Bharatmala Project Land Scam: ભારતમાલા યોજના હેઠળ રાયપુર-વિશાખાપટ્ટનમ હાઈવે પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવેલી જમીનમાં અનેક લોકોએ ગેરકાયદેસર વળતર મેળવી લીધું છે. આ કૌભાંડ સરકારી કર્મચારીઓની મિલીભગતથી આચરવામાં આવ્યું છે, જેમાં મહેસૂલ દસ્તાવેજોમાં મોટા પાયે છેડછાડ કરવામાં આવી હતી. આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની રાયપુર પ્રાદેશિક કચેરીએ બે દિવસ પહેલા રાયપુર અને મહાસમુંદમાં દસ સ્થળોએ દરોડા પાડ્યા છે. આ સ્થળો આરોપી હરમીત સિંહ ખાનુજા અને અન્ય લોકોના હોવાનું જાણવા મળ્યું છે.
ED એ રાયપુર સ્થિત ACB/EOW દ્વારા તત્કાલીન SDO (મહેસૂલ), અભાનપુર, રાયપુરના નિર્ભય સાહુ અને અન્ય વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ નોંધાયેલી FIR ના આધારે તપાસ શરૂ કરી હતી. આરોપ છે કે આરોપીઓએ સરકારી અધિકારીઓ સાથે મળીને હાઈવે પ્રોજેક્ટ માટેની જમીનના સરકારી રેકોર્ડમાં હેરાફેરી કરી ગેરકાયદે વળતર મેળવ્યું હતું.
ED ની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ સરકારી કર્મચારીઓ સાથે ગુનાહિત કાવતરું રચીને જમીન સંપાદન માટે છેતરપિંડીથી વધારાનું વળતર મેળવ્યું હતું. તેમણે જમીન સંપાદન પહેલાં જાણીજોઈને મોટા જમીનના ટુકડાઓને કુટુંબના સભ્યો વચ્ચે પાછલી તારીખે નાના-નાના પ્લોટમાં વહેંચી દીધા હતા. જમીનનું આ કૃત્રિમ વિભાજન એટલે કરવામાં આવ્યું હતું જેથી વળતરની વ્યવસ્થાનો દુરુપયોગ કરીને વધુ રકમ પડાવી શકાય.
મહેસૂલ રેકોર્ડમાં ફેરફાર કરીને આ વિભાજનને સંપાદન પ્રક્રિયા શરૂ થઈ તે પહેલાનું બતાવવામાં આવ્યું, જેના પરિણામે ખોટી રીતે વધારાનું વળતર મંજૂર થયું અને વહેંચવામાં આવ્યું. આ રીતે મેળવેલું વધારાનું નાણું ‘ક્રાઈમ ઓફ પ્રોસીડ્સ’ (POC) હતું, જેનાથી સરકારી તિજોરીને મોટું નુકસાન થયું છે. ED એ દરોડા દરમિયાન 40 લાખ રૂપિયા રોકડા, ડિજિટલ ઉપકરણો અને અનેક વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે. આ સાથે જ આરોપીઓના નામે રહેલી અનેક જંગમ અને સ્થાવર મિલકતોની પણ વિગતો મળી આવી છે.

