Royal Enfield Bullet History: રોયલ એનફીલ્ડ બુલેટ ભારતીય યુવકની પહેલી પસંદ છે. તે પોતાના પાવર અને સ્ટાઇલ માટે ઘણી પસંદ કરવામાં આવે છે. આજે તે દુનિયાભરના બાઇકર્સની ફેવરિટ છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, પહેલી બુલેટ કોના માટે બનાવવામાં આવી હતી? તેની મજબૂત ડિઝાઇન અને વિશ્વસનીયતાના કારણે પહેલી બુલેટ ખાસ રીતે સૈન્ય ઉપયોગ માટે બનાવવામાં આવી હતી. આવો રોયલ એનફિલ્ડ બુલેટના ઇતિહાસ વિશે જાણીએ.
1932માં બનાવવામાં આવેલી પહેલી રોયલ એનફિલ્ડ બુલેટ બ્રિટિશ સેના માટે ડિઝાઇન કરવામાં આવી હતી. તેનું સિંગલ સિલિન્ડર એન્જિન અને મજબૂત બનાવટ વિકટ રસ્તાઓમાં પણ લાંબા અંતરે પેટ્રોલિંગ કરવા સક્ષમ બનાવતી હતી. સેનામાં મજબૂત અને વિશ્વાસપાત્ર ટુ વ્હીલ વાહનોની જરૂર હતી. સેનાને ટકાઉ અને પ્રદર્શનમાં પ્રાથમિકતા આપનાર ટુ-વ્હીલર વાહનની જરૂર હતી અને એ જ બુલેટની ઓળખ છે.
1955માં ભારતીય સેનાએ 350 સીસી એન્જિનવાળા 800 બુલેટ મોટરસાઇકલનો એક મોટો ઓર્ડર આપ્યો. આટલા મોટા ટાર્ગેટને પૂરો કરવા માટે રોયલ એનફિલ્ડે ભારતમાં એક અસેમ્બલી યુનિટની સ્થાપના કરી અને ઘરેલુ મોટરસાઇકલ ઉત્પાદનની શરૂઆત કરી. તેનાથી સેનાની જરૂરિયાતો પૂરી થઈ અને તેની સાથે ભારતમાં રોયલ એનફીલ્ડે પાયો નાખ્યો. આ શરૂઆત આગળ જઈને એક જાણીતું નામ બની ગઈ.
જો કે પહેલી બુલેટની કિંમત જાણવા મળી નથી. પરંતુ 1986માં ભારતીય સેના માટે બુલેટ 350ની ઓન રોડ કિંમત આશરે 18,700 રૂપિયા હતી. ઇન્ફ્લેશનના આધારે આજે તે આશરે અઢી લાખ રૂપિયા હશે.
બુલેટનો ઉપયોગ મોટાભાગે સૈન્ય પેટ્રોલિંગ માટે કરવામાં આવતો હતો. તેનો હાઈ ટોર્ક અને ખરાબ રસ્તા પર ચાલવાની ક્ષમતાએ તેને સેના માટે ઘણી ફાયદાકારક બનાવી.
રોયલ એનફિલ્ડ બુલેટની કિંમતમાં ઝડપથી વધારો જોવા મળ્યો છે. 1986માં સેના મોડલની કિંમત 18,700 હતી, ત્યારે આજે ભારતમાં બુલેટ 350ની કિંમત 2 લાખથી વધુ છે. રોયલ એનફિલ્ડ માત્ર ભારત સુધી સીમિત નથી, તેણે અલગ અલગ દેશોની સેનાને મોટરસાઇકલ આપી છે.

