાહજહાં શેખ હતું.
